ખાસ-ખબર સંવાદદાતા
મોરબી તાલુકાના લાલપર ગામે જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજીને ગામ લોકોને વ્યાજખોરોના ચક્રમાં ન ફસાવા અંગે તેમજ સરકારની યોજનાઓ તેમજ સસ્તી લોન અંગે બેંક સંબંધી જરૂરી માહિતીથી વાકેફ કરવામાં આવ્યા હતા.
ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરી ડામવા માટે ઝુંબેશ રૂપ કામગીરી ચાલી રહી છે ત્યારે શનિવારે મોરબી તાલુકાના લાલપર ગામે વ્યાજખોરી વિરુદ્ધ જાગૃતિ લાવવા માટે ખાસ લોક દરબાર યોજવામાં આવ્યો હતો. આ લોક દરબારમાં જો કોઈ વ્યક્તિ વ્યાજખોરોના ચક્રમા ફસાયેલ હોય તો નિર્ભય બની પોલીસનો સંપર્ક કરવા સમજ કરવામાં આવી હતી. આ લોકદરબારમાં પોલીસ ઈન્સ્પેક્ટર વાળા, પ્રો. પીઆઈ સોલંકી તેમજ પીએસઆઈ બગડા દ્વારા આશરે 100 જેટલા આગેવાનો તેમજ ગ્રામજનોની હાજરીમાં કાયદાકીય સમજ આપી લોન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાંસદડિયા, સરપંચ રમેશભાઈ વાંસદડીયા અને ઉપસરપંચ રાજુભાઈ જેતપરીયા સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.