34 કરોડના ખર્ચે તૈયાર થયેલા રસ્તાના કારણે ગ્રામજનો સહિત પ્રવાસીઓની સુવિધામાં વધારો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
- Advertisement -
જિલ્લાના તાલાળા-જામવાળા સ્ટેટ હાઈવેનું જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, સાંસદ રાજેશભાઈ ચુડાસમાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા રૂ.34 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ રસ્તાના કારણે ગ્રામજનો સહિત સાસણની મુલાકાતે આવતા પ્રવાસીઓને વધુ સગવડતા મળશે. તેમજ, ગીરના ઘરેણાં સમાન કેસર કેરીના ટ્રાન્સપોર્ટેશનને વેગ મળશે. ધારાસભ્ય ભગવાનભાઈ બારડે કહ્યું હતું કે, ‘નવા રસ્તાના કારણે ગીરની જનતાની સુવિધામાં વધુ ઉમેરો થયો છે. માર્ગ મકાન વિભાગ દ્વારા જે વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે ત્યાં સી.સી.રોડ બનાવવામા આવ્યાં છે. આ સિવાયના રસ્તાઓમાં ડામર રોડથી નવા માર્ગો બનાવવામાં આવ્યાં છે. આ રસ્તો બનતાં ગુંદરણ, માધુપુર, જાંબુર, સુરવા, આંકોલવાડી અને બામણાસાના ગ્રામજનોને તો ફાયદો થશે જ સાથે જ સાસણ આવતા પ્રવાસીઓને પણ સગવડતામાં વધારો થશે.’
ઉલ્લેખનીય છે કે, તાલાલા સરદાર ચોકથી જામવાળાની કુલ 29 કિ.મી લંબાઈ ધરાવતા આ રસ્તામાં 9 કિ.મી રસ્તો જંગલમાંથી પસાર થાય છે. જે મંજૂરી હેઠળ છે. જ્યારે બાકી રહેતા તાલાલાથી આંકોલવાડી સુધી 17 કિ.મી હયાત 5.5 મીટર પહોળાઈમાંથી 10 મીટર પહોળાઈ વધારવાની કામગીરી તેમજ 3 કિ.મી એટલે કે આંકોલવાડીથી બામણાસા સુધી રસ્તો 7 મીટર પહોળાઈ વધારવાનું તેમજ મજબૂતીકરણનું કામ કરાયું છે. ઉપરાંત આ રસ્તા પર આવતા જૂના અને જર્જરીત તમામ નાળા-પુલિયા નવા બનાવવામાં આવ્યા છે. ધારાસભ્યએ ઝડપથી આ માર્ગની કામગીરી પૂર્ણ કરવા માટે માર્ગ મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર સુનિલભાઈ મકવાણા સહિતના કર્મચારીગણની કામગીરીને બીરદાવી હતી.