અરવિંદભાઇ ખાણધરને સર્ટીફિકેટ, ટ્રોફી અને મેડલથી સન્માનિત કરાયા
ખાસ-ખબર સંવાદદાતા
દેવભૂમિ દ્વારકાના કેનેડીના ચિત્રકાર અરવિંદભાઇ ખાણધરે લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. તેઓને દ્વારકા શારદા પિઠાધીશ્ર્વર જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજના હસ્તે લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ (1250 હિન્દુ ગોડ પેઇન્ટીંગ ઓફ ઇન્ડિયન કલ્ચર)નું સર્ટીફિકેટ, ટ્રોફી અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતીય સંસ્કૃતિના ચિત્રો સાથે લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવતા અરવિંદભાઇ ખાણધરે રાજીપો અનુભવતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ પરીવાર-મિત્રો તરફથી શુભેચ્છાઓ પાઠવાઇ રહી છે.
આ અગાઉ તેમના કામ-કલાની ગુજરાત સરકાર દ્વારા દિપોત્સવી અંકમાં બે વખત નોંધ લેવામાં આવી હતી. તેમજ ગુજરાત ઇન્ફોર્મેશન વેબસાઇટમાં સંગ્રહ તસ્વીરો પ્રકાશિત થઇ ચૂકી છે. તેમજ રવિન્દ્રનાથ ટાગોર એવોર્ડથી પણ તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિવાય તેઓને ઘણા એવોર્ડ મળી ચૂક્યા છે અને ઘણા બધા અંકોમાં તેમની ચિત્રકારીને સ્થાન મળ્યું છે. તેમની ઉમદા ચિત્રકારીની અનેકો વખત નોંધ લેવામાં આવી છે.