જાંબાઝ દરિયાખેડુ, દિલાવર દાતારો, સાહસિક વેપારીઓની ભૂમિ કચ્છ… ભગ્ન ખંડિયર સમ થઈ ગયેલા નગરોને ભવ્યતાની કક્ષાએ લઈ જવાની વિકાસની ગાથા એટલે કચ્છ
અષાઢ મહિનો એટલે કચ્છીઓના નવા વર્ષ અષાઢી બીજ, ઉત્તર ભારતના ત્રીજ તહેવારો, દેવશયની એકાદશી, ગૌરી વ્રત કે જયા પાર્વતી, મોળાવ્રત, ગુરુપૂર્ણિમા કે વ્યાસ જયંતી, એવરત-જીવરત… અનેક તહેવારો લઈને આવતા અષાઢ મહિનામાં, અને તેના પછી આવનાર શ્રાવણના આગમનની સુખદ પ્રતિક્ષામાં લોકોમાં ઉત્સાહની લાગણી હિલ્લોળે ચડે છે. એમાંય અષાઢી બીજ તો ત્રણ-ત્રણ લોકોત્સવને લઇને આવે છે. કચ્છીઓનું નવું વર્ષ, જગન્નાથ પુરીની રથયાત્રા અને કર્ણાવતી (અમદાવાદ)ની
- Advertisement -
રથયાત્રા….
કચ્છને સંભારતાં જ રંગબેરગી-ભાતીગળ સંસ્કૃતિ સાથોસાથ શુદ્ધ ઘીની કચ્છી મીઠાઈઓ જેવી જ મધુ નીતરતી, રસ ઝરતી સુકાભઠ્ઠ રણની લીલીછમ્મ કચ્છી પ્રજાનું સ્મરણ થઈ આવે. જાંબાઝ દરિયાખેડુ, દિલાવર દાતારો, સાહસિક વેપારીઓની ભૂમિ કચ્છ… ભગ્ન ખંડિયર સમ થઈ ગયેલા નગરોને ભવ્યતાની કક્ષાએ લઈ જવાની વિકાસની ગાથા એટલે કચ્છ… આધુનિકતાને આવકાર સાથોસાથ પરંપરા, લોકસંસ્કૃતિને આજ પણ પોતાના શ્વાસમાં ધબકતી રાખનાર કચ્છ….
અનેક આગવી વિશેષતા ધરાવતો હોવા છતાં, જ્યાં ગુજરાત અને ગુજરાતીપણાની અસ્મિતા પૂરેપૂરી જળવાયેલી છે એ, જિલ્લો ઍટલે કે ગુજરાતમાં આવેલો કચ્છ જિલ્લો અને કચ્છીઓ અષાઢીબીજને નવા વર્ષ તરીકે ઉજવે છે તેની પાછળ એક કરતાં વધુ એટલે કે અનેક રસપ્રદ વાતો છે.
ગુજરાતમાં મૂળરાજના સમકાલીન એવા લાખો ફુલાણી કચ્છના એક સમર્થ પ્રગતિશીલ અને વિચારવંત રાજવી હતા. મહાન દાનેશ્વરી, પ્રજાવત્સલ તેમજ પ્રકૃતિ પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને પ્રેમ ધરાવનાર આ રાજવીના માનસમાં અનેકોનેક સર્જનાત્મક અને ચિંતનાત્મક વિચારો આવતા. એકવાર એમને વિચાર આવ્યો કે આ પૃથ્વીનો છેડો ક્યાં હશે? અને તેમના વિચારોને/સવાલોને યોગ્ય સમાધાન આપવા તેઓ સૃષ્ટિભ્રમણ પર ચાલી નીકળ્યા. લાખાજીના આ પ્રયાસને લોકો ‘સૂરજની’ના નામથી ઓળખે છે. લાંબી શોધખોળને અંતે પણ તેમના મનમાં સતત ઘૂમરાતા આ સવાલનો કોઈ જવાબ પ્રાપ્ત થયો નહીં અને અંતે તેઓ નિરાશ વદને પાછા ફર્યા. તે સમયે અષાઢ માસ શરૂ થયેલો અને અનરાધાર વરસાદના કારણે પ્રકૃતિનું રૂપ ખીલી ઉઠ્યું હતુ. ચોમેર ખીલી ઊઠેલી હરિયાળી અને આહ્લાદક શીતળતામાં તેઓનું મન અતિ પ્રસન્ન થઈ ગયું અને જાણે કે તેમને તેમના સવાલનો તાર્કિક નહિ પણ તાત્વિક જવાબ મળી ગયો કે, જ્યાં મનને રાહત મળે , જ્યાં ચિત્ત પ્રસન્ન થઇ ઊઠે એ જ પૃથ્વીનો છેડો! અને તેમણે પોતાની આ પ્રસન્નતાની ઉજવણી રૂપે કચ્છનું નવું વર્ષ અષાઢી બીજથી શરુ કરવા સમગ્ર કચ્છમાં ફરમાન મોકલ્યું. આમ, લગભગ અગયારસો વર્ષથી અષાઢી બીજ ધામધૂમથી કચ્છમાં ઉજવાય છે. અમુક મત મુજબ, જામ રાયધણજીને કચ્છની ગાદી મળી અને ગુરુ ગોરખનાથે તેમને મંત્રદીક્ષા આપી એ દિવસ હતો અષાઢી બીજનો. એટલે ત્યારથી અષાઢીબીજે નવું વર્ષ ઉજવવાની શરુઆત થઈ એવું કહેવાય છે. એક વાત એવી છે કે ભુજની સ્થાપનાનાં સમયથી આષાઢીબીજને નવા વર્ષ તરીકે ઉજવાય છે. અન્ય મત મુજબ, પિતાએ કોઈ કારણોસર આપેલો દેશવટો આપ્યા બાદ લાખો ફુલાણી કચ્છ છોડી પાટણ તરફ વસ્યા. આ તરફ તેમના ગયા પછી, કચ્છમાં અભૂતપૂર્વ દુષ્કાળ પડ્યો. સતત હોનારત સર્જાવા લાગી. રાજ પરિવારના વડીલો મૃત્યુ પામ્યાં. વરસાદ તો લાખાની હકાલપટ્ટીથી જેમ કે વરસાદ રિસાઈ ગયો હોય તેમ કચ્છનો રસ્તો જ ભૂલી ગયો. ખેડૂતો બેહાલ થયાં. પશુપાલકો કાઠિયાવાડ તેમજ સિંધમાં ઉતરી ગયાં કચ્છના રાજવી પરિવારના કુંવરો નિસ્તેજ પુરવાર થયાં. લોકોને થયુ કે કચ્છનું ભવિષ્ય લાખોકુમારના હાથમાં જ સુરક્ષિત રહેશે. તેથી તેમણે લાખાને કહેણ મોકલ્યાં. કચ્છના આવા સમાચાર સાંભળી, કચ્છની પ્રજાના કહેણ પર લાખાકુમાર વતનમાં પરત થયાં. લાખાકુમારના આગમન સાથે જ કચ્છની સુક્કીભઠ ધરતી પર અનરાધાર વરસાદ થયાં. ધરતી હરિયાળી થઈ ખીલી ઉઠી. પશુપાલકો પાછા ફર્યા. લાખો કુમાર પરત ફર્યા એ દિવસ કહેવ અષાઢનો પહેલો દિવસ હતો. અને તેના બીજા દિવસે કચ્છની હેતાળ પ્રજાએ, માલધારીઓએ લાખાનો રાજા પદે સ્વીકાર કર્યો. આ ઘટનાના પરિણામ રુપે અષાઢી બીજ ઉજવાય છે. વળી અમુક વિદ્વાનોનું માનવું છે કે, અષાઢ મહિનો બેસતાં જ દરિયાખેડુઓ દરિયો ખેડીને પાછાં આવે છે. તેમના આગમનથી થતાં આનંદ-ઉલ્હાસની ઉજવણી રુપે આ દિવસે નવું વર્ષ ઉજવવાની પરંપરા શરુ થઇ.
કચ્છી પરંપરામાં, જુના સમયમાં આ દિવસે નવા સિક્કા બહાર પાડવામાં આવતાં. રાજાશાહી વખતમાં 562 રજવાડામાંથી ફક્ત 13 રજવાડાઓને સિક્કા બહાર પાડવાની મંજૂરી હતી એ એમાંના ઍક, કચ્છ રજવાડાની ટંકશાળમાં કચ્છ રાજ્યનું તત્કાલીન ચલણી નાણું છપાતું અને દર અષાઢીબીજે નવા સિક્કા તેમજ નવું પંચાંગ બહાર પાડવામાં આવતાં. ઉપરાંત કચ્છના રાજવી અષાઢી બીજે ભુજનાં હમીરસર તળાવેથી રાજાને સત્તર તોપની સલામી આપવામાં આવતી, શહેરમાં નગરયાત્રા નીકળતી, દરબાર ભરાતો જેમાં રાજા માટે યથાશક્તિ ભેટસોગાદો લઈ સૌ નગરજનો આવતાં. આજે તો આ પરંપરા ફક્ત ઇતિહાસના પાને છે. અલબત્ત, કચ્છી માડુઓ વિશે કહેવાય છે કે,
કચ્છડો ખેલે ખલક મેં, જીં મહાસાગર મેં મચ્છ.
જિત હિકળો કચ્છી વસે, ઉત્તે ડિયાણી કચ્છ