હ્યુમન બોડીનાં તમામ રહસ્યો કોઈ જ ચિકિત્સા પદ્ધતિ પાસે નથી, પરંતુ તેની જાણકારી સૌથી વધુ કોઈની પાસે હોય તો એ એલોપથી છે : અગણિત એવી વ્યાધિઓ છે- જેનો ઈલાજ માત્ર એલોપથી પાસે છે : કેન્સરનાં ત્રીજા કે ચોથા સ્ટેજમાં શું પ્રાણાયામ કારગત નિવડી શકે? બ્રેઈન ટ્યુમર થયું હોય ત્યારે શું અનુલોમ-વિલોમ કે કોઈ આયુર્વેદિક દવા એ મટાડી શકે? જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે કોઈ જ ગુટિકા કે ઘનવટી કામ આવતી નથી, આવી સ્થિતિમાં એલોપથી સિવાય છૂટકો નથી.
॥प्रयोगः शमयेत व्याधिं यो अन्यमन्थमुदीरयेत।
नासौ विशुद्धः शुद्धस्त शमयेत न कोपयेत॥
કિન્નર આચાર્ય
- Advertisement -
ઑસ્ટિન જયલાલને વૈકલ્પિક ચિકિત્સા પ્રત્યે સખત સૂગ છે, એલોપથી સિવાયની તમામ સારવાર પદ્ધતિઓને તેઓ તુચ્છ ગણે છે : આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદ, યુનાની અને હોમિયોપથીને જે થોડુંઘણું પ્રોત્સાહન અપાય છે, તેની સામે પણ જયલાલ વાંધો લઈ ચૂક્યાં છે, રામદેવનું એલોપથી વિરૂદ્ધનું નિવેદન બિલકુલ બેજવાબદાર હતું – પણ, જયલાલનાં નિવેદનો શું સંયમિત હોય છે?
ચરકસંહિતાનાં આ શ્ર્લોકનો ભાવાનુવાદ વાંચવા જેવો છે. વાંચો : ‘જે ચિકિત્સાપ્રયોગ વ્યાધિને તો શમાવી દે, પણ બીજી એક કે અન્ય વ્યાધિ ઉત્પન્ન ન કરે, તેને ‘શુદ્ધ’ ચિકિત્સા ગણવી. શુદ્ધ ચિકિત્સા એ જ છે, જે વ્યાધિનું શમન કરે છે અને બીજા અંગો પર વિપરીત અસર કરીને અન્ય વ્યાધિઓ ઉત્પન્ન નથી કરતી!’
કોરોના સારવાર અંગે એલોપથી ડૉક્ટર્સ દ્વારા અપાતી સારવાર વિશે બાબા રામદેવનાં નિવેદનો પછી દેશભરમાં ચિકિત્સા પદ્ધતિનો મુદ્દો ચર્ચામાં છે. બાબા બટકબોલાં છે, તેમની જબાન વારંવાર લપસી જાય છે. એલોપથી અંગે તેમણે કરેલાં નિવેદનો માત્ર અતિશયોક્તિપૂર્ણ જ નહીં, અપમાનજનક અને બિભત્સ પણ હતાં. એલોપથી એક મહાન વિજ્ઞાન છે. લાંબી પારાયણ માંડ્યા વગર કહેવું હોય તો કહી શકાય કે, દર્દીને યમદૂતનાં પંજામાંથી છોડાવવાની તાકાત માત્ર એલોપથી પાસે છે. બંધ પડી ગયેલા હૃદયને કેટલાંક કિસ્સામાં ફરી ધબકતું કરવાનું સામર્થ્ય પણ એલોપથી પાસે છે.
કોરોના ટ્રીટમેન્ટ બાબતે દરેક ચિકિત્સા પદ્ધતિ ગોટે ચડી છે. એલોપથી તેમાંથી બાકાત નથી. પણ આખી આ ચિકિત્સા પદ્ધતિને ‘સ્ટુપિડ’ કહેવી એ સ્વયં એક પ્રકારની સ્ટુપિડિટી છે. બાબાએ કહ્યું કે, તેઓ તો એક ફોરવર્ડેડ વ્હોટ્સએપ મેસેજ વાંચી રહ્યા હતા! આ પણ એક જાતની સ્ટુપિડ દલીલ છે. વ્હોટ્સએપમાં દરરોજ હજ્જારો મેસેજ આવે છે, નોન-વેજ જોકસ અને ગાળોથી લથપથ સંદેશાઓ આવે છે. શું બધું તમે મંચ પરથી પઠન કરશો? સ્વયંવિવેક જેવી પણ કોઈ ચીજ હોય કે નહીં? એલોપથીનાં માનવજાત પર અગણિત ઉપકાર છે. આપણે વાર્તાઓમાં વાંચીએ છીએ કે, ‘…પછી રાજાને / રાજકુમારીને કોઈ રાજરોગ લાગૂ પડ્યો અને તેનું મૃત્યુ થયું….’ આ રાજરોગ એટલે જેનું નિદાન જ ન થઈ શક્યું હોય તેવો રોગ. આજે હવે એલોપથીની જ પેથોલોજી બ્રાન્ચ માનવશરીરની નાનાંમાં નાની બીમારીના વૈજ્ઞાનિક પુરાવાઓ આવે છે. હ્યુમન બોડીનાં તમામ રહસ્યો કોઈ જ ચિકિત્સા પદ્ધતિ પાસે નથી. પરંતુ તેની જાણકારી સૌથી વધુ કોઈની પાસે હોય તો એ એલોપથી છે. અગણિત એવી વ્યાધિઓ છે- જેનો ઈલાજ માત્ર એલોપથી પાસે છે. કેન્સરનાં ત્રીજા કે ચોથા સ્ટેજમાં શું પ્રાણાયામ કારગત નિવડી શકે? બ્રેઈન ટ્યુમર થયું હોય ત્યારે શું અનુલોમ-વિલોમ કે કોઈ આયુર્વેદિક દવા એ મટાડી શકે? જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે કોઈ જ ગુટિકા કે ઘનવટી કામ આવતી નથી, આવી સ્થિતિમાં એલોપથી સિવાય છૂટકો નથી. માણસને યમરાજે ઓલમોસ્ટ પાડા પર બેસાડી દીધો હોય ત્યારે પણ અનેક કિસ્સામાં એલોપથી ડૉક્ટર્સ તેને પાડા પરથી ઉતારીને સાજો-નરવો કરીને ઘેર મોકલે છે.
- Advertisement -
એલોપથી એક સંશોધન અને પુરાવા આધારીત ચિકિત્સા પદ્ધતિ છે. આ આખી પ્રણાલી સામે આંગળી ચિંધવી એટલે ખરા બપોરે ધગતાં સુરજ સામે મોબાઈલની ફ્લેશ લાઈટ ફેંકવા જેવું છે. હા! બાબાએ એલોપથીની કોઈ સ્પેસિફિક દવાઓ અને અધકચરું જ્ઞાન ધરાવતાં કેટલાંક ડૉક્ટર્સ સામે અવાજ ઉઠાવ્યો હોય તો એમાં કોઈને વાંધો ન હોય. કોરોના ટ્રીટમેન્ટ અંગે તેમણે કરેલી ઘણી વાતોમાં વજુદ છે. સમયને સ્હેજ રિવાઈન્ડ કરો: પ્રથમ લહેરમાં જે દવાઓનું મહિમામંડન થયું હતું એમાંની પેરાસિટામોલ અને વિટામીન-સી સિવાયની બાકીની લગભગ તમામ દવાઓની લાઈન ઑફ ટ્રીટમેન્ટમાંથી બાદબાકી થઈ ચૂકી છે.
શરૂઆતમાં કોરોના સારવાર માટે હાઈડ્રોકસીક્લોરોક્વિનનાં ગૂણગાન ગવાયા. તત્કાલિન અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તો ભારતને ધમકી આપીને એ દવાનો જથ્થો મંગાવ્યો હતો. એ પછી મોંઘુદાટ ઇન્જેકશન ટોસિલિઝુમેબ આવ્યું, રેમડેસિવિર અને આઈવરમેક્ટિન અને પ્લાઝમા થેરપી આવ્યા. આજે આ બધું ગાયબ છે. આમાંથી મોટાભાગની દવાઓ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને કોરોનાની લાઈન ઑફ ટ્રીટમેન્ટમાંથી કાઢી નાંખી છે. હવે ફેવિપિરાવિન (ફેબી ફ્લુ) પર તલવાર લટકી રહી છે. અત્યારે માત્ર બ્લડ થિનર અને સ્ટિરોઈડ્સ પર આખો ખેલ ચાલે છે. અને આ ખેલ પણ ઓછો જોખમી નથી.
સમજુ અને હોંશિયાર ડૉક્ટર્સએ તો સ્ટિરોઈડ્સનો વિવેકપૂર્ણ ઉપયોગ કર્યો છે. પરંતુ અનેક ડૉક્ટર્સ એવા છે- જેણે સ્ટિરોઈડ્સનો બેફામ ઉપયોગ કરી ને દાટ વાળ્યો છે. મિથાઈલ પ્રેડનિસોલોન નામનું સ્ટિરોઈડ સામાન્ય કિસ્સામાં 40 એમ.જી.થી શરૂ કરવાનું હોય, પરિણામ ન મળે તો ડોઝ ક્રમશ: વધારતા જવું પડે. અહીં તો કેટલાંક ડૉક્ટર્સએ સીધું જ 500 મિલિગ્રામનું ઈન્જેકશન ઠોક્યું હોવાનાં કિસ્સા બન્યાં છે. આ વિકૃત ઓવરડોઝને કારણે આજે હવે બ્લેક ફંગસ અથવા તો મ્યુકરમાઈકોસિસની બીમારી આવી છે. અને મ્યુકરમાં જે દવાઓનો ઉપયોગ થાય છે, તેને કારણે આવનારા મહિનાઓમાં કિડની ડેમેજનાં કેસ ફાટી નીકળવાનાં છે.
કોરોના એક નવી બીમારી છે. કોઈપણ સારવાર પદ્ધતિના ચિકિત્સકો તેમાં ગોટે ચડે એ સ્વાભાવિક છે. વળી કોરોના એક અટપટી- અત્યંત કોમ્પ્લિકેટેડ વ્યાધિ છે. તેનાં ઘણાં ભેદ હજુ ઉકેલાવાનાં બાકી છે. માનવજાત પર આ એક મોટી ઘાત છે. સદ્નસીબે એલોપથીએ તેની અર્ધોક ડઝન જેટલી વેંક્સિન શોધી છે. આ સિદ્ધિ નાની નથી. બેશક, તેની અસરકારકતા શતપ્રતિશત નથી, પરંતુ એ મોટાભાગનાં લોકોમાં અઢળક એન્ટીબોડી પેદા કરે છે અને માનવ જિંદગીઓ બચાવે છે. આ સિવાય પણ છેલ્લાં દોઢેક વર્ષનાં કપરાં કોરોનાકાળમાં એલોપથી ડોક્ટરોએ અને પેરા મેડિકલ સ્ટાફે જે પ્રતિબદ્ધતાથી સારવાર કરી છે, પોતાનાં જીવની ફિકર છોડી ને સુશ્રુષા કરી છે, તે ઘટના અપૂર્વ છે. તેનું ઋણ ચૂકવી શકવા માનવજાત સમર્થ નથી. અને વેક્સિન પણ એક મહાન ઉપકાર છે. વેક્સિન સામે બાબાએ તાકેલાં નિશાનને લીધે ખુદ તેમની જ ઓછી થઈ છે.
એલોપથી વિરૂદ્ધ આયુર્વેદની આ ડીબેટમાં માત્ર રામદેવ જ વિવેક ચૂક્યાં હોય તેવું નથી. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનાં પ્રમુખ જયલાલ પણ બેફામ બોલ્યાં છે અને પોતાની જાતે જ ઉઘાડાં થયા છે. આ ડો. જયલાલનાં નામથી ભરમાઈ જશો નહીં. તેઓ ખ્રિસ્તી છે, તેમનું આખું નામ જયલાલ ઑસ્ટિન છે અને તેઓ માર્ચ-2021માં એવું કહી ચૂક્યા છે કે, ‘ભારતમાં જીસસ ક્રાઈસ્ટને લીધે જ કોરોના ઓસર્યો છે!’ બીજી વેવ જીસસે જ મોકલી છે કે કેમ, એ અંગે તેમણે હજુ કોઈ ફોડ પાડ્યો નથી. ઑસ્ટિન જયલાલ એક કટ્ટર ખ્રિસ્તી છે. મેડિકલ પ્રોફેશનનો ધર્માંતરણ માટે ઉપયોગ કરવાની વાતો પણ તેઓ જાહેર મંચ પરથી અને તેમનાં ઈન્ટરવ્યૂમાં કહી ચૂક્યા છે. ‘બાબા રામદેવ પર રાજદ્રોહનો ગુનો દાખલ કરો…. તેમને જેલમાં બંધ કરી દો….’ જેવી માંગણીઓ તેઓ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનાં પ્રમુખ તરીકે નહીં પણ એક રેડિકલ ક્રિશ્ર્ચન તરીકે કરી રહ્યાં હોય, તેવી છાપ ઉપસ્યા વગર રહેતી નથી. ઑસ્ટિન જયલાલને વૈકલ્પિક ચિકિત્સા પ્રત્યે સખત સૂગ છે. એલોપથી સિવાયની તમામ સારવાર પદ્ધતિઓને તેઓ તુચ્છ ગણે છે. આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદ, યુનાની અને હોમિયોપથીને જે થોડુંઘણું પ્રોત્સાહન અપાય છે, તેની સામે પણ જયલાલ વાંધો લઈ ચૂક્યાં છે. રામદેવનું એલોપથી વિરૂદ્ધનું નિવેદન બિલકુલ બેજવાબદાર હતું. પણ, જયલાલનાં નિવેદનો શું સંયમિત હોય છે? જો એક નિવેદન બદલ રામદેવને જેલમાં પુરવાનું થતું હોય તો જયલાલને તેમનાં કોમવાદી નિવેદનો માટે અને પદનાં દુરુપયોગ માટે ઊંધા લટકાવી ને નીચે તાપણું કેમ ન કરવું? સ્ટીરોઈડ્સનાં પાંચ-પાંચ ગણા ઓવરડોઝ આપનાર અને દોઢ વર્ષ સુધી બિનજરૂરી રેમડેસિવિર ખોસનાર એલોપથી પ્રેક્ટિશનરને શી સજા થવી જોઈએ?
એલોપથી વિરૂદ્ધ આયુર્વેદ વગેરેનો આ વિવાદ નવો નથી. પરંતુ તકલીફ એ છે કે, બેઉ તરફનાં કેટલાંક જડ લોકો પોતાને સર્વશક્તિમાન અને સામેનાંને તુચ્છ માને છે. વાસ્તવિકતા એ છે કે, બેઉની પોતાની આગવી ખાસીયતો અને જમા-ઉધાર પાસાં છે. એલોપથી પાસે લાઈફ સેવિંગ મેડિસિન્સ અને સર્જરી તથા વૈજ્ઞાનિક દૃષ્ટિએ પુરવાર થયેલી સારવાર છે. તો આયુર્વેદ પાસે જૂનાં-હઠિલાં રોગો મટાડવાની ક્ષમતા છે. વાયુ પ્રકોપ કે એસિડિટી હોય તો રોજ ઓમેપ્રાઝોલ કે પેન્ટોપ્રાઝોલ ન લેવાય, આયુર્વેદ પાસે જ તેનો જવાબ છે. સોરાયસિસ કાબૂમાં રાખવા એલોપથી પાસે કશું જ નથી, દોઢેક લાખનું એક ઈન્જેકશન આવે છે- જેની અસર દોઢ-બે મહિના રહે છે. અસર ઓસરે એટલે ફરી હતા એવા ને એવા. કમળાની સારવાર માટે એલોપથીનાં ડૉક્ટર્સ પણ આયુર્વેદિક દવા સજેસ્ટ કરે છે. અને આયુર્વેદ પાસે, માત્ર આયુર્વેદ પાસે કેટલાંક એવાં ઔષધ છે- જે વાત, પિત અને કફ એમ ત્રિદોષનું શમન કરે છે. શરીરમાં જો આ ત્રણેયનું સંતૂલન હોય તો નવ્વાણું ટકા બીમારીઓ દૂર રહે છે.
આયુર્વેદ પાસે મૂલ્યવાન અને અમૂલ્ય કહી શકાય તેવાં ઔષધો છે. પરંતુ અનેક કારણોસર તેમાં આર એન્ડ ડી (રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ) બહુ ઓછું થયું છે. બાબા રામદેવ અત્યારે એ જ કરી રહ્યાં છે. જેમ કોવિડ ટ્રીટમેન્ટમાં લાગેલા શ્રેણીબદ્ધ લચ્છાને કારણે આખી એલોપથી નિરર્થક બની જતી નથી તેમ એલોપથી પરનાં બાલીશ નિવેદનનાં કારણે આખા રામદેવ નક્કામા સાબિત થતાં નથી. જે રીતે જગજીતસિંહે ગઝલને લોકભોગ્ય બનાવી, સંજય ભણસાલીએ કળાત્મકતા સાથે પણ લોકોને ગમે તેવી ફિલ્મો બનાવી- તેવી જ રીતે રામદેવએ યોગનાં-પ્રાણાયમનાં પ્રાથમિક સ્ટેજને લોકભોગ્ય બનાવ્યું. વડીલો કહી કહીને ઊંધા થઈ ગયા કે, ‘રોજ લીમડાની ગળોનું સેવન કરો!’ આપણે ન માન્યા. રામદેવએ સમજાવ્યું કે ગળો અથવા ગિલોય કેટલી ઉપકારક છે. બાબાને વેપારી કહીને ઉતારી પાડવાનું સાવ સહેલું છે. એટલું જ આસાન- જેટલું ડૉક્ટર્સને લૂંટારુ કહેવા. બેઉ નિવેદનમાં ભરપૂર અતિશયોક્તિ છે. પતંજલિની અનેક પ્રોડકટ આલાતરીન છે, પ્રથમ દરજ્જાની છે. મલ્ટીનેશનલ કંપનીની પ્રોડકટને ટક્કર આપે, પછાડી શકે, તેવી પ્રોડક્ટસ તેઓ વાજબી દામમાં આપે છે. અને પતંજલિના પ્રોફિટનો બહુ મોટો હિસ્સો આયુર્વેદિક દવાનાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ ખર્ચ થાય છે.
આ વિવાદ પર ફુલસ્ટોપ લાગે તે ઈચ્છનીય છે. મિશનરી પ્રત્યે સોફ્ટ કોર્નર ધરાવતા જયલાલનાં ખભે બંદૂક રાખીને રામદેવ તરફ નિશાન તાકવા અનેક ડાબેરીઓ અને કહેવાતાં બૌદ્ધિકો થનગની રહ્યાં છે. એમની સૂગ ભગવા તરફ છે. નરેન્દ્ર મોદી તરફ સોફ્ટ કોર્નર ધરાવતાં ભગવાધારી તરફ છે. રાજસ્થાન સરકારે પતંજલિ પર લીધેલાં પગલાં એ વાતનો પુરાવો છે કે, બાબાનું ઢીમ ઢાળી દેવા મોદી વિરોધીઓ અને હિન્દુત્વથી ચીડ ધરાવતા લોકો સદા તત્પર છે. આયુર્વેદ અને એલોપથીની ડીબેટ હવે ધર્માંતરણ, ભગવાકરણ, ખ્રિસ્તીકરણ, ડાબેરીકરણ, સેક્યુલરો, બૌદ્ધિકો અને બીજા અનેક મુદ્દા તરફ ડાયવર્ટ થઈ ગઈ છે. મૂળ વાત તો વિસરાઈ જ ગઈ છે: દરેક સારવાર પદ્ધતિની આગવી વિશિષ્ટતાઓ અને આગવી ખામીઓ હોય છે. વિશિષ્ટતાઓ વધારતા રહીએ અને ખામીઓ દૂર કરતાં જઈએ તો તેનો લાભ છેવટે તો માનવીને જ મળવાનો છે. હા! લેખની શરૂઆતમાં ટાંકેલા શ્ર્લોકને ધ્યાનમાં રાખી, તેનું પાલન કરીને જે કંઈ આવિષ્કારો થાય તે આવકાર્ય જ છે.