પકડાયેલ ત્રિપુટીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
પોલીસે લેપટોપ, કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિત 97 હજારનો મુદ્દામાલ કબજે કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
ઉનામાં નકલી આધાર કાર્ડ બનાવવાના મસમોટા કૌભાંડનો એલ.સી.બી.ની ટીમે પર્દાફાશ કર્યો છે એલસીબી પીએસઆઈ વી કે ઝાલા અને ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બસ સ્ટેશનની નજીક ત્રણ શખ્સ કોઇપણ જાતના આધાર પુરાવા વિના જ લોકોને આધાર કાર્ડ બનાવી આપતા હોવાની બાતમી આધારે દરબારી આધાર સેન્ટર નામની ઓફિસમાં પોલીસે દરોડા પાડી અસલમ ઈસ્માઈલ શેખ, શબ્બીર શરીફ સુમરા અને જાવેદ ઉર્ફે ભૂરો ઈબ્રાહીમ મન્સૂરીને દબોચી લીધા હતા. પોલીસે ત્રણેય આરોપીની દુકાનમાંથી કોમ્પ્યૂટર, લેપટોપ, પ્રિન્ટર, 10 હજાર રોકડ, મોબાઈલ, જુદા જુદા ગ્રાહકોના આધાર કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ, લાયસન્સ, જન્મના દાખલ સહિત 97600 નો મુદામાલ કબજે કર્યો છે. નકલી આધાર બનાવી આપનારો આરોપી શખ્સ આ પહેલા એક બેન્કમાં આધાર કાર્ડનું કામ કરતો હતો, જ્યાં તે આધારમાં જરૂરી સુધારા વધારા કરતો હતો, જોકે, ત્યાં પણ તેની ગતિવિધિઓ શંકાસ્પદ લાગતા તેને નોકરીમાથી કાઢી મુકયો હતો. આ પછી આરોપી શખ્સે ઉના બસ સ્ટેશન નજીક દુકાન ખોલીને આધાર કાર્ડના મસમોટા કૌભાંડની શરૂઆત કરી હતી. આ અંગે પોલીસે ભોગ બનનાર સંજયભાઈ કીશોરભાઈ વહાણેટીયાની ફરિયાદ પરથી ઉના પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો પી આઇ એન કે ગોસ્વામીએ અટક કરી ઉના કોર્ટમાં રીમાન્ડની માંગણી સાથે રજુ કરતાં કોર્ટે ત્રણેય શખ્સોના 4 દિવસ નાં રીમાન્ડ મંજુર કર્યા છે.