લોકશાહીના મહાપર્વની સુવાસ ગિરના નેસ સુધી
માત્ર 121 મતદારો માટે ચૂંટણી તંત્રે અલાયદી વ્યવસ્થા કરી
- Advertisement -
કનકાઈ મતદાન મથક સુધી ચૂંટણી સ્ટાફે 15 કિમી જંગલની સફર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.02
જૂનાગઢ ગીરના અડાબીડ જંગલ વચ્ચે એક એવું મતદાન મથક આવેલું છે, જ્યાં માત્ર 121 મતદારો છે, જે જૂનાગઢ જિલ્લાનું સૌથી ઓછા મતદારો ધરાવતું મતદાન મથક પણ છે. પ્રાકૃતિક સંપદા અને સૌંદર્યતાની વચ્ચે આવેલ આ મતદાન મથક એટલે ગીર અભયારણ્ય વિસ્તારમાં આવેલ કનકાઈ મતદાન મથક. આ દુર્ગમ વિસ્તારમાં પણ નાગરિકો મતાધિકારના ઉપયોગથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયા જણાવે છે કે, ઊદયિુ ટજ્ઞયિં ઈજ્ઞીક્ષતિં તેવી ભારતના ચૂંટણી પંચની નેમ છે, ત્યારે 87 – વિસાવદર વિધાનસભા મતવિસ્તાર હેઠળના કનકાઈ મતદાન મથક સહિતના અન્ય શેડો મતદાન મથક માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અલગથી વ્યવસ્થાઓ કરવામાં આવે છે, જૂનાગઢથી અંદાજે 70 કીમી. દૂર આવેલા આ મતદાન મથક ગાઢ જંગલ વિસ્તાર હોવાથી ઇન્ટરનેટ અને મોબાઈલ નેટવર્ક જેવી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી સેલ ફોન કામ કરી શકતા નથી.
- Advertisement -
ત્યારે મતદાન પ્રક્રિયા દરમિયાન દર બે કલાકે મતદાન ટકાવારીના આંકડાનો રિપોર્ટ કરવાના હોય છે, ઉપરાંત અન્ય ચૂંટણીલક્ષી કામગીરી માટે પણ કોમ્યુનિકેશન ખૂબ જરૂરી હોય છે. આ સંજોગોમાં વાયરલેસ સેટ એટલે કે વોકીટોકી ચૂંટણી ફરજ પરના અધિકારીને આપવામાં આવે છે. જેથી સરળતાપૂર્વક કોમ્યુનિકેશન સાધી શકાય. દુર્ગમ એવા જંગલ અને પહાડી વિસ્તાર કે, જ્યાં સરળતાથી કોમ્યુનિકેશન સાધવું મુશ્કેલ હોય છે, તેવા મતદાન મથકોને શેડો મતદાન મથક તરીકે જાહેર કરવામાં આવે છે.જિલ્લામાં કનકાઈ ઉપરાંત અન્ય ત્રણ મતદાન મથકો શેડો મતદાન મથક જાહેર થયેલ છે, આ મતદાન મથકો ગીર જંગલની એકદમ બોર્ડર પર આવેલા છે, જેમાં દુધાળા, માણંદિયા અને રાજપરા ગામનો સમાવેશ થાય છે. ત્યાં પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ શેડો મતદાન મથક પર ચૂંટણી સ્ટાફ મતદાનના અગાઉના દિવસે જ પહોંચી જતો હોય છે, તેમાં કનકાઈ મથક મતદાન મથક સુધી પહોંચવા માટે અંદાજે 15 કીમી જેટલી જંગલમાં સફર ખેડવી પડે છે.દરેક મતદાર પોતાના મતાધિકારનો સરળતાપૂર્વક ઉપયોગ કરી શકે તે માટે ભારતનું ચૂંટણી પંચ પ્રતિબદ્ધતા સાથે કામ કરે છે. આમ, લોકશાહીના મહાપર્વની સુવાસ દુર્ગમ એવા ગીરના નેસ સુધી પ્રસરે છે.
શેડો મતદાન મથકમાં કેટલા છે મતદારો
કનકાઈ મતદાન મથક હેઠળ 67 પુરુષો અને 54 મહિલા મતદાર સહિત કુલ-121મતદારો છે, તેવી જ રીતે ગીર જંગલની બોર્ડર વિસ્તારના શેડો મતદાન મથક એવા માણંદીયામાં 148 પુરુષ, 134 સ્ત્રી કુલ – 282, રાજપરામાં 537 પુરુષ, 529 સ્ત્રી કુલ – 1066 અને દુધળામાં 592 પુરુષ, 596 સ્ત્રી કુલ – 1188 મતદારો છે.