રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સાયલા સ્થિત એ.પી.એમ.સી.ખાતે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.

    આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,આજે ગુજરાતમાં ૭૫ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં સિંચાઈની સવલત ઉપલબ્ધ બની છે, રાજ્યનો ૫૮ ટકા વિસ્તાર સૂકો હોવા છતાં પણ સરકારની શ્રેષ્ઠત્તમ કિસાન હિતલક્ષી યોજનાઓ અને ધરતીપુત્રોના પરીશ્રમથી ગુજરાત કૃષિ ઉત્પાદન ક્ષેત્રે દેશમાં અગ્રિમ સ્થાન ધરાવે છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, ગત વર્ષે રાજ્ય સરકારે ૬,૩૦૦ કરોડના મૂલ્યના ખેત ઉત્પાદનોની ટેકાના ભાવે ખરીદી કરી હતી. જેનો રાજ્યના ૬ લાખ જેટલા ખેડુતોને લાભ મળ્યો છે, તેમજ ખેડુતોની આવક વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દર ચાર માસે પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધી યોજના હેઠળ ખેડુતોના ખાતામાં રૂપિયા ૨,૦૦૦ જમા કરાવવામાં આવે છે.

    મંત્રીશ્રીએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની વિગતે વાત કરતા જણાવ્યું હતું કે,સમગ્ર દેશભરમાં ગુજરાત એક માત્ર રાજ્ય છે કે,જેણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મૂકીને સાચા અર્થમાં ખેડુતોની સમૃદ્ધિ અને ઉન્નતિ માટે સતત કાર્ય કર્યુ છે.ઉલ્લેખનીય છે કે આ યોજનાનો લાભ રાજ્યના નાના,સિમાંત અને મોટા તમામ ખેડુતોને મળવાપાત્ર છે.

    આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એચ.ડી.વાદીએ સ્વાગત પ્રવચન કરી ખેતીવાડી વિભાગ દ્વારા ચાલતી વિવિધ ખેડુતલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ નાયબ ખેતી નિયામકશ્રી ડી.એ.પટેલે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી યોજનાઓની જાણકારી આપીને આભારવિધી કરી હતી.

    આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.હુડ્ડા,મામલતદાર સાયલા, તાલુકા વિકાસ અધિકારી સાયલા આર.આર.સુથાર અગ્રણી કાળુભાઈ, રણછોડભાઈ,જીલુભાઈ,મગનભાઈ,ઘનશ્યામભાઈ અને ધીરુભાઈ સહિત ખેડુતો ઉપસ્થિત રહ્યાં હતા.


દિપકસિંહ વાઘેલા – સુરેન્દ્રનગર