માંજો પાયેલો કેવો ધારદાર છે? ખેંચ.. ઢીલ.. છ તાર.. નવ તાર.. બાર તાર.. દોરા પાવાના શર
ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તરાયણ – મકરસંક્રાંતિનો તહેવાર દેશભર સહિત ગુજરાતમાં અનેરા આનંદ અને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. પતંગબાજોનાં મનગમતા તહેવાર ઉત્તરાયણ – મકરસંક્રાંતિને હવે એક મહિનાની પણ વાર નથી રહી. મકરસંક્રાતિ પર્વ જેની ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગોત્સવ તરીકે પણ ઉજવણી થાય છે. આ પતંગોત્સવની તૈયારીના ભાગરૂપે રાજકોટમાં વર્ષોથી પેઢી દર પેઢી પતંગો-માંજો બનાવી વેચાણ કરતા કારીગરોએ પતંગો બનાવવાનો અને માંજો ઘસવાનો પ્રારંભ કરી દીધો છે. સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટ શહેરનાં લોકો મકરસંક્રાંતિનો તહેવાર ધામધૂમથી ઉજવે છે. આ તહેવાર ભલે એક દિવસનો હોય પણ તહેવારની પૂર્વે તૈયારીઓ એક મહિના અગાઉ જ શરૂ થઈ જાય છે. રાજકોટીયનોની પતંગ મકરસંક્રાંતિનાં દિવસે હવામાં વધુ સમય ટકી રહે અને અન્ય પતંગનો પેચ જીલી શકે તે હેતુસર અન્ય રાજ્યમાંથી દોરા માંજવા આવતા કારીગરો આવી ચૂક્યા છે. પતંગનો પર્વ નજીક આવતા રાજકોટ શહેરનાં સદર બજાર, રાજકુમાર કોલેજ સામે, લીમડા ચોક પાસે, કેનાલ રોડ પર, ટાગોર રોડ શેરીમાં, રાજશ્રી સિનેમા બાજુમાં, બાલાજી મંદિર સામે ફૂથપાથ પર દોરા માંજતા કારીગરો જોવા મળી રહ્યા છે. આ કારીગરો વર્ષોથી પેઢી દર પેઢી માંજો પાઈ પોતાની આજીવિકા રળી રહ્યા છે.
- Advertisement -
રાજકોટમાં હજુ પણ તૈયાર દોરની ફીરકી ખરીદવા કરતા માંજો તૈયાર કરાવવાની પરંપરા
પતંગ અને પવનનાં આકાશી પર્વને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા ત્યારે રાજકોટના પતંગબાજોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખેંચ.. ઢીલ.. છ તાર.. નવ તાર.. બાર તાર.. દોરા તૈયાર થઈ રહ્યાં છે. પતંગરસીયાઓ દ્વારા એક હજાર, બે હજાર મીટર, પાંચ હજાર, દસ હજાર મીટર સુધીના માંજા ખાસ ઓર્ડર આપી બનાવડાવવામાં આવી રહ્યાં છે. અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં દોરા માંજવા આવતા કારીગરો દિવસ-રાત તનતોડ મહેનત કરે છે ત્યારે દોરા ધારદાર, મજબૂત અને ટકાઉ બને છે. દોરા રંગવાના કામ કરતા-કરતા ક્યારેક તેઓ સૂવાનું-જમવાનું પણ ભૂલી જાય છે. દોરા માંજતા મજૂરોને કાચની ભૂકી સાથે દોરો રંગતા સમયે હાથમાં કાપા પડી ઈજા પહુંચે છે. પણ શું થાય? પાપી પેટ કા સવાલ હૈ..
ગુલાબી રંગનાં પાતળા ખેંચનાં દોરા પતંગબાજોની પહેલી પસંદ
લોકોને સુરત અને બરેલીથી આવતા પતંગ ચગાવવાનાં દોરા – માંજા પ્રમાણમાં મોંઘા પડે છે, વળી કારીગરોએ હાથથી તૈયાર કરેલ પતંગનાં દોરા-માંજા પ્રમાણમાં મજબૂત અને સસ્તા હોય છે. આ દોરામાં જરૂરિયાત મુજબ કાચા-પાક્કા અને કલરના બનાવી શકાય છે. પતંગબાજ પોતાની માંગ મુજબ માંજામાં કેમીકલ, કાચ વગેરેનું મિશ્રણ કરાવે છે. મોટાભાગે દોરા રંગવામાં ગુલાબી કલર વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાઈ છે. આ ઉપરાંત દોરા રંગવામાં કેસરી, લાલ, પીળો, કાળો અને સફેદ રંગ પણ ઉપયોગમાં લેવાઈ છે. પતંગબાજોની પહેલી પસંદ ગુલાબી રંગનાં પાતળા ખેંચનાં દોરા બનાવવાની વધુ હોય છે.
- Advertisement -
રાજકોટની બજારોમાં રંગબેરંગી પતંગ ખરીદવા ધૂમ ઘરાકી નીકળી
હાલમાં વધતી જતી મોંઘવારીનાં કારણે દોરા ઉદ્યોગમાં મંદી હોવા છતાંય રાજકોટની શેરીઓ-ગલીઓમાં પોતાના સ્ટેન્ડ નાખી દોરા માંજતા કારીગરોને આશા છે કે, આ વર્ષે તેઓ પતંગબાજોની જરૂરીયાત અનુસાર રંગબેરંગી કલર, કાચ, કેમિકલનો ઉપયોગ કરી ધારદાર દોરા માંજી આપશે. દોરાની જેમ જ પતંગ બનાવનાર લોકો પણ આશા સેવી રહ્યાં છે આ વર્ષે દોરાની જેમ જ પતંગોનું પણ ધૂમ વેંચાણ થશે. દોરા બજારમાં માંજો સુતનાર કારીગરોને ત્યાં રાતપાળીઓ શરૂ થઈ ગઈ છે. જેમાં વિવિધ બ્રાન્ડની દોરાઓની માંગ થઈ રહી છે. આ દોરાઓમાં 24 કેરેટ સાંકળ, મહાસાંકળ, ચેલેન્જ, અગ્નિ, ગેંડા, ભગવાન, જીગર, યુસુફ, પાન્ડાની ખરીદી દેખાય રહી છે તથા હાલમાં દોરાને માંજો આપવા માટેના ભાવ 500 જીએમના 150 રૂ.થી માંડીને 300 રૂ. સુધી ચાલી રહ્યો છે જ્યારે 150 જીએમના ભાવ 100 રૂ.થી 250 રૂ. સુધી ચાલી રહ્યા છે. આ ભાવ 14 જાન્યુઆરી નજીક આવતા છેલ્લા દિવસોમાં ફેરફાર થવાની શક્યતા છે. જેમ પતંગનો ઉત્સવ નજીક આવશે તેમ માંજો આપનાર કારીગર 24 કલાક કામ કરશે.
મકરસક્રાંતિને હવે એક અઠવાડિયું: પતંગબાજોમાં ઉત્સાહ
રાજકોટની બજારમાં વિવિધ પ્રકારની પતંગો, ફિરકીઓ અને દોરાઓ આવી ગયા છે. આ સમયે પતંગરસિયાઓ પોતાની નજર સામે જ માંજો તૈયાર થાય તેવો આગ્રહ રાખે છે. મકરસક્રાંતિને હવે એક અઠવાડીયું જ બાકી છે ત્યારે ફૂથપાથ પર દોરા તૈયાર કરતા કારીગરોને ખેંચ, ઢીલ, છ તાર, નવ તાર જેવા વિવિધ દોરાનાં હજાર વાર, પાંચ હજાર વાર, દસ હજાર વારની ફીરકીઓ બનાવવાનાં ઓર્ડર મળવા લાગ્યા છે. પતંગબાજો ખાસ કરીને ખેંચનો દોરો બનાવડાવવાનું પસંદ કરી રહ્યાં છે જ્યારે શીખાવ પતંગરસિયાઓ ઢીલનાં દોરાની પસંદગી પતંગ ચગાવવામાં કરતા હોય છે.