ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
હાલમાં અમેરિકાએ ઈલિગલ ઈમિગ્રન્ટોને, જેમાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે, એમને સ્વદેશમાં મોકલવાનું શરૂ કર્યું છે. અમેરિકાના ઈમિગ્રેશનના કાયદા વિશે જે જાણકારી આપવામાં આવે છે એ જાણકારી હવે પછી પાછી ચાલુ કરવામાં આવશે
- Advertisement -
અમેરિકાના 47મા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડન્ટ પદ ધારણ કરતાં પહેલાં જ એમના ઈમિગ્રન્ટો તેમ જ ઈલ્લિગલ ઈમિગ્રન્ટો પ્રત્યેના વિચારો જાહેર કરીને અમેરિકામાં રહેતા ઈમિગ્રન્ટો, જેમાં ઈલ્લિગલ ઈમિગ્રન્ટોનો પણ સમાવેશ થાય છે, એમનામાં તેમ જ અમેરિકામાં કાયમ રહેવાનો ઈરાદો ધરાવતા, ‘અમેરિકન સ્વપ્નાં’ સેવતા ભારત તેમ જ અન્ય દેશોના વતનીઓમાં ગભરાટ ફેલાવી દીધો હતો. એ ગભરાટ ટ્રમ્પે જેવું પ્રેસિડન્ટ પદ ધારણ કર્યું કે તુરંત જ ‘બાન બર્થ સિટિઝનશિપ’ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડી લાગુ કર્યો અને ત્યાર બાદ ઈમિગ્રેશનને લગતા કાયદાઓ કડક કર્યા, છેલ્લે છેલ્લે તો ઈલ્લિગલ ઈમિગ્રન્ટોમાંના ઘણાને એમના દેશમાં મોકલી આપ્યા. ડોનાલ્ડ ટ્રમ્પના આવા પગલાઓને કારણે જેઓ ખરેખર અમેરિકામાં ફક્ત ફરવા માટે જ જવા ઈચ્છે છે, જેઓ અમેરિકામાં ફક્ત બિઝનેસના કાર્ય માટે જ પ્રવેશવા ઈચ્છે છે એમના મનમાં મૂંઝવણ શરૂ થઈ છે. શું ટ્રમ્પના એડ્મિનિસ્ટ્રેશનના સમયગાળામાં એમને બી-1/બી-2 વિઝા આપવામાં આવશે? જો એમના બી-1/બી-2 વિઝાની અરજી નકારવામાં આવે તો એની અવળી અસર તેઓ અન્ય દેશના વિઝાની માગણી કરે એની ઉપર થશે? આવા આવા વિચારો એમને સતાવવા લાગ્યા છે. અમેરિકાના 47મા પ્રેસિડન્ટના ઈમિગ્રન્ટો પ્રત્યે ગમે તેવા વિચારો હોય, એમણે ભલે ઈમિગ્રેશનના કાયદાઓ વધુ કડક બનાવ્યા હોય, ઈલ્લિગલ ઈમિગ્રન્ટોને પકડી પકડીને એમના દેશમાં પાછા મોકલી આપતા હોય, પણ જો તમે ખરેખર અમેરિકામાં બિઝનેસના કાર્ય માટે જ જવા ઈચ્છતા હોવ યા ફરવા માટે પ્રવેશવા ચાહતા હોવ અને એ માટે જરૂરી એવા પૈસાની તમારી પાસે વ્યવસ્થા હોય, સ્વદેશમાં તમારા કૌટુંબિક અને નાણાંકીય સંબંધો ખૂબ જ ગાઢ હોય, તમારા માટે કોઈએ ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કર્યું ન હોય, તમે કેનેડાના પીઆર મેળવવાની અરજી કરી ન હોય, પહેલાં અમેરિકા ગયા હોવ ત્યારે ત્યાં જે કારણસર ગયા હોવ એ જ કારણને લગતાં કાર્યો કર્યાં હોય અને જેટલો સમય ત્યાં રહેવા માટે આપ્યો હોય એટલો સમય ત્યાં રહ્યા હોવ તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમને બી-1/બી-2 વિઝા જરૂરથી આપવામાં આવશે. મોટા ભાગના બી-1/બી-2 વિઝાના અરજદારો જ્યારે વિઝાની અરજી કરે છે ત્યારે તેઓ ખરા અર્થમાં અમેરિકામાં બિઝનેસના કામ અર્થે જવા ઈચ્છતા હોય છે યા એક ટૂરિસ્ટ તરીકે ત્યાં ફરવા જવા ઈચ્છતા હોય છે, આમ છતાં ‘અમને વિઝા મળશે કે નહીં’ એવી ભીતિ એમના મનમાં હોય છે. એ કારણે એ ભીતિ એમના મુખ ઉપર છતી થાય છે. એ જોતાં કોન્સ્યુલર ઓફિસરને વિચાર આવે છે કે આ વ્યક્તિ અમેરિકામાં બિઝનેસના કામ અર્થે જાય છે, ફરવા માટે જાય છે તો પછી એ વિઝા મેળવવા આવી છે ત્યારે એના મુખ ઉપર ગભરાટ શું કામ છે? નક્કી એનો ઈરાદો કંઈક જુદો જ હોવો જોઈએ, આ કારણસર લાયકાત હોવા છતાં અનેકોના વિઝા નકારાય છે. તમે જ્યારે બી-1/બી-2 વિઝાની અરજી કરો ત્યારે તમારા મુખ ઉપર ગભરાટ હોવો ન જોઈએ.
તમારો પહેરવેશ વ્યવસ્થિત હોવો જોઈએ. બની શકે તો ઈન્ટરવ્યૂ અંગ્રેજી ભાષામાં જ આપવો જોઈએ. તમે ભલે ધાર્મિક હોવ, પણ ધર્માંધતાને છતી કરતાં તિલક લગાડીને કે ભગવાં વસ્ત્રો પહેરીને કે પછી રુદ્રાક્ષની માળા પહેરીને અને જો ખ્રિસ્તી હોવ તો ગળામાં મોટો ક્રોસ પહેરીને કે પાદરી જેવાં વસ્ત્રો ધારણ કરીને અને જો ઈસ્લામધર્મી હોવ તો ઈસ્લામધર્મીઓ માથે જે પ્રકારની ટોપી પહેરે છે એ પહેરીને જવાનું ટાળજો. કોન્સ્યુલર ઓફિસરને ‘જયશ્રી કૃષ્ણ’ કે પછી ‘જય જિનેન્દ્ર’ કે ‘ગોડ બ્લેસ યુ’ યા ‘સલામ વાલેકુમ’ એવું તમારા ધર્મને છતું કરતું સંબોધન ન કરતા. સીધું ને સાદું ‘ગુડ મોર્નિંગ’ યા ‘ગુડ આફ્ટરનૂન’ કહો. સ્ત્રીઓએ દાગીનાનો વધુ પડતો ઠઠારો કરવાનું ટાળવું જોઈએ તેમ જ એમનાં અંગ-ઉપાંગોના પ્રદર્શન કરતાં ખુલ્લાં વસ્ત્રો પહેરવાનું ટાળવું જોઈએ. સાથે લઈ ગયેલા દસ્તાવેજો દેખાડવાની ઉત્કંઠા દેખાડવી ન જોઈએ. કોન્સ્યુલર ઓફિસર જ્યારે જોવા માગે ત્યારે જ દસ્તાવેજો દેખાડવા જોઈએ. સવાલ-જવાબમાં ભાર દઈને એવું કહેવાની જરૂર નથી કે ‘હું તો મારા દેશમાં પાછો આવવાનો જ છું. મારા દેશની કંપનીમાં જ કામ કરવાનો છું. મને મારો દેશ ખૂબ જ વહાલો છે.’ હા, તમે એવું આડકતરી રીતે જણાવી શકો કે તમે સ્વદેશ પાછા ફરશો, પણ એ હકીકત ભાર દઈને તમારા જવાબમાં ‘ભારત’ યા ‘ઈન્ડિયા’ શબ્દનો ભારપૂર્વક ઉપયોગ કરીને દર્શાવતા નહીં. બી-1/બી-2 વિઝાના અરજદારોએ એટલું સમજી લેવું જોઈએ કે કોન્સ્યુલર ઓફિસરો ખાસ અમેરિકાથી ભારત તમને વિઝા આપવા માટે જ આવ્યા છે. જો તમને વિઝા આપવા જ ન હોય તો અમેરિકાની સરકાર શા માટે કરોડો રૂપિયા ખર્ચીને એમની કોન્સ્યુલેટ ભારતનાં પાંચ શહેરોમાં ખોલે? તમે અમેરિકા જશો તો ફાયદો અમેરિકાને જ છે, કારણ કે તમે ત્યાં બસ્સો-પાંચસો ડોલરનો ખર્ચો કરશો. બીજી એક વાત પણ બી-1/બી-2 વિઝાના અરજદારો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે કોન્સ્યુલર ઓફિસરો એમના દુશ્મન નથી હોતા. તેઓ ફક્ત એમની ફરજ બજાવે છે. એમની ફરજ એ છે કે એમને એ જાણી લેવું જોઈએ કે તમે અમેરિકામાં જઈને એમના દેશને કે દેશવાસીઓને નુકસાન નહીં પહોંચાડો ને? આ સઘળું જો ધ્યાનમાં રાખશો અને એ પ્રમાણે અનુસરશો તો તમને બી-1/બી-2 વિઝા અવશ્યથી આપવામાં આવશે.