કોરોનાને બ્રેક મારવા રાજ્ય સરકારે ‘અંદરખાને’ મોટો નિર્ણય કરી જ લીધો
નોરતાંના 5 દિવસ અગાઉ જ થશે ધડાકાભેર જાહેરાત
રાજ્ય સરકારે સત્તાવાર રીતે નવરાત્રી આયોજનની મંજૂરી વિષે માગનુ નામ મારી પડ્યું નથી પરંતુ ખાસ-ખબર આપકો રખ્ખે આગે! નહીં થાય ગરબા કે નહીં થાય ગરબી!! કલ્પનાતિત એવી આ વરવી વાસ્તવિકતાનો અણસાર તો ગયા અંકમાં (જુઓ આ સાથેની તેની ઝલક) અમો આપી જ ગયા હતા. આ વખતે સ્થિતિ વધુ સ્પષ્ટ કરીએ છીએ કે રાજ્ય સરકાર મેગા (મોટા)આયોજનો તો દૂર,શેરી ગલ્લી-સોસાયટીઓમાં થતી નાની ગરબીઓ પણ મંજૂરી આપવાનું જોખમ લેવાના મૂડમાં નથી. નવરાત્રી સંદર્ભે સરકાર લેવલે થયેલી ચર્ચાનું કેન્દ્ર કોરોનાની ગાઇડલાઇનનું જ રહ્યું હતું જેમાં નાના બાળકો અને વૃદ્ધોને સંક્રમણનો વધુ ભય હોવાનું જણાવાયું છે. આ સંજોગોમાં નાની ગરબીઓ મંજૂરી કઈ રીતે આપી શકાય? નાની ગરબીઓમાં તો શેરી, ગલ્લી, મહોલ્લા કે સોસાયટી ઓની નાની-નાની બાળાઓ જ મુખ્યત્વે રાસે રમતી હોય છે અને તેનું ધ્યાન રાખવા માતાઓ, બહેનો પ્રેક્ષકોની જેમ ગરબી મંડપની ફરતે બેઠા હોય છે. આ સંજોગોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ સંભવ નથી.રાજ્ય સરકારને દહેશત છે કે ન કરે નારાયણ ને કોઈ નાની બાળાને કોરોના લાગુ પડે તો ? ઉહાપોહ એવો થાય કે સરકાર માટે જવાબ દેવા અઘરા થઈ પડે.
સ્વાભાવિક એવી આ સ્થિતિને ખાળવા રાજ્ય સરકાર આ વર્ષે નવરાત્રીમાં રાસ-ગરબાના નાના-મોટા કોઈ આયોજનોને મંજૂરી આપવાનું જોખમ લેવાના મૂડમાં નથી.આ અંગે ની સત્તાવાર જાહેરાત નવરાત્રીના પાંચેક દિવસ આગાઉ કરવામાં આવશે તેવી માહિતી પણ પ્રાપ્ત થઇ છે. સરવાળે એટલું નક્કી કે ઇતિહાસમાં સૌપ્રથમવાર ગરબા-ગરબી વગરની નવરાત્રી ઉજવવા માનસિક રીતે તૈયાર રહો તેવી ખાસ-ખબર છે!
