એ… કાય..પો છે.. એ… લપેટ.. લપેટ.. ઢીલ દે..દે..રે.. દેદે.. ભૈયા..
ખાસ-ખબર સંવાદદાતા
આવતીકાલે મકરસંક્રાંતિ – ઉત્તરાયણનાં તહેવાર નિમિત્તે રાજકોટમાં ઠેરઠેર આનંદ-ઉત્સાહ-ઉમંગનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રવિવારે પતંગોત્સવ હોવાથી રાજકોટની મોટાભાગની બજારો શનિવારે રાતે પણ મોડે સુધી ખુલી રહેશે. ખાસ કરીને રાજકોટનાં સદર બજાર વિસ્તારમાં પતંગ રસિયાઓ ઉમટી પડ્યા છે. એકે 56, સાંકળ-8, ગેંડાછાપ, સુરતી જેવા સારામાં સારા પતંગ-દોર વડે આવતીકાલે પતંગબાજો પેચ લગાવી એકબીજાની પતંગ કાપવા આતુર-અધીરા બન્યા છે. રંગીલા રાજકોટે અગાસી-ધાબા પર ઉત્તરાયણની ઉજવણી કરવાની પ્રારંભિક તૈયારીઓ શરૂ કરી દીધી છે. પતંગના જથ્થા, ફિરકીઓ અને સાઉન્ડ સિસ્ટમ્સ સાથે અબાલ-વૃધ્ધો સૌ કોઈ પતંગોને આકાશી ઉડાન કરાવવા માટે પવનદેવને પધારવા પ્રાર્થના કરી રહ્યાં છે.
- Advertisement -
ઉત્તરાયણ એટલે…
ઉત્તરાયણ એટલે જે દિવસથી સૂર્ય ઉત્તર દિશાની તરફ રાયણ કરે છે. તેથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસથી દિવસ લાંબો થાય છે. ઉત્તરાયણ બાદ દરરોજ દિવસ થોડોક થોડોક લાંબો થાય છે. 14મી જાન્યુઆરી જ એક એવો દિવસ છે જ્યારે ધરતી પર સારા દિવસની શરૂઆત થાય છે. કારણ કે, આ દિવસથી સૂર્ય દક્ષિણના બદલે હવે ઉત્તર દિશામાં ગમન કરવા લાગે છે. જ્યાં સુધી સૂર્ય પૂર્વથી દક્ષિણ તરફ ગમન કરે છે ત્યારે તેનાં કિરણોને ખરાબ માનવામાં આવે છે, પરંતુ જ્યારે તે પૂર્વથી ઉત્તરની તરફ ગમન કરવા લાગે છે ત્યારે તેનાં કિરણો સ્વાસ્થ્ય અને શાંતિ વધારે છે.
આવતીકાલે પતંગબાજોનું પર્વ ઉત્તરાયણ અને સૂર્યદેવની આરાધનાનું પર્વ મકરસંક્રાંતિ ઉજવાશે
જો આવતીકાલે પવન પૂરજોશમાં લહેરાશે તો દિવસભર સંગીતની ધૂન અને પીપૂડીઓના અવાજો સાથે એ કાઇપો છે.. કાઇપો..ના નાદ ગૂંજતા રહેશે. આકાશમાં દિવસે પતંગ યુદ્ધ તો સાંજે આતશબાજીની જમાવટ થશે. ગુજરાત અને એમાં પણ રાજકોટમાં ઉત્તરાયણનાં પર્વ પર લોકો વહેલી સવારે ધાબા પર ચઢી જાય છે અને પંતગ ચગાવે છે. સાથોસાથ શેરડી, બોર, જીંજરા, ચીકી, મમરાનાં લાડું ખાઈ પણ આનંદ માણે છે. મકરસંક્રાંતિનાં દિવસે મોટાભાગનાં ઘરોમાં ઊંધિયું અને ખીચડો રાંધવામાં આવે છે. જલેબી, શીખંડ, પૂરણપોળી અને બાસુંદી જેવી મિષ્ટાનો જમવામાં આવે છે. એકંદરે રાજકોટમાં મકરસંક્રાંતિ ઉત્તરાયણનો તહેવાર બહુ જ ધામધૂમથી ઉજવવામાં આવશે એ નક્કી છે.
- Advertisement -
ભગવાન શ્રી રામે પણ ઉડાડી હતી પતંગ
રામ ઇક દિન ચંગ ઉડાઇ!
ઇન્દ્રલોક મે પહૂંચ ગઈ!!
જાસુ ચંગ અસ સુન્દરતાઈ!
સો પુરુષ જગ મેં અધિકાઈ!!
પૌરાણિક માન્યતા અનુસાર શ્રી રામ ભગવાને પણ પતંગ ઉડાડી હતી. જે અંગે તમિલી રામાયણમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શ્રીરામચરિતમાનસનાં બાલકાંડમાં પણ તુલસીદાસે ઉલ્લેખ કર્યો છે કે, રામ ઇક દિન ચંગ ઉડાઈ, ઇન્દ્રલોક મેં પહૂંચ ગઈ. ત્રેતાયુગમાં એવા ઘણા પ્રસંગ છે જ્યારે ભગવાન શ્રીરામે પોતાના ભાઈઓ અને હનુમાનજી સાથે પતંગ ઉડાવ્યો હતો. એક વાર શ્રીરામનો પતંગ ઇન્દ્રલોકમાં પહોંચી ગયો. જેને જોઈને દેવરાજ ઇન્દ્રની પુત્રવધૂ અને જયંતની પત્નીએ એ પતંગને પકડી લીધો અને વિચારવા લાગી, જાસુ ચંગ અસ સુન્દરતાઈ. સો પુરુષ જગ મેં અધિકાઈ પતંગ ઉડાવનાર અવશ્ર્ય તેને લેવા માટે આવશે. ઘણી રાહ જોવા છતાં પણ પતંગ પાછો ન આવતાં શ્રીરામે હનુમાનજીને પતંગ લેવા માટે મોકલ્યા. જયંતની પત્નીએ પતંગ ઉડાવનારનાં દર્શન કર્યાં પછી જ પતંગ પાછો આપવાનું જણાવ્યું અને શ્રીરામના ચિત્રકૂટમાં દર્શન આપવાના આશ્ર્વાસન પછી જ પતંગ પાછો આપ્યો. આ પ્રસંગથી પતંગ ઉડાવવાની પરંપરા કેટલી પ્રાચીન છે તેનો ખ્યાલ આવે છે.
શું કામ ઉત્તરાયણમાં છે તલ, સ્નાન અને દાનનું મહત્ત્વ
વિષ્ણુ ધર્મસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે પિતૃઓની આત્માની શાંતિ માટે તથા સ્વ સ્વાસ્થ્યવર્ધન તથા સર્વકલ્યાણ માટે તલના છ પ્રયોગ પુણ્યદાયક તથા ફળદાયક હોય છે. તલના તેલથી સ્નાન કરવું, તલનું દાન કરવું, તલમાંથી બનેલું ભોજન, જળમાં તલ અર્પણ, તલની આહુતિ, તલનું ઉબટન કરવું. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવ ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકર રાશિના સ્વામી શનિદેવ છે, જે સૂર્યના પુત્ર હોવા છતાં પણ સૂર્યદેવ સાથે શત્રુભાવ રાખે છે, તેથી શનિદેવના ઘરમાં સૂર્યદેવની ઉપસ્થિતિ દરમિયાન શનિદેવ તેમને કષ્ટ ન આપે તે માટે તલનું દાન અને સેવન મકરસંક્રાંતિના દિવસે ખાસ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે માઘ માસમાં જે વ્યક્તિ રોજ ભગવાન વિષ્ણુનું પૂજન તલથી કરે છે તેનાં સમસ્ત કષ્ટ દૂર થઈ જાય છે. એવું પણ માનવામાં આવે છે કે મકરસંક્રાંતિના દિવસે ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પ્રયાગમાં બધાં જ દેવી-દેવતાઓ પોતાનું સ્વરૂપ બદલીને સ્નાન કરવા માટે આવે છે તેથી આ દિવસે દાન, તપ, જાપ, સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. ઉત્તરાયણનાં દિવસે ગંગાસ્નાન કરવાથી બધાં જ પ્રકારનાં કષ્ટ અને બીમારીઓમાંથી મુક્તિ મળે છે. મકરસંક્રાંતિના દિવસે અનાજ, વસ્ત્ર, ઊનનાં કપડાં, શેરડી, વિવિધ ફળ વગેરેનું દાન કરવાથી શારીરિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે. દીર્ઘાયુ તથા નીરોગી રહેવા માટે રોગીએ આ દિવસે ઔષધી, તેલ અને પૌષ્ટિક આહારનું દાન પણ કરવું જોઈએ.