‘તમને નવરાત્રિમાં જોયા હતા, હવે મળવું છે’ એવા મેસેજ કરતા મહિલા સાથે મુલાકાત તો ન થઈ, પોલીસ સ્ટેશનની હવા ખાવી પડી
ખાસ-ખબર સંવાદદાતા
આજકાલ સોશિયલ મીડિયામાં આવારા તત્વો દ્વારા મહિલાને મેસેજ-કોલ કરી હેરાન-પરેશાન કરવાના કિસ્સામાં ભયંકર ઉછાળો આવ્યો છે. કેટલાક કિસ્સાઓમાં મહિલાઓ આવારા તત્વોની પજવણી નજરઅંદાજ કરી દેતી હોય છે પરંતુ બધી મહિલાઓ એકસમાન હોતી નથી. રાજકોટમાં જ એક મહિલા અને તેના પતિએ સોશિયલ મીડિયામાં પજવણી કરનાર શખ્સને સીધો દોર કરવા સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી છે.
રાજકોટમાં રહેતી બે યુવાન પુત્રની માતા અર્વાચીન દાંડિયારાસમાં પરિવાર સાથે ગઇ હતી ત્યારે તેના પર એક શખ્સની નજર પડ્યા બાદ એ મહિલાના સોશિયલ મીડિયા પર તેને સતત મેસેજ કરી પજવણી શરૂ કરવામાં આવી હતી. એ શખ્સના ત્રાસથી કંટાળેલી મહિલાએ પોલીસનું શરણું લેતા પોલીસે આઇટી એક્ટ હેઠળની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. બનાવની વિગત અનુસાર શહેરના 150 ફૂટ રિંગ રોડ વિસ્તારમાં રહેતી 42 વર્ષની મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલના દેરડી કુંભાજીના કાંતિ દેવજી મકવાણાનું નામ આપ્યું હતું. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં બે પુત્ર છે જેમાં મોટો પુત્ર 20 વર્ષનો અને નાનો પુત્ર 17 વર્ષનો છે. ગત તા.27 ઓક્ટોબરના તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક મેસેજ આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે, ‘તમને નીલ સિટી ક્લબમાં નવરાત્રિમાં જોયા હતા’, સાથે ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ મોકલી હતી.
- Advertisement -
મહિલાએ ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી નહોતી અને આ અંગે તેના પતિને જાણ કરી હતી. મહિલાના પતિએ ઇન્સ્ટાગ્રામ મેસેન્જર પરથી સામેના વ્યક્તિ સાથે વાતચીત કરતા તે શખ્સે મેસેજ કરનાર મહિલા જ હોવાનું સમજી મેસેજ કર્યો હતો કે, ‘હું તમને પ્રેમ કરું છું, મારે તમને જોવા છે, તમે વિડીયો કોલ કરો, મારે તને મળવું છે.’ આવા સતત મેસેજથી કંટાળી મહિલાના પતિએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.
ડિસ્કો દાંડિયામાં મહિલાને જોયા બાદ સોશિયલ મીડિયામાં મેસેજ કરી હેરાન કરતા દેરડી કુંભાજીના શખ્સને સીધો દોર કરાયો
પોલીસે એ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી મેસેજ કરનારના મોબાઇલ નંબર શોધી કાઢ્યા હતા અને મેસેજ કરનાર દેરડી કુંભાજીનો કાંતિ દેવજી મકવાણા હોવાનું સ્પષ્ટ થયું હતું. અંતે આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના જમાદાર દીપકભાઇ પંડિતે ગુનો નોંધ્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ મકવાણાએ આરોપી કાંતિ મકવાણાની શોધખોળ શરૂ કરી ઝડપી પાડ્યો હતો. આરોપી કાંતિ મકવાણા અન્ય મહિલાઓ અને યુવતીઓને પણ પજવતો હોવાની શંકા સેવાઇ રહી છે.
- Advertisement -
CP રાજુ ભાર્ગવના નેતૃત્વમાંસાયબર ક્રાઈમ યુનિટની ઉત્તમ કામગીરી
છેલ્લાં ઘણાં સમયથી રાજકોટ પોલીસનું સાયબર ક્રાઈમ યુનિટ ઉત્તમ કામગીરી કરી રહ્યું છે અને અનેક અટપટાં કેસ ઉકેલી રહ્યું છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનાં નેતૃત્વમાં એ.સી.પી. વિશાલ રબારી એન્ડ ટીમ અત્યંત આક્રમકતાથી સાયબર ક્રાઈમમાં કામગીરી કરી રહી છે. આ કિસ્સામાં પણ તેમણે પોતાની કાર્યદક્ષતાનો પરિચય આપ્યો હતો અને કાંતિ મકવાણાને ઝડપી લીધો હતો.
કાંતિ મકવાણાના સીનસપાટા: સુપ્રીમ કોર્ટનો વકીલ હોવાનો રોફ જમાવતો!
મહિલાની માનસિક પ્રતાડના કરનાર લુખ્ખો કાંતિ મકવાણા વાસ્તવમાં એક કારખાનામાં નોકરી કરે છે. પરંતુ પોતાના ઈન્સ્ટાગ્રામ અને ફેસબૂક એકાઉન્ટનાં ઉઙમાં તેણે એડવોકેટનો સિમ્બોલ મૂક્યો છે અને મહિલાઓ પાસે પણ તે આવા ફાંકા મારતો હતો કે તે એડવોકેટ છે અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે!
કાંતિ મકવાણા દ્વારા પીડિત મહિલાઓએ સાયબર ક્રાઈમ અથવા ‘ખાસ-ખબર’નો સંપર્ક કરવો.