રાવળા હક્કની જમીન કેસમાં સરપંચે લાંચ માગી હોવાની ફરિયાદ નોંધાઇ હતી
રાજકોટ એ.સી.બી. સ્પેશ્યલ કોર્ટે પુરાવો અવિશ્ર્વસનીય ગણાવતા નિર્દોષ ઠેરવ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ફરીયાદી હિતુભાઈ ઉર્ફે ધર્મેશભાઈ રજનીકાંતભાઈ સોલંકીએ 21/09/2007ના રોજ રાજકોટ શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશન સમક્ષ ફરીયાદમાં જણાવ્યુ હતું કે તેઓ કુવાડવા ગામના રહીશ ખીમજીભાઈ ગોકળભાઈ ઠુંમરના કુલમુખત્યાર હોય અને તેઓએ ખીમજીભાઈની કુવાડવા ગામની રાવળા હક્કના મકાનની જમીન રેગ્યુલરાઈઝ કરવા તા. 18/09/2007ના રોજ ગ્રામ પંચાયત કચેરી કુવાડવામાં એક લેખીત અરજી આપી હતી જે અનુસંધાને કુવાડવા ગામના સરપંચ ચનાભાઈ દેવરાજભાઈ રામાણીએ આ કામ માટે રૂ.10,000ની માંગણી કરી હતી. જે રકજકના અંતે રૂ.8,500 આપવાનું નક્કી થયુ હતુ. જે પૈકી રૂ.3,500 અગાઉ જ આપી દીધા હતા બાકિની રકમ રૂ.5,000 નક્કી થયા મુજબ દેવાની બાકી છે જે ફરીયાદીએ આપવી ન હોય જેથી સુરેન્દ્રનગરના એ.સી.બી. પોલીસ ઈન્સ્પેકટર એમ.જે.ડાભી સમક્ષ સરપંચ ચનાભાઈ દેવરાજભાઈ રામાણી વિરૂધ્ધ લેખીતમાં અરજી આપી હતી. જેથી સુરેન્દ્રનગર એ.સી.બી. પોલીસે લાંચનું છટકું ગોઠવતા સરપંચ ચનાભાઈ દેવરાજભાઈ રામાણી ફરીયાદી પાસેથી રૂ. 5,000ની લાંચ સ્વીકારતા રંગે હાથ પકડાઈ ગયા હતા. અને ત્યારબાદ પોલીસે સરપંચ ચનાભાઈ રામાણીની અટકાયત કરી તેઓ વિરૂધ્ધ રાજકોટ શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ કરનાર અમલદારે આરોપી વિરૂધ્ધ પુરતો પુરાવો જણાય આવતા ચાર્જશીટ રાજકોટની એ.સી.બી. સ્પેશ્યલ કોર્ટમાં રજુ ક2વામાં આવ્યુ હતું. કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે નિમણૂક થનાર સરકારી વકીલ દ્વારા 15 દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યા હતા અને ફરીયાદી, પંચ તેમજ તલાટી, સેકશન ઓફિસર તથા પોલીસ અધીકારીઓ સહિત કુલ-6 સાહેદને તપાસવામાં આવ્યા હતા.
રાજકોટની એ.સી.બી. સ્પેશ્યલ કોર્ટ દ્વારા કુવાડવા ગામના સરપંચ ચનાભાઈ દેવરાજભાઈ રામાણી વિરૂદ્ધના 17 વર્ષ જૂના લાંચ કેસમાં મહત્વનો ચુકાદો આપતા તેમને તમામ આક્ષેપોમાંથી નિર્દોષ ઠરાવ્યા છે. રાવળા હક્કની જમીન રેગ્યુલરાઈઝ કરાવવા ઠરાવ કરવા બદલ રૂ.10,000ની માંગણી અને ત્યારબાદ રૂ.5,000ની લાંચ સ્વીકાર્યાના આક્ષેપો હેઠળ 2007માં સરપંચ રંગેહાથ પકડાયા હતા. પરંતુ કોર્ટએ ફરીયાદ અને સાક્ષીઓને અવિશ્વસનીય માની આખો કેસ નકારી કાઢ્યો છે. ફરીયાદી ધર્મેશ સોલંકી દ્વારા સુરેન્દ્રનગર એ.સી.બી.ને કરાયેલી ફરિયાદ આધારે ટ્રેપ ગોઠવાયો હતો. પરંતુ કોર્ટએ નોંધ્યું કે ફરીયાદી, પંચ અને તપાસ ચલાવનાર તમા એક જ અધિકારીની કામગીરી હેઠળ હોવાથી કાર્યવાહી શંકાસ્પદ બને છે. વધુમાં, લાંચની રકમ જેના બદલામાં માગવામાં આવી તે કામ આક્ષેપીત સરપંચના અધિકારક્ષેત્રમાં જ આવતું ન હતું, તેમજ પ્રાથમિક ‘ડીમાન્ડ’ સિદ્ધ ન થવાથી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ લાગુ જ થતો નથી.
- Advertisement -
કોર્ટએ જણાવ્યું કે માત્ર રકમ મળવી એ પૂરતો પુરાવો નથી, ડીમાન્ડ હોવી અને વિશ્વસનીય સાક્ષીઓ હોવા તે પણ અનિવાર્ય છે. ફરીયાદીનો ગુનાહિત ઈતિહાસ, અરજીની પ્રક્રિયામાં રહેલી ઉણપો અને ગામ પંચાયત સંબંધિત પૂર્વ વિવાદો કેસને વધુ શંકાસ્પદ બનાવતા હતા. ટ્રેપની ગુપ્તતા જળવાઈ ન રહેવા, સ્વતંત્ર સાક્ષીનો પુરાવો રેકોર્ડ ન થવા તથા તપાસમાં રહેલી ખામીઓની કોર્ટે ખાસ નોંધ લીધી. વકીલ અંશ ભારદ્વાજે રજૂ કરેલા દલીલો અને અદાલતોના પૂર્વ ચુકાદાઓને કોર્ટએ માન્ય રાખતાં સ્પષ્ટ કર્યું કે પ્રોસિક્યુશન ત્રણ અગત્યના મુદ્દા ડીમાન્ડ, એક્સેપ્ટન્સ અને રીકવરીમાં પ્રથમ બે મુદ્દા પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યું છે. તેથી કલમ 7 અને 13 હેઠળનો ગુનો સાબિત થતો નથી. અંતે, એ.સી.બી. સ્પેશ્યલ કોર્ટએ ચનાભાઈ રામાણીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો. સરપંચ ચનાભાઈ દેવરાજભાઈ રામાણીની તરફેણમાં અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સની ટીમે કેસ લડ્યો. જેમાં અંશ ભારદ્વાજ, ધી2જ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયસ શુકલ, ચેતન પુરોહીત, અતુલ બોરીચા, દિશા ફળદુ, મિહિર શુક્લ વિગેરેનો સમાવેશ
થાય છે.



