નિરંજન શાહનું ક્રિકેટમાં વિશેષ યોગદાન: જય શાહ, ક્રિકેટરોનું સન્માન કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા નિર્મિત આંતરરાષ્ટ્રીય સ્તરના રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમનું સંસ્થાના માનદ મંત્રી તરીકે વર્ષો સુધી અવિરત સેવા પ્રદાન કરનાર નિરંજન શાહનું નામ આપવામાં આવ્યું છે. જેનો વિધિવત નામકરણ સમારોહ જય શાહની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. વર્ષ 2013માં રાજકોટમાં ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ ગઇકાલે બુધવારે સાંજે ખંઢેરી ખાતે નિરંજન શાહ સ્ટેડિયમ નામકરણના ભવ્ય સમારોહ વખતે સૌરાષ્ટ્ર રણજી ટીમ, વિજય હઝારે અને અંડર 23 ટીમને સન્માનિત કરાયા હતા. એક જ વર્ષમાં આ તમામ ટીમ ચેમ્પિયન બની હતી.
- Advertisement -

આ ઉપરાંત 100 ટેસ્ટ રમનાર રાજકોટનું ગૌરવ ચેતેશ્વર પૂજારા, ઇન્ડિયન ટીમનો શ્રેષ્ઠ ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા, બે સિરીઝ માટે ટીમ ઈંડિયાના હેડ કોચ રહી ચુકેલ અને હાલ ઈંડિયા એ ના હેડ કોચ સિતાંશુ કોટક અને હાલમાં આઇસીસી મેચ રેફરી તરીકે નિયુક્તિ પામેલા પ્રકાશ ભટ્ટનું વિશેષ સન્માન કરાયું હતું. હાલમાં દેશની અંદર કુલ 27 ક્રિકેટ સ્ટેડિયમ કાર્યરત છે. જેમાં એક રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમનો પણ સમાવેશ થાય છે. જો કે, આ સ્ટેડિયમ હવે નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમના નામથી ઓળખાશે. કારણ કે, જય શાહની હાજરીમાં આ સ્ટેડિયમનું નામકરણ કરી નિરંજન શાહ નામ આપી દેવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, દેશના 27 સ્ટેડિયમના નામોમાં મોટા ભાગે સ્ટેડિયમના નામ એસોસિએશન તેમજ રાજકારણીના નામે બનાવવામાં આવે છે, અથવા તો BCCIના પ્રમુખ રહી ચુક્યા હોય તેમના નામે બનાવવામાં આવ્યા છે.

- Advertisement -
રાજકોટનું આ સ્ટેડિયમ જેમના નામે બનાવવામાં આવ્યું તે નિરંજન શાહ નથી કોઈ રાજકારણી, કે નથી તેઓએ BCCIના પ્રમુખ તરીકે ફરજ બજાવી. તેઓ માત્ર BCCIના વેસ્ટ ઝોનના પ્રમુખ પણ રહી સુક્યા છે અને ચાર વાર BCCIમાં સેક્રેટરી બન્યા હતાં. ગુજરાતીમાં સ્પીચ આપીને સ્ટેડિયમના નામકરણ પાછળની સફર વર્ણવતા જય શાહે જણાવ્યું હતું કે, નિરંજન શાહે ક્રિકેટમાં આપેલું યોગદાન વિશેષ છે. ગુજરાતના 3 એસોસિએશન છે, આમ છતાં આજે બેસ્ટ ઓલરાઉન્ડર તરીકે રવિન્દ્ર જાડેજા, 100 ટેસ્ટ રમનાર ચેતેશ્વર પૂજારા અને જયદેવ ઉનડકટ જેવા ફાસ્ટ બોલર નિરંજનભાઈની ઓળખથી જ મળ્યા છે. સૌરાષ્ટ્રની રણજી ટીમ બે વાર ચેમ્પિયન બની છે, 3 વાર રનર્સ અપ બની છે અને વિજય હઝારેમાં પણ ચેમ્પિયન બની છે.



