પતંગ રસીકોએ રૂ.25ની ટિકિટ સાથે એન્ટ્રી મળશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મનપા દ્વારા મકરસંક્રાતિ પર્વની ઉજવણી ઉપરકોટ કિલ્લાને પતંગોત્સવનાં વેન્યૂ તરીકે પસંદ કરેલ છે. સવાણી હેરીટેજ ક્ધઝર્વેશન પ્રા.લી.ના જનરલ મેનેજર રાજેશ તોતલાણી મહાનગરપાલિકાનો આભાર વ્યક્ત કરતાં જણાવે છે કે, અમારા માટે અને ગુજરાત ટુરિઝમ માટે આ હર્ષની વાત છે કે જુનાગઢવાસીઓને ઉપરકોટ કિલ્લામાં પતંગોત્સવ ઉજવવાનો મોકો મળશે. જે પહેલા કદાચ ક્યારેય થયું નથી. સાથે એ ઉલ્લાસ ની વાત છે કે જયારે સમગ્ર ભારતના વ્યક્તિઓ ઉપરકોટમાં ભ્રમણ કરી રહ્યા હશે તે પણ ગુજરાતની આગવી ઓળખ સમા પતંગ મહોત્સવનો લાભ લઇ શકશે.આગળ જણાવતાં તે કહે છે કે આ પર્વ માટેની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. હંમેશાની જેમ આ ઉત્સવમાં પણ લોકોના ઉલ્હાસનું સ્તર વધારવા માટે ખાસ મનોરંજનની વ્યવસ્થા કરવામાં આવશે.
આ મહોત્સવ માટે 1000 સ્પેશિયલ 25 રૂપિયાની એન્ટ્રી ટિકિટ પ્રિન્ટ કરવામાં આવી છે. આ ટિકિટો ઉપરકોટના ટિકિટ બારી ઉપર તા. 11થી મળી રહેશે. આ ટિકિટ લેવાવાળા લોકોને આ દિવસે કિલ્લાની બીજી કોઈ એન્ટ્રી ટિકિટ લાગુ નહિ પડે. વ્યવસ્થાના ભાગરૂપે કોઈ એક વ્યક્તિને વધુમાં વધુ 5 ટિકિટો આપવામાં આવશે અને ટિકિટ લેતી વખતે ગવર્નમેન્ટ આઈડી પ્રૂફની ઝેરોક્ષ ઉપર પોતાનો મોબાઈલ નંબર લખી ટિકિટ બારી ઉપર જમા કરાવવાનું રહેશે.