પ્રશ્ર્ન ન ઉકેલાય તો 9મીની લોકઅદાલતનો બહિષ્કાર
રાજકોટ બાર એસોસિએશનની અર્જન્ટ અસાધારણ સભામાં વકીલોનો ઉકળાટ ચરમસીમાએ પહોંચ્યો, સૂત્રોચ્ચાર કર્યા
- Advertisement -
ત્રણ તબક્કામાં વિરોધનો નિર્ણય: લોકઅદાલતના બહિષ્કાર પછી પણ પ્રશ્ર્ન ન ઉકેલાય તો અચોક્કસ મુદતની હડતાળની ચીમકી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના નવા કોર્ટ બિલ્ડિંગમાં ટેબલ સ્પેસના મુદ્દે રાજકોટ બાર એસોસિએશન અને બેન્ચ વચ્ચેના સંબંધો કથળ્યા છે અને તેના પગલે ગુરુવારે રાજકોટ બાર એસોસિએશને અર્જન્ટ અસાધારણ સભા બોલાવી હતી જેમાં વકીલોએ સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ત્રણ તબક્કામાં વિરોધ નોંધાવવાનો નિર્ણય કરાયો છે. રાજકોટ બાર એસોસિએશન દ્વારા ટેબલ સ્પેસના મુદ્દે આગામી સોમવારે હડતાળનું એલાન અપાયું છે. ત્યારબાદ પણ જો પ્રશ્ન ન ઉકેલાય તો તા.9મીએ લોકઅદાલતનો બહિષ્કાર કરવાની અને ત્યારબાદ પણ પ્રશ્ન ન ઉકેલાય તો અચોક્કસ મુદતની હડતાળની ચીમકી આપવામાં આવી છે. તેમજ સિનિયર બાર સભ્યોની કમિટીની રચના પણ કરવામાંઆવી છે.ઉપપ્રમુખ સુરેશ ફળદુએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ બાર એસોસિએશને 29મીએ બપોરે 1.00 વાગ્યે અસાધારણ સભા બોલાવી હતી. જેમા વકીલો અને સભ્યોને પડતી મુશ્કેલીઓ જેવી કે ટેબલ ફાળવણી, ઝેરોક્સ મશીનની સુવિધા, સ્ટેમ્પ વેન્ડર, બોન્ડ રાઇટર અને પિટિશન રાઇટરની અલાયદી જગ્યાની ફાળવણી તથા તમામ વકીલોને અગવડતા પડતી હોવાથી સુવિધાઓ જેવી કે પોસ્ટ ઓફિસ, એટીએમ, કેન્ટીન પાર્ટિશન તથા દરવાજા સહિતના જુદા-જુદા મુદ્દે મળેલી રજૂઆત અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.ત્યારબાદ સિનિયર વકીલોની કમિટીની રચના કરવામાં આવી હતી જે કમિટી રાજકોટ બાર એસોસિએશનના હોદ્દેદારો સાથે રહીને ઉપસ્થિત થયેલા મુદ્દાઓ સંબંધે રાજકોટ બાર એસોસિએશનના હિતમાં કરવાની થતી કાર્યવાહી જેવી કે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ, અન્ય જ્યુડિશિયલ ઓફિસરો, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તથા યુનિટ જજ તથા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને કરવાની થતી રજૂઆતો કરવા અને અન્ય કાર્યવાહી કરવા સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું.
કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા નવા કોર્ટ બિલ્ડિંગમાં વકીલો માટે રૂમની વ્યવસ્થા ન હોય 500થી 1000 વકીલો બેસીને મિટિંગ કરી શકે તેવી સુવિધા ન હોય રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સહિતના 16 સભ્ય તથા 500થી વધુ વકીલે ઊભા-ઊભા મિટિંગ યોજી હતી. 3 કલાક ચાલેલી અસાધારણ સભામાં અનેક સિનિયર વકીલો કે જેમની ઉંમર 70 કરતા વધુ હોય તેમની હાલત સતત ઊભા રહેવાના કારણે કફોડી બની હતી. લલિતસિંહ શાહી, અનિલભાઇ દેસાઇ, પીયૂષભાઇ શાહ, દિલીપભાઇ પટેલ, સંજયભાઇ વ્યાસ, ગિરીશભાઇ ભટ્ટ, આર.એમ. વારોતરિયા, મહર્ષિભાઇ પંડ્યા, જયદેવભાઇ શુક્લ, જનકભાઇ પંડ્યા, કેતનભાઇ ડી.શાહ, શ્યામલભાઇ સોનપાલ, જે.એફ.રાણા, યોગેશભાઇ ઉદાણી, ગિરિરાજસિંહ જાડેજા અને પરેશભાઇ મારૂની બાર એસો.ની કમિટીમાં સિનિયર વકીલોની કરાઇ નિયુક્તિ રાજકોટ બાર એસો. દ્વારા સિનિયર વકીલોની કમિટી બનાવ્યા બાદ હવે ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા જજની કમિટીમાં સાત ધારાશાસ્ત્રીને સમાવાયા છે. જેમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ જે.ડી.સુથાર, છઠ્ઠા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ.વી.શર્મા, નવમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ બી.બી.જાદવ, ધારાશાસ્ત્રી અનિલ દેસાઇ, સંજય વ્યાસ, પરેશ મારૂ, એ.કે.જોશી, એજીપી કે.બી.ડોડિયા, દિલીપ મહેતા અને અતુલ જોશીને સામેલ કરાયા છે.
એડવોકેટ મેહુલ બોઘરા પર થયેલા હુમલાને વખોડી કાઢતા સુરત અને રાજકોટ બાર એસોસિએશન
સુરત બાર એસોસિએશનના સભ્ય એડવોકેટ મેહુલભાઈ બોઘરા ઉપર પોલીસ કર્મચારી દ્વારા થયેલા હિચકારા હુમલા અને તેમના વિરૂદ્ધ ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો હોય રાજકોટ બાર એસોસિએશન ઉપરોક્ત બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને આ સંદર્ભે રાજકોટ બાર એસોસિએશન, સુરત બાર એસોસિએશનની તથા એડવોકેટ મેહુલભાઈ બોઘરાની સાથે છે તેવું રાજકોટ બાર એસોસિએશનના ઈન્ચાર્જ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલીયાની યાદીમાં
જણાવાયું છે.