સર્વે નં.115 પૈકીની 2 હજાર ચો.મી. સરકારી ખરાબાની જમીનમાં 15 વર્ષથી ગૌશાળા ઉભી છે
ગૌશાળામાં અબોલ, નિરાધાર કુપોષિત 500 ગાય-વાછરડાંનો આશરો, વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ડિમોલિશન ન કરવા કલેકટરમાં લેખિત રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
તાજેતરમાં રાજકોટ પૂર્વના મામલતદાર દ્વારા માંડાડુંગર પાસેની ગૌશાળાને તેમજ તેની આજુબાજુના ગેરકાયદે દબાણો તોડી પાડવા કલમ-202 હેઠળ નોટિસ આપવામાં આવી હતી. કરૂણા ગૌશાળા ટ્રસ્ટ દ્વારા દેવુબેન વાલજીભાઇ મકવાણાને નોટિસ આપતાં તે બાબતે કલેકટરમાં આજે આવેદન આપી આ ગૌશાળા ન તોડવા અને પશુઓ, મૂંગા અબોલ-ઢોર રઝળી પડશે તેવી વિગતો દર્શાવી જણાવ્યું હતુ કે, કરૂણા ગૌશાળા છેલ્લા 15 વર્ષથી ચલાવીએ છીએ. રાજકોટ શહેરના રેવન્યું સર્વે નં-115 પૈકીની જમીન હેકટર આશરે ચો.મી. 0-20-34 ઉપર ગાયોના નિભાવની કામગીરી કરવામાં આવે છે. કોર્પો.ના પ્રાણી રંજાડ અંકુશ વિભાગ દ્વારા રસ્તે રખડતાં ઢોરને મોકલી અપાય છે. આશરે 2000 ચો.મી. જમીનમાં ગેરકાયદે ગૌશાળા ઉભી થયાનું બહાર આવેલ છે.
- Advertisement -
ગૌશાળામાં 500 જેટલી ગાયોની સેવા કરવામાં આવે છે. પૂર્વના મામલતદાર દ્વારા નોટિસના આધારે કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો 500 કે તેથી વધુ ગાયો-વાછરડાંઓનો આશરો છિનવાઇ જશે. નોટિસમાં દર્શાવ્યા અનુસાર કોઇપણ પ્રકારનું ગેરકાયદે દબાણ કર્યું નથી. નોટિસમાં કેટલું તેમજ કઇ પ્રકારનું ગેરકાયદે દબાણ છે ? તે અંગે કોઇપણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી. તંત્ર દ્વારા ડિમોલિશન થશે તો નાછૂટકે અમારે આ અબોલ જીવોને છૂટા મુકવા પડશે અને ફરી રસ્તા ઉપર રઝળવું પડશે. અબોલ પશુઓને બીજી જગ્યા ઉપર ફેરવવા પ્રયત્નશીલ છીએ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ડિમોલિશન કરવામાં ન આવે તેવી કલેકટરને લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે. નોટિસમાં 10 દિવસમાં જમીન ખાલી કરી દેવા અથવા સરકારી જમીનમાં દબાણ કરવા બદલ પગલાં લેવાની તાકીદ કરી છે.