કથામૃત:
બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાર બાદ એક વૈશ્વિક સ્તરની બેઠક મળી હતી; જેમાં જુદા જુદા દેશના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં જામનગરના મહારાજા જામસાહેબ પણ હાજર હતા. ભારતના નાનાં નાનાં રજવાડાઓના સમૂહના તેઓ પ્રમુખ હોવાથી આ બેઠકમાં એમણે ભાગ લીધો હતો. બીજાં વિશ્વયુદ્ધમાં પોલેન્ડને બહુ મોટું નુકસાન થયું હતું એ બધાં જ જાણે છે. આ બેઠકમાં પોલેન્ડના તે સમયના વડાપ્રધાન ઇગ્નસી પેડરવસ્કીએ બધાંની સમક્ષ પોલેન્ડની હાલતની વાત કરી. ખાસ કરીને પોલેન્ડના જે સૈનિકો મૃત્યુ પામ્યા હતાં તેની વિધવાઓ અને બાળકોની વાતો કરી. અને આ બાળકોના અભ્યાસ માટે બ્રિટન કંઈક મદદ કરે એવો પ્રસ્તાવ મૂક્યો. બ્રિટને આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો અને આવું શક્ય નથી
- Advertisement -
એમ જુદા જુદા કારણો આપીને સમજાવ્યું. પોલેન્ડ સાથે કોઈ સંબંધ ન હોવા છતાં જામસાહેબ એ વખતે પોલેન્ડના સૈનિકોના આ બાળકોના અભ્યાસ માટે મદદ કરવા તૈયાર થયા. જામસાહેબની વાતથી બ્રિટનને આંચકો લાગ્યો. ભારતમાં તે સમયે બ્રિટનનુ જ શાસન હતું એટલે જામસાહેબને સંભળાવી દેવામાં આવ્યું કે, તમને આવા કોઈ કામ માટે અંગ્રેજ સરકાર તરફથી કોઈ ફંડ આપી નહીં શકાય. જામસાહેબે પણ મદદ કરવાનો નિર્ધાર કરેલો હતો એટલે બધાંની હાજરીમાં જ એમણે બ્રિટનને સંભળાવી દીધું કે, આવા સારા કાર્ય માટે મારે સરકારની કોઈ મદદની જરૂર પણ નથી. હું મારા પોતાના અંગત ભંડોળમાંથી પોલેન્ડના આ અનાથ થઈ ગયેલા બાળકો માટે ભણવાની વ્યવસ્થા કરીશ. એમણે ઇગ્નસી પેડરવસ્કીને આ બાબતે સાંત્વના આપી અને પોતે બધી જ વ્યવસ્થા કરશે એવું વચન આપ્યું. જામનગર પરત આવીને એમણે પોલેન્ડના સૈનિકોના બાળકો માટે એક આધુનિક શાળા તૈયાર કરાવી અને પોલેન્ડથી બાળકોને જામનગર લાવીને એમને ભણાવ્યા. આ શાળા એટલે બાલાચડીની સૈનિક સ્કૂલ જે આજે પણ મહારાજા જામસાહેબની દરિયાદિલીની યાદ અપાવે છે.
બોધામૃત:
સાચા મહારાજા એ છે જે માત્ર સંપત્તિ ભેગી જ નથી કરતા; જરૂર પડે ત્યારે જરૂરિયાતમંદ લોકો માટે ભેગી કરેલી સંપત્તિ વાપરી પણ શકે છે. અને આવા માણસો લોકોના હૃદય પર રાજ કરતા હોય છે.
- Advertisement -