ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
ગ્રામ્ય કલાકારોને મંચ પૂરો પાડવા અને કલાની અભિવ્યક્તિને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017 થી શરૂ થયેલા ’કલા મહાકુંભ’નું આયોજન જૂનાગઢમાં કરવામાં આવ્યું હતું. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા જ્ઞાનબાગ ખાતે યોજાયેલા આ કલા મહાકુંભમાં 1700થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમ્મર અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ જણાવ્યું હતું કે, અભ્યાસની સાથે કલાનું જ્ઞાન પણ આવશ્યક છે. તેમણે યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને વિશ્વ વિરાસત તરીકે માન્યતા મળવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. આ કલા મહાકુંભમાં વક્તૃત્વ, નિબંધ, કાવ્ય, ગઝલ, લોકનૃત્ય, ગરબા, ભરતનાટ્યમ, સંગીતના વિવિધ પ્રકારો અને વાદ્ય સ્પર્ધાઓ સહિત કુલ 37 જેટલી કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સ્પર્ધાના વિજેતાઓને ઇનામ પણ આપવામાં આવશે, જેમાં પ્રથમ ક્રમના વિજેતાને 1000, દ્વિતીયને 750 અને તૃતીયને 500 ડી.બી.ટી.ના માધ્યમથી ચૂકવવામાં આવશે. આ કાર્યક્રમમાં મેયર ધર્મેશભાઈ પોશિયા, ડે. મેયર આકાશભાઈ કટારા, નિવાસી અધિક કલેક્ટર બી.એસ. બારડ, સંસ્થાના નિયામક એલ.સી. પટેલ, નિર્ણાયકો, લોક કલાકારો, વાલીઓ અને મોટી સંખ્યામાં સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.આભારવિધિ શહેરના પ્રાંત યુવા વિકાસ અધિકારી હિતેશ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.