જગત-જનની મા ભવાનીના ચરણોમાં ડો.શરદ ઠાકરના કોટી-કોટી પ્રણામ. નવરાત્રિનું અત્યંત પવિત્ર પર્વ આવી રહ્યું છે. મા શક્તિની આરાધનાની આ રાતો આપણા જીવનભરના દિવસોને ઊર્જામય બનાવી દેશે. શિવતત્ત્વમાં જેટલી શ્રદ્ધા ધરાવો છો એટલી જ શ્રદ્ધા શક્તિતત્ત્વમાં પણ ધરાવજો.
આદિ શંકરાચાર્ય, જેમણે સનાતન વૈદિક ધર્મનો પુનરોદ્ધાર કર્યો, તેઓ પ્રારંભમાં માત્ર શિવજી પ્રત્યે જ શ્રદ્ધા ધરાવતા હતા, શક્તિતત્ત્વને તેઓ સ્વીકારતા ન હતા. આ વિશે એક રમ્ય દંતકથા પ્રચલિત છે.
આદિ શંકરાચાર્ય ભારતભ્રમણ કરતાં કરતાં બીમાર પડી ગયા. એમને સંગ્રહણીનો રોગ લાગુ પડ્યો. ભૂખ્યા અને તરસ્યા તેઓ એક સ્થાન પર બેસી પડ્યા. શરીરમાં થાક ભરાયો હતો. ઊભા થવા જેટલી પણ શક્તિ રહી ન હતી.
એ સમયે એક ગોવાલણી ત્યાંથી પસાર થઇ. શંકરાચાર્યે નજીકમાં રમતા એક છોકરાને કહ્યું, “તું ગોવાલણી પાસે જા અને મારા માટે ગોરસ લઇ આવ. મને શક્તિની જરૂર છે.”
છોકરો ગયો અને તરત જ પાછો ફર્યો, “ગોવાલણીએ ગોરસ આપવાની ના પાડી છે. એણે હસીને કહ્યું છે કે જે માણસને શક્તિના અસ્તિત્વમાં જ શ્રદ્ધા નથી તેને શક્તિની જરૂર કેવી રીતે પડે?”
આ ટોણો સાંભળીને શંકરાચાર્ય ચોંકી ગયા. આ કોઇ સામાન્ય ગોવાલણી ન હોઇ શકે. એને ક્યાંથી ખબર પડી કે હું માત્ર શિવ તત્ત્વનો જ ઉપાસક છું? તેઓ ઊભા થઇને ગોવાલણી પાસે પહોંચી ગયા અને ગોવાલણીરૂપે પધારેલાં દેવી જગદંબાનાં ચરણે પડીને પોતાના અપરાધ બદલ સ્વરચિત ક્ષમાપન સ્તોત્રનું ગાન કર્યું. એમણે મા પાર્વતીજીને વિનંતી કરી: “કુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતિ.”
આ સ્તોત્રમાં આદિ શંકરાચાર્ય કહે છે કે, “ચિતાની ભસ્મનો લેપ કરનારા, વિષનું પાન કરનારા, દિગંબર, જટાધારી, ગળામાં સર્પનો હાર પહેરનારા, તમામ પશુઓ અને પ્રાણીઓના સ્વામી, હાથમાં ખોપરીનું ભિક્ષાપાત્ર ધારણ કરેલા ભગવાન શિવ પણ જગતના ઇશ્વરની પદવીને પામ્યા તેનું કારણ શિવનો આપની સાથેનો વિવાહ જ છે.
શિવે આપનો હાથ ગ્રહણ કર્યો એ પછી જ તેઓ જગદીશ્વર થયા. પ્રકૃતિની મદદ વગર પુરુષ જગતની રચના ન કરી શકે.”
એ પછી શંકરાચાર્યજીએ શક્તિની આરાધના કરવા માટે દેવિ-અપરાધ ક્ષમાપન સ્તોત્રમ્, ભવાની અષ્ટકમ્, આનંદલહેરી, લલિતાપંચક, ભ્રમરાંબાષ્ટક, તથા ત્રિપુરસુંદરી જેવા ઉત્તમ સ્તોત્રની રચના કરી.
જેમ શિવતત્ત્વમાં શ્રદ્ધા જરૂરી છે, તેમ શક્તિતત્ત્વમાં શ્રદ્ધા રાખવી અનિવાર્ય….
