ગ્રાહકને થયો કડવો અનુભવ, આખા પરિવારની દિવાળી બગાડી!
બે મહિના અગાઉ ગ્રાહકે બૂકિંગ કરાવ્યું હતું, પેમેન્ટ પણ એડવાન્સમાં આપી દીધું હતું!
- Advertisement -
ટૂર કેન્સલ કર્યા બાદ સંચાલકો લાજવા ને બદલે ગાજ્યા, ગ્રાહક સાથે ઉદ્ધત વર્તન કરી રઝળતાં મૂક્યા
ખાસ-ખબર સંવાદદાતા
દિવાળી વેકેશનમાં દેશ-વિદેશના સ્થળોએ ફરવા જવા માટે રાજકોટિયનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સળંગ રજાઓનો લાભ લઈ ફરવા જવા માગતા શહેરીજનોના આ ઉત્સાહનો ગેરલાભ કેટલીક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીઓ ઉઠાવી રહી છે અને મુસાફરો સાથે જેમ ફાવે તેમ મનમાની કરી રહી છે. આવો જ એક કિસ્સો રાજકોટની જાણીતી કેસવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને તેમાં પેજેક બુક કરાવનાર કેટલાક વ્યક્તિઓનો પ્રકાશમાં આવ્યો છે.
ટૂરની તારીખના બે દિવસ અગાઉ કેસવીના સંચાલકોએ ટૂર કેન્સલ કરી: કહ્યું કે, સંખ્યા પૂરતી થતી નથી એટલે ટૂર કેન્સલ કરીએ છીએ!
- Advertisement -
અમારી મોટાભાગની ટૂર કેન્સલ થાય છે : તેજપાલ તોમરનો ઉડાઉ જવાબ
કેસવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક તેજપાલ તોમર પાસે લોનાવાલા, ખંડાલા, મહાબળેશ્ર્વરનું પેકેજ બે મહિના અગાઉ બુક કરનારા વ્યક્તિને જ્યારે ટૂર ઉપડવાના 2 દિવસ અગાઉ ટૂર કેન્સલ થયાની જાણ કરવામાં આવી ત્યારે પેકેજ બુક કરનાર વ્યક્તિએ આ અંગેના કારણ જણાવવા કહ્યું હતું. કેસવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક તેજપાલ તોમરે લોનાવાલા, ખંડાલા, મહાબળેશ્ર્વરનું પેકેજ કેન્સલ થવા પાછળ પૂરતા મુસાફરો ન થયા હોવાનું જણાવી અમારી મોટાભાગની ટૂર કેન્સલ થાય છે એવો ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો. કેસવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના આ વર્તન કારણે પેકેજ બુક કરાવનાર વ્યક્તિ દિવાળીના તહેવાર ટાણે રઝળી પડી હતી અને તેમના ફરવા જવાના બધા જ સપનાં ચકનાચૂર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે ‘ખાસ-ખબર’ દ્વારા કેસવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક તેજપાલ તોમરનો સંપર્ક કરવાની કોશિષ કરવામાં આવી હતી પરંતુ તેમનો મોબાઈલ ફોન ‘નો-રિપ્લાય’ થયો હતો.
બનાવની વિગત અનુસાર શહેરના 150 ફૂટ રીંગરોડ પર મવડી ચોકડી પાસે આવેલા કેસવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં દિવાળી ટૂર-પેકેજ બુકીંગનો કડવો અનુભવ ઘણા લોકોને થઈ રહ્યો છે. રાજકોટમાં એજ્યુકેશન લાઈન સાથે સંકળાયેલી એક પ્રતિષ્ઠિત વ્યક્તિએ ‘ખાસ-ખબર’ને જણાવ્યું હતું કે, તેઓએ તા. 19 સપ્ટેમ્બરના રોજ કેસવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં લોનાવાલા, ખંડાલા, મહાબળેશ્ર્વરનું પેકેજ બૂક કરાવ્યું હતું. આ સાથે જ તેમણે 5 હજાર રૂપિયા ડિપોઝીટની રકમ આપી હતી. ત્યારબાદ તા. 1 નવેમ્બરના રોજ પેકેજની બાકી રહેતી 51 હજાર રૂપિયાથી વધુની રકમ પણ ચૂકવી આપી હતી. તેમના બધા જ પ્લાન અને શેડ્યુલ નક્કી થઈ ગયા હતા પરંતુ અચાનક જ ગઈકાલે તા. 8 નવેમ્બરના રોજ કેસવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક તેજપાલ તોમરે ફોન કરી પેસેન્જર ન થયા હોવાથી ટૂર કેન્સલ થઈ હોવાનું અને પેકેજની રકમ પરત લઈ જવાનું જણાવ્યું હતું. કેસવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા લોનાવાલા, ખંડાલા, મહાબળેશ્ર્વરની ટૂર ઉપડવાના 1 દિવસ અગાઉ કેન્સલ કરી દેવામાં આવતા પેકેજ બૂક કરાવનાર લોકોની જાણે દિવાળી બગડી અને રજાઓ નકામી થઈ ગઈ હતી. બધા જ પ્લાન વેરવિખેર થઈ ગયા હતા. કારણ કે, હવે છેલ્લી ઘડીએ બધા જ ફરવાના સ્થળો, હોટેલથી લઈ વાહનો બુક થઈ ચૂક્યા છે. આ સમયે ક્યાં જવું અને કોને કહેવું? આટલું જ નહીં ટૂર કેન્સલ કરવા ઉપરાંત કેસવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક તેજપાલ તોમર દ્વારા પેકેજ બુક કરાવનાર વ્યક્તિઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરાવવામાં આવ્યું હતું. આમ કેસવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં પેકેજ બુક કરાવનાર અને કરાવવા ઈચ્છતા લોકો માટે એક આંખ ઉઘડનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
જો ટૂર્સ-ટ્રાવેલ્સ કંપની પેકેજ કેન્સલ કરે તો પૈસા પરત કરી દે અને જો કોઈ વ્યક્તિ પેકેજ કેન્સલ કરાવે તો પૈસા કાપી લે!
ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની દ્વારા પેકેજ બુક કરવા સંદર્ભે બેવડા માપદંડ જોવા મળી રહ્યા છે. જો કોઈ કારણોસર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની પેકેજ કેન્સલ કરે તો પેકેજ બુક કરાવનારને પૈસા પરત કરી દે અને જો કોઈ વ્યક્તિ અંગત કારણસર પેકેજ કેન્સલ કરાવે તો તેના પૈસા કાપી લેવામાં આવે છે. કેસવી ટૂર્સ ટ્રાવેલ્સ કંપની દ્વારા પણ લોનાવાલા, ખંડાલા, મહાબળેશ્ર્વરનું પેકેજ બે મહિના અગાઉ બુક કરનારા વ્યક્તિને ટૂર ઉપડવાના 2 દિવસ અગાઉ ટૂર કેન્સલ થયાની જાણ કરવામાં આવી પેકેજની પૂરી રકમ પરત લઈ જવા જણાવવામાં આવ્યું હતું. અલબત્ત જ્યારે તે વ્યક્તિ કેસવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ પર પહોંચી ત્યારે તેમને ત્યાં ઘણા એવા લોકો જોવા મળ્યા હતા જે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની બેવડા માપદંડનો શિકાર બન્યા છે.