ગુજરાતમાં 5 વર્ષમાં 93 હજાર કિલો ડ્રગ્સ પકડાયું છતાં સજા એક પણ વ્યક્તિને નહીં
રાજકોટ ચૌધરી હાઈસ્કૂલ નજીક એન્ટી ડ્રગ સ્ટિકી નોટ અભિયાન યોજાયું
- Advertisement -
ટીમ જાગૃતિ રેલી, સહી ઝુંબેશ, જાહેર કાર્યક્રમો અને શિક્ષણ સંસ્થામાં અવેરનેસ ડ્રાઈવ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં યુવાનોમાં વધતા નશાના વ્યસન સામે સજાગતા અને જાગૃતિ લાવવા માટે શક્તિ સુપર શી ટીમ દ્વારા સ્ટોપ ડ્રગ્સ – સ્ટાર્ટ લાઇફ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. રાજયભરમાં યુવાનોને નશામુક્ત જીવન તરફ પ્રેરવા અને સમાજમાં વ્યાપી રહેલી ઘાતક પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવવા આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે રાજકોટ શહેર શક્તિ સુપર શી ટીમ દ્વારા આજે લોર્ડ્સ હોટલની સામે, સદગુરુ મહિલા કોલેજ અને ચૌધરી હાઈસ્કૂલ નજીક એન્ટી ડ્રગ સ્ટિકી નોટ અભિયાન યોજાયું. મહિલાઓ અને વિદ્યાર્થીઓને નશાના ખતરા અંગે જાગૃત કરવા માટે સ્ટિકી નોટ દ્વારા સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સંસ્થા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ડ્રગ્સનો પ્રકોપ ચોંકાવનારો છે. છેલ્લા 5 વર્ષમાં 93,691 કિલો ડ્રગ્સ, 2,229 લિટર પ્રવાહી ડ્રગ્સ તથા 73,163 પિલ્સ અને ઇન્જેક્શન પકડાયા છે. વર્ષ 2020થી 2024 વચ્ચે 16,000 કરોડના ડ્રગ્સ પકડાયા હોવાના 19 મોટા કિસ્સા સામે આવ્યા છે. છતાં આ તમામ કેસોમાં એકપણ વ્યક્તિને સજા ન થવી એ ચિંતાજનક બાબત ગણાઈ છે.
શક્તિ સુપર શી ટીમ દ્વારા રાજ્યમાં આવનારા દિવસોમાં જાગૃતિ રેલી, સહી ઝુંબેશ, જાહેર કાર્યક્રમો અને શિક્ષણ સંસ્થાઓમાં અવેરનેસ ડ્રાઈવ યોજાશે. નશાના વેપાર ચાલતો હોય તેવા વિસ્તારોમાં પોલીસ તાત્કાલિક અને સખત કાર્યવાહી કરે તેવા પ્રસ્તાવો પણ સરકાર સુધી પહોંચાડવામાં આવશે. રાજકોટની જનતા માટે પણ અપીલ કરવામાં આવી છે કે શહેરમાં જો કોઈ જગ્યાએ ડ્રગ્સ અથવા દારૂનો પુરવઠો થતો હોવાની માહિતી હોય તો તે કોંગ્રેસ કાર્યાલયમાં પત્ર, ફોન અથવા અન્ય કોઈ માધ્યમ દ્વારા જાણ કરે, જેથી સમાજમાંથી આ દૂષણ દૂર કરવામાં મદદ મળી શકે. આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર પ્રમુખ હિરલબેન રાઠોડ, પ્રદેશ મહામંત્રી લીનાબેન સોલંકી, ઉપપ્રમુખ રચનાબેન જોશી, મહામંત્રી ધર્મિષ્ઠાબા જાડેજા, વિજયાબા જાડેજા, શોભનાબેન જોશી, મંત્રી સંજના ગોહેલ, શીતલબેન, કાજલબેન, દીપુબેન રવિયા સહિત શક્તિ સુપર શીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.



