માણાવદરના વેપારીએ રેલનગર શખ્સ થકી 4 યાંત્રિક રાઈડ્સ ભાડે લીધી હતી
વેપારીને મેળો ધોવાતાં નાણાં પરત નહિ આપતા પ્રદ્યુમનનગર પોલીસમાં નોંધાવી ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
રાજકોટમાં ગત વર્ષે વરસાદના કારણે મેળો ધોવાઈ જતા રદ થયો હતો અને વહીવટી તંત્ર દ્વારા 100 ટકા રિફંડ ચૂકવવામાં આવ્યું હતુ. જોકે, આ લોકમેળામાં એક સાથે 31 જેટલી રાઈડ રાખતા વિરેન્દ્રસિંહ ગોહિલે પેટા કોન્ટ્રાક્ટમાં ભાડે આપેલા 4 ચકડોળના 23.40 લાખ પરત નહીં આપી છેતરપિંડી કર્યાની માણાવદરના પૃથ્વીરાજ પંચાલે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જુનાગઢ જિલ્લાના માણાવદરમાં રહેતા અને મેળાઓમાં યાંત્રિક રાઇડ રાખતા પૃથ્વીરાજ રમેશભાઈ પંચાલે રેલનગરમાં રાધે પાર્કમાં રહેતા વિરેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલ સામે પ્રદ્યુમનનગર પોલિસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે, લોકમેળામાં યાંત્રીક રાઈડોનો ધંધો કરૂ છું. વર્ષ 2024માં 24થી 28 ઓગસ્ટ દરમિયાન રાજકોટ ખાતે રેસકોર્ષમાં મેળો યોજાયો હતો જેનુ ટેન્ડર વિરેન્દ્રસિંહ ગોહેલ પાસે હતુ. તેમનાં દ્વારા એક સાથે તમામ 31 જેટલી રાઈડ રાખવા માટેના પ્લોટ ભાડે રાખવા માટે 1.27 કરોડ ભર્યા હતા જે પેટા કોન્ટ્રાકટમાં રાઈડ ભાડે આપતા હોવાથી તેનો કોન્ટેકટ કર્યો હતો.
હું જૂની કલેકટર કચેરી ખાતે મળ્યો હતો અને તેમને જણાવ્યું હતું કે, મારે તમારી પાસેથી પેટા કોન્ટ્રાકટમા ચકડોળના ચાર પ્લોટ લેવા છે. જેથી તેણે મને જણાવેલ કે, એક પ્લોટના 5,85,000 ભાવ છે. જેથી મેં હા પાડતા મેં તેને જણાવેલ કે ચાર પ્લોટના કુલ રૂપિયા 23.40 લાખ લઈ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આવજો. જેથી 23/08/2024ના હુ તથા મારા દાદા રામજીભાઈ રોકડા પૈસા લઈને રાજકોટ ખાતે ઈન્ડીયન બેંકે ગયા હતા, ત્યા આ વિરેન્દ્રસિંહને રોકડા 23.40 લાખ આપ્યાં હતા. જે રૂપિયા તેમને લોકમેળા સમિતિના ખાતામાં જમા કરાવ્યાં હતા.
મને તેને ચાર પ્લોટ આપ્યાં હતા અને મને જણાવ્યું હતું કે તમને ચાર પ્લોટનો એલોટમેન્ટ લેટર આપવામાં આવશે, પણ એલોટમેન્ટ લેટર આ વિરેન્દ્રસિંહના નામનો આવેલો હતો જોકે, બાદમાં ભારે વરસાદના કારણે લોકમેળો બંધ રહ્યો હતો. સાથે કલેકટરે જાહેરાત કરી હતી કે, મેળાનુ રિફંડડ આપવામાં આવશે. આ મેળાનું રિફંડ 08/12/2024થી 12/12/2024ના સમય ગાળા દરમ્યાન વિરેન્દ્રસિંહના ખાતામાં આવી ગયા હતા. જેથી વિરેન્દ્રસિંહે મારા નામનો 11 લાખનો ચેક આપેલ હતો અને બાકીના 12.40 લાખ બાદમાં રોકડા ચુકવી આપીશ તેમ જણાવ્યુ હતુ. જોકે ચેક રિટર્ન થયો હતો, જેથી વકીલ મારફતે તેને નોટિસ મોકલી હતી પણ તેને આ બાબતે કોઇ જવાબ આપ્યો નહીં. બાદમાં અમે માણાવદર કોર્ટમાં ચેક રિટર્નનો કેસ કર્યો છે અને બાકીના આપેલા નાણા સહિત રૂ.23.40 લાખ પરત નહીં આપી પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હોવાથી તેની સામે ફરિયાદ નોંધાવી છે.