550 કરોડનાં રોકાણની તૈયારીઓ
કેડીલા ફાર્મા, કચ્છ કેમિકલ્સ અને અનુપમ રસાયણ જેવી કંપનીઓ કરશે રોકાણ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય બંધારણમાંથી કલમ 370 હટાવ્યા ને ત્રણ વર્ષ વીતી ગયા પછી પૃથ્વી પરના સ્વર્ગ એવા જમ્મુ અને કાશ્મીરમાં ધંધાની તકો વીકસી છે જેને ઝડપી લેવા ગુજરાતી સાહસિકો તૈયાર થઇ રહ્યા છે. ફાર્મા, કેમીકલ અને ફર્નીચર ઉત્પાદનના કેટલાક ગુજરાતી ધંધાર્થીઓ હવે રોકાણ માટે જમ્મુ-કાશ્મીર તરફ નજર નાખી રહ્યા છે. ઉદ્યોગના સુત્રો અનુસાર, જમ્મુ કાશ્મીરમાં પપ0 કરોડ રૂપિયાના રોકાણની આગામી મહિનાઓમાં તૈયારીઓ થઇ ચૂકી છે. ગુજરાતની કેડીલા ફાર્માસ્યુટીકલ્સ, કચ્છ કેમીકલ્સ અને અનુપમ રસયાણ જેવી મોટી કંપનીઓ તૈયારીઓ કરી રહી છે. ફેબ્રુઆરી ર0ર1માં ઉદ્યોગ અને વ્યાપાર વિકાસ વિભાગે જમ્મુ-કાશ્મીરના ઔદ્યોગિક વિકાસ માટે નવી કેન્દ્રીય યોજના જાહેર કરી હતી. આ યોજના હેઠળ આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં રોકાણ કરનારને 30 ટકા કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સેન્ટીવ મળશે અને પ00 કરોડ રૂપિયા સુધીની લોનના વ્યાજ પર રાહત મળશે. ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને આમાં પોતાના ધંધાના વિકાસની વિશાળ તકો દેખાઇ રહી છે.
અમદાવાદમાં હેડકવાર્ટર ધરાવતી કેડીલા ફાર્માસ્યુટીકલ્સનો પ્લોટ ર004થી જમ્મુમાં છે અને કંપની હવે તેના વિસ્તરણ પર ધ્યાન આપી રહી છે. કેડીલા ફાર્માના ચીફ મેન્ટરીંગ ઓફિસર બિશ્વજીત મિત્રાએ કહ્યું, “ગયા મહિને અમે કાશ્મીરમાં ર8 એકર જમીન જમ્મુ નજીક વધુ એક ફોર્મ્યુલેશન પ્લાન્ટ માટે ખરીદી છે. જેને ત્રણ વર્ષમાં પૂર્ણ કરાશે. સુરત સ્થિત ખાસ પ્રકારના કેમીકલો બનાવતી કંપની અનુપમ રસાયણ લીમીટેડ પણ જમ્મુ કાશ્મીરમાં ફાર્માસ્યુટીકલ ફોર્મ્યુલેશન ઉત્પાદિત કરવાની યોજના બનાવી રહી છે. કંપનીના એમ.ડી. આનંદ દેસાઇએ કહ્યું કે કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરના વિકાસ માટે ઘણાં પ્રયત્નો કરી રહી છે અને ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે ઝડપી કામ થઇ રહ્યું છે. અમે યોગ્ય જમીન પસંદ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. અમારા પ્લાંટ જમ્મુ અને શ્રીનગર વચ્ચે ઓછામાં ઓછા 30 કરોડ રૂપિયાના ખર્ચે 1 વર્ષમાં ચાલુ થઇ જશે અને તેમાં 100 લોકોને રોજગારી મળશે. અન્ય એક રસાયણ ઉત્પાદક કંપની-કચ્છ કેમીકલ્સ પણ જમ્મુ-કાશ્મીરમાં ફોર્મ્યુલેશન પ્લાંટનું આયોજન કરી રહી છે. કચ્છ કેમીકલ્સના માર્કેટીંગ હેડ જય પટેલે કહ્યું, “અમે જમ્મુ કાશ્મીરમાં યોગ્ય જમીન શોધી જ રહ્યા છીએ અને આગામી ત્રણ વર્ષમાં અમારો પ્લાંટ ચાલુ કરવાની અમારી યોજના છે.”