ફ્રૂટ લારીઓને લઈ ઉગ્ર બનતી પરિસ્થિતિ – સમયસરની કાર્યવાહીથી કોમી તણાવ અટક્યો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદર શહેરના રૂપાળીબા લેડી હોસ્પિટલ નજીક લાંબા સમયથી ફૂટની લારીઓ ઉભી રાખીને વેપાર ચાલી રહ્યો હતો. આ બાબતે કમલાબાગ પોલીસ મથકે વારંવાર અરજીઓ મળતી હતી. અરજીઓમાં સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા હતા કે, આ વિસ્તારમાંથી કોમી શાંતિ દોહડાય અને તણાવ ઊભો થાય તેવી શક્યતાઓ છે. પરિસ્થિતિને ગંભીરતાથી લઈ કમલાબાગ પોલીસે અગાઉથી અગમચેતીના પગલાં સ્વરૂપે લારીચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પોલીસના જણાવ્યા મુજબ, આ પગલું ફક્ત ટ્રાફિક કે લારીચાલકો વિરુદ્ધ નહીં, પરંતુ મોટો બનાવ બનતા અટકાવવા માટે સમયસર લેવામાં આવેલ નિર્ણય છે. આ કાર્યવાહી અંતર્ગત બોખીરાના કે.કે.નગરના ઈબ્રાહીમ ઉંમર સાટી, ઝુરીબાગના વિશાલ હરીશ વાજા, ભાજપ કાર્યાલય નજીક રહેતા પ્રેમ ધીરજભાઈ મેલવાણી, જુની દીવાદાંડી ચોકી પાસેના હુસેન ઈકબાલ પઠાણ, છાયા મહેર સમાજના અલ્તાફ અજીત પઠાણ, ખાખચોકના રાજેશ રણછોડવાજા, જુની ખડપીઠ ગૌશાળાના જયેશ ચંદુભાઈ સોલંકી અને કડીયાપ્લોટના રમેશ ગોવિંદ પાંડાવદરા સામે બી.એન.એન.એસ.ની કલમ 35(3) મુજબ ગુન્હો નોંધાયો છે. પોલીસના દાવા મુજબ, લારીઓને લઈને ઉદ્ભવતી વિવાદાસ્પદ પરિસ્થિતિ કાબૂમાં લેવા આ પગલાં જરૂરી હતા, જેથી પરિસ્થિતિ વધુ ઉગ્ર ન બને. આ કાર્યવાહીથી પોરબંદર શહેરમાં સંભવિત મોટો બનાવ બનતા અટક્યો હોવાનું માનવામાં આવે છે.
ફ્રૂટ લારીઓને લઈને બે અલગ અલગ કોમના લારીધારકો વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી જે બાદ લારીધારક તરફથી પોલીસને અરજી મળી હતી. લેડી હોસ્પિટલ પાસે લારીધારકો દ્વારા કાયમી નાના મોટા ઘર્ષણ થતા હોવાની પોલીસને વિગતો મળી હતી. લારીધારકોને રૂબરૂ સાંભળ્યા બાદ આગળ કોઈ મોટો બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ દોહડાય નહીં, તેમજ બે કોમ વચ્ચે તણાવ ન ઊભો થાય, તે માટે અગમચેતીના ભાગરૂપે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લેડી હોસ્પિટલ વિસ્તારની લારીઓ અંગે માત્ર ટ્રાફિક અને કોમી તણાવ જ નહીં, પરંતુ ફ્રૂટના ત્રણ ગણા ભાવ વસૂલવામાં આવે છે એવી પણ લોકોમાં ચર્ચા અને ફરિયાદો ઉઠી છે. સારવાર માટે આવતા દર્દીઓના પરિવારજનોને મોંઘા ભાવે ફ્રૂટ ખરીદવા મજબૂર થવું પડે છે.