સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
હો શ્રદ્ધાનો વિષય ત્યાં પુરાવાઓની શું જરૂર;
કુરાનમાં તો ક્યાંય પેગંબરની સહી નથી
- Advertisement -
– જલન માતરી
યાન માર્ટેલ દ્વારા સર્જિત નવલકથા પર આધારિત અને જિનિયસ ફિલ્મમેકર એંગ લી દ્વારા બનાવેલ અફલાતૂન મૂવી ‘લાઈફ ઓફ પાઈ’ મૂવી ખાલી એક માનવની જિજીવિષાની કથા નથી, તેના સિવાય પણ તેમાં ઘણા બધા પરિમાણો છે. તેમાંથી એક એટલે માનવ સભ્યતામાં અનાદિકાળથી ચાલતો શ્રદ્ધા બનામ અંધશ્રદ્ધા સંઘર્ષ. તે અન્ડરકરંટ ફિલ્મમાં સમયે સમયે અનુભવાતો રહે છે. એવા એક દ્રશ્યમાં પાઈ પોતાની સ્વાભાવિક શ્રદ્ધાથી પ્રેરાઈને વાઘની સામે જાય છે. તેને એમ કે વાઘ તેની પર હુમલો નહી કરે. પછી તેના પપ્પા તેને બતાવે કે વાઘ વાઘ હોય, તમારા મગજમાં શું ભર્યું છે તેનાથી વાઘને કોઈ મતલબ નથી. તેના પપ્પા વાઘના પાંજરા સામે બકરીનું બચ્ચું બાંધી દે અને વાઘ તે બચ્ચાને પાંજરાના સળિયા સોંસરવું ફાડી ખાય છે. તેના પપ્પા ક્રૂર કે નિર્દય નતા માત્ર વાસ્તવિક હતા. એક બાપની ફરજ તે અદા કરતા હતા. એક જાણીતી વાત છે ને કે તમે જંગલમાં જાઓ તો તમે શાકાહારી અને અહિંસક છો, વાઘ નહી અને વાઘને એ ખબર પણ નથી કે તમે અહિંસામાં માંનો છો. પછી પાઈના પપ્પા તેને કહે છે કે જ્યારે તું વાઘની આંખોમાં જુએ છે ત્યારે તને તેની નહી પણ તારી પોતાની લાગણીઓનું પ્રતિબિંબ તેમાં દેખાય છે. બકોલ ઈર્શાદ કામિલ મૈને યે ભી સોચા હૈ અક્સર, તું ભી મૈં ભી સભી હૈ શિશે, ખુદ હી કો હમ સભી મેં દેખે, નહીં હું મેં હું મેં તો ફીર ભી. ભગવાનની વાત આવે એટલે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો દ્વંદ્વ ચાલુ થઈ જાય અને ભારત જેવા દેશમાં ગુજરાત સહિત ઘણી જગ્યાએ ભૂવાની પરંપરા જોવા મળે છે. કોઈ ચોક્કસ વ્યક્તિને માતાજી, દેવ આવતા હોવાનું માનવામાં આવે છે અને તે દરમિયાન તે વ્યક્તિ અકલ્પનીય વસ્તુઓ કરી બતાવે. કોઈ માથે શ્રીફળ ફોડે તો કોઈ પોતાના વાંસામાં સાંકળ મારે અને એ તે બધામાં શિરમોર એટલે કોઈ આવી વ્યક્તિ અન્યોના ભવિષ્યની આગાહી કરે અને બધાને આદેશ આપે.
કાંતારા થિએટરમાં જોયું હતું અને અમુક સીન ખાસ કરીને ક્લાયમેક્સ તો દિલમાં કોતરાઈ ગયા છે પણ જેટલી ચર્ચા તે ફિલ્મની ભક્તિ, સમર્પણ કે શ્રદ્ધા વિશે થઈ તેટલી તેની નકારાત્મક બાજુ વિશે ના થઈ. ભલે અજાણતા જ પણ ફિલ્મ અંધવિશ્વાસ ફેલાવે છે, માણસોને કોઈ અવતાર તેમને બચાવવા આવશે તે આશા આપીને તેમને કર્મના માર્ગથી વિમુખ કરે છે. આવી રીતે તો કોઈને પણ શ્રદ્ધાનો હવાલો આપીને દેવ કે ભગવાન સાબિત કરી દેવાય અને તેની સામે કોઈ પડી ન શકે. પણ સામે જોગાનુજોગે તે ફિલ્મ આવ્યાના સમય દરમિયાન જ ગુજરાતના એકાદ ગામમાં અંધવિશ્વાસ પર આધારિત એક હૈયું કંપાવી દેનારી ઘટના પણ બનેલી કે જેમાં એક પિતાએ બહુ ક્રૂર રીતે માતાજીને બલી આપવા પોતાની દીકરીને મારી નાંખેલી. હવે જ્યારે કોઈ ફિલ્મ બનાવાતી હોય ત્યારે આ નીરક્ષીર વિવેક હોય તો ફિલ્મ બધા પાસાને આવરી લેતો એરિયલ ધરાવતી બને.
આ જ ફિલ્મની પ્રિકવલ આવી છે અને તેનુ ટ્રેલર અદભુત લાગતા પહેલા જ અઠવાડિયામાં જોઈ કાઢી અને ઋષભ શેટ્ટીએ ફરીવાર જલસો કરાવ્યો છે અને તે પણ પહેલા ભાગ કરતા વધારે. અંધવિશ્વાસની ત્રુટિને સાઈડ પર રાખીએ તો ફિલ્મ એક થિએટર એકપિરિયેન્સ તરીકે આલાતરીન છે. પહેલી ફિલ્મની વિરૂદ્ધ આમાં ઘણા સાથી કિરદારોને ન્યાય મળે એવી વાર્તા લખાઈ છે. ખાસ કરીને પહેલી ફિલ્મની સાવ વન ડાઇમેંશનલ નાયિકાથી સાવ વિરુદ્ધ એવી આ નાયિકાના પાત્રને રુકમણી વસંતે સારો ન્યાય આપ્યો છે. જયરામનુ કામ ચાલે એમ છે. ગુલશન દેવૈયાને જોઇને ગ્લેડાયેટરના હોકિન ફિનિક્સ જેવા વાઈબ્સ આવતા હતા પણ તેઓ ખરેખર પોતાના પાત્રમાં દુષ્ટ કરતા થાકેલા વધુ લાગે છે. પાર્શ્વસંગીત લોમહર્શક છે પણ છે આખરે પહેલી ફિલ્મની જ નકલ જેવું. શાહરૂખના સ્ટુડિયો રેડ ચિલીઝ દ્વારા થયેલા વીએફેએકસ અદભૂત એટલે બહુ જ અદભુત છે. દેવ પંડમાં આવે તે દૃશ્યો પહેલા ભાગ જેટલા અસરકારક રીતે નથી તો પણ એકંદરે આ પ્રીકવલ સિનેમાઘરમાં જોવામાં આવે એક જોરદાર અનુભવ રહેશે.
પૂર્ણાહુતિ:
સિદ્ધાર્થ ’ અહીંયા સાપેક્ષ
હોય છે સર્વ ઘટનાઓ,
તમારી ધાર્મિક ભાવના
અન્યોની મૂર્ખામી હોય શકે
(રમેશ પારેખની માફી સાથે)
(શીર્ષક પંક્તિ: મિર્ઝા ગાલિબ)