આર્જવ ત્રિવેદી અને સાઉથ એક્ટ્રેસ રૂત્વી પટેલની જોડી જમાવશે આકર્ષણ, રાજન રામગોપાલ વર્માનું ડાયરેક્શન
સાઉથ એક્ટ્રેસનું ડેબ્યુ: રૂત્વી પટેલ ગુજરાતી પડદે કરશે એન્ટ્રી, પ્રોડક્શનમાં અંકિત બ્રહ્મભટ્ટની મહત્વની ભૂમિકા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતી સિનેમામાં ફરી એકવાર હૃદયસ્પર્શી પારિવારિક કથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. લક્ષ્મી ગણપતિ ફિલ્મ્સ અને સંજય લાલવાની પ્રસ્તુત તથા રામ ગોપાલ પ્રોડક્શનના સહયોગથી નિર્મિત ફિલ્મ ‘લાગણીનો મેળો’ આગામી 27 ફેબ્રુઆરી 2026ના રોજ સમગ્ર ગુજરાતમાં રિલીઝ થવા જઈ રહી છે. રાજન રામગોપાલ વર્માના નિર્દેશન અને એમ. રમેશના નિર્માણ હેઠળ બનેલી આ ફિલ્મ પારિવારિક મૂલ્યો અને લાગણીઓના સંગમ સમાન છે. આ ફિલ્મમાં પિતા-પુત્રના અતૂટ સંબંધ, પેઢી વચ્ચેના વૈચારિક મતભેદો અને સમજણના મૂલ્યોને અત્યંત સુંદર રીતે વણી લેવામાં આવ્યા છે. ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે વાત કરીએ તો, ‘છેલ્લો દિવસ’, ‘ઉંબરો’ અને ‘હેલ્લારો’ જેવી સફળ ફિલ્મો દ્વારા પોતાની પ્રતિભા સાબિત કરનાર લોકપ્રિય અભિનેતા આર્જવ ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમની સાથે જાણીતી સાઉથ ઇન્ડિયન અભિનેત્રી રૂત્વી પટેલ આ ફિલ્મ દ્વારા ગુજરાતી સિનેમામાં પોતાનું પ્રભાવશાળી ડેબ્યુ કરી રહી છે. આ ઉપરાંત સંજય ગલસર, હેમાંગ શાહ, અરવિંદ વેગડા, ભાવિની જાની અને અનંગ દેસાઈ જેવા અનુભવી કલાકારોની મજબૂત સ્ટારકાસ્ટ ફિલ્મને વધુ આકર્ષક બનાવે છે. અશોક ઉપાધ્યાય દ્વારા લિખિત આ વાર્તા દરેક પરિવારના સભ્યોના હૃદયને સ્પર્શી જાય તેવી ક્ષમતા ધરાવે છે. આર.કે.ઇવેન્ટ સાથે રાજુભાઇ કિકાણી જોડાયેલા છે.
આદિત્ય, જિગરદાન અને કીર્તિદાન ગઢવીના સૂરથી સજ્જ સંગીત; ‘લોરી’ ગીતે મચાવી ધૂમ
ફિલ્મનું સંગીત રાહુલ મુન્જારિયા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના ટોચના ગાયકો આદિત્ય ગઢવી, જિગરદાન ગઢવી (જિગરા) અને કીર્તિદાન ગઢવીએ પોતાના કંઠ આપ્યા છે. ખાસ કરીને ફિલ્મનું ‘લોરી’ ગીત ડિજિટલ પ્લેટફોર્મ પર અત્યારથી જ લાખો વ્યૂઝ મેળવીને સુપરહિટ સાબિત થયું છે. અંકિત એચ. બ્રહ્મભટ્ટના પ્રોડક્શન હેડિંગ અને સીએમ ઈવેન્ટ્સ એન્ડ પ્રમોશન્સના વ્યાપક માર્કેટિંગ દ્વારા ફિલ્મને રાજ્યભરમાંથી ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે.



