બાળસાહિત્યમાં ‘આધુનિક ગિજુભાઇ’ કે ‘ટોપીવાળી મા’ જેવા બિરૂદ મળ્યા
અનોખા અંદાજના કારણે વિદ્યાર્થીઓના વ્હાલસોયા બન્યા કિરીટ ગોસ્વામી
ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરમાં જ, બાળકેળવણી અને બાળસાહિત્યની સેવાઓ બદલ ઉત્કર્ષ કેળવણી મંડળ, સુરત દ્વારા દર વર્ષે અપાતા ‘મનુભાઇ પંચોલી-દર્શક સોક્રેટિસ સન્માન’ માટે કિરીટ ગોસ્વામીની પસંદગી થઇ છે. 27 ફેબ્રુઆરીના રોજ સુરત ખાતે આ એવોર્ડ તેઓને એનાયત કરાશે. કિરીટ ગોસ્વામીએ આધુનિક બાળસાહિત્યમાં સીમાસ્તંભ રૂપ કામ કર્યું છે. બાળસાહિત્ય રચીને ગામેગામ, નિશાળો ખેડી બાળસાહિત્યની જ્યોત સદાય ઝળહળતી રાખવા માટે આ સર્જકે પોતાનું જીવન સમર્પિત કર્યું છે.
જામનગરની મ્યુનિસિપલ હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કિરીટ ગોસ્વામી, ‘ચોક એન્ડ ટોક’ની પારંપરિત શિક્ષણ પદ્ધતિને બદલે બાળકલક્ષી શિક્ષણને વધારે મહત્વ આપે છે. બાળકોને આર્થિક મદદ કરવાથી માંડીને દત્તક લેવા સુધીની સફર આ શિક્ષકે ખેડી છે. પોતાના અનોખા અંદાજમાં બાળગીત ગવડાવીને અને વાર્તાઓના કારણે તેઓને સુપ્રસિદ્ધ વાર્તાકાર રજનીકુમાર પંડયાએ ‘વિદ્યાર્થીઓના વ્હાલસોયા શિક્ષક’ તરીકે ઓળખાવ્યા છે. બાળસાહિત્યમાં તેઓ ‘આધુનિક ગિજુભાઇ’ કે ‘ટોપીવાળી મા’ જેવા બિરૂદ પામ્યા છે.
કિરીટ ગોસ્વામીએ બાળસાહિત્યનાં 30 જેટલાં સત્વશીલ પુસ્તકોનું સર્જન કર્યું છે.’ ‘ફૂલગુલાબી કિસ્સા’ કે ‘વ્હાલનો વર્ગખંડ’ જેવી સત્યકથાઓ બદલ તેમને કમિશનર ઑફ સ્કૂલનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. વિવિધ યુનિવર્સિટીઓમાં તેમનાં બાળસાહિત્ય વિશે ઙવઉના સંશોધન કાર્ય થઈ રહ્યા છે. તેઓને બાળસાહિત્યનો સર્વોચ્ચ કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર, પ્રેમશંકર ભટ્ટ શિશુવિહાર બાળગીત પુરસ્કાર, વગેરે પુરસ્કારથી સન્માનીત થયા છે.