ખાસ-ખબર સંવાદાતા
કોડીનાર અમરેલી વાયા જામવાળા ગીર જંગલમાં થઈને દિવસ દરમિયાન અનેક બસોનું બારેય મહીના સંચાલન થતું હતું. જે જામવાળા આસપાસના ગામો તથા ધારી દલખાણીયા આસપાસના ગામો સામાજિક વ્યવહારોથી જોડાયેલા હોય ખૂબજ ઉપયોગી બસ સેવા હતી. પરંતુ કોડીનાર એસટી સતાવાળાઓ દ્વારા ધીમે ધીમે આ રૂટની તમામ બસ સેવાઓ બંધ કરી દીધી. કાચો રસ્તો હોવા છતાં પણ ચાર એક્સપ્રેસ તથા પાંચ લોકલ બસ સેવાનું બારેય મહીના સંચાલન થતું હતું.
આવક પણ સારી મળતી હતી. ઘણીવાર એસટી મુસાફરી સાથેસાથે સિહ દર્શન પણ થઈ જતું. ચોમાસામાં ચાલુ વરસાદમાં આ બસમાં મુસાફરી કરવાની મજા કંઈક અલગ જ હોય છે. છતાં પણ કોડીનાર ડેપો દ્વારા તમામ બસો બંધ કરી દેવામાં આવી. જે બાબતે રોણાજ કરેડા છાછર ઘાંટવડ જામવાળા ગામના સરપંચ શ્રીઓ તથા જાગૃત નાગરિકો અને કોડીનાર તાલુકાના પત્રકારો દ્વારા ડેપો મેનેજર શ્રી કોડીનાર, વિભાગીય નિયામકશ્રી અમરેલી, કોડીનારના ધારાસભ્ય શ્રી ડો. વાઝા સાહેબને રજૂઆત કરતાં. આ માગણી તદન વ્યાજબી હોય અંગત રસ લઈ. કોડીનારથી સવારે સવા આઠ વાગ્યે અમરેલી જવા માટે બસ સેવા ઉપલબ્ધ કરાવેલ છે.
- Advertisement -
ત્યારે આ બસ સેવાનો વધુમાં વધુ લોકો લાભ લે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત કોડીનાર થી વહેલી સવારની ભાવનગર વાયા જામવાળા તથા બપોરે સાડા બાર વાગ્યાની અમરેલી વાયા જામવાળા બસ સેવા પણ સત્વરે ફરી શરૂ કરવામાં આવે તેવી અપેક્ષા આ વિસ્તારની જનતા રાખી રહી છે.