કમિશનરે હાઉસ ટેક્ષમાં પ્રતિ ચો.મી. 3 રૂપિયા, દીવાબત્તીમાં 75 અને સફાઈમાં 100નો વધારો સૂચવ્યો હતો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગરપાલિકાનું વર્ષ 2022-23નું બજેટ તૈયાર થઈ ગયું છે. જો કે ચાલુ વર્ષે પણ મનપાનું બજેટ કરબોજ વિનાનું હોવાનું જાણવા મળ્યું છે.
જૂનાગઢ મહાનગર પાલિકાના કમિશનરે વર્ષ 2022-23નું બજેટ સ્થાયી સમિતિને સુપ્રત કર્યું હતું. કમિશનરે તૈયાર કરેલ બજેટમાં રૂપિયા 404.72 કરોડની આવકનો અંદાજ આંકવામાં આવ્યો હતો અને રૂપિયા 403.55 કરોડનો ખર્ચ બતાવ્યો હતો. આ બજેટ રૂપિયા 1.16 કરોડની પુરાંતવાળુ હતું. જો કે આ બજેટમાં હાઉસ ટેક્ષમાં ચો.મી. 3 રૂપિયા, દીવાબત્તીમાં 75 રૂપિયા અને સફાઈમાં 100નો વધારો સુચવ્યો હતો. બાદ સ્થાયી સમિતિએ બજેટમાં કેટલાક સુધારા-વધારા કર્યા છે. સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા આવતીકાલે પત્રકાર પરિષદ સામે બજેટ રજૂ કરશે. સ્થાયી સમિતિનું બજેટ કરવેરા વિનાનું હોવાનું જાણવા મળ્યું છે. લોકો ઉપર કરબોજ નાખવામાં આવ્યો નથી. આ ઉપરાંત ગ્રીન જૂનાગઢ, સ્વચ્છતા સહિતના અનેક પ્રોજેક્ટ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
- Advertisement -
ઝાંઝરડા રોડ પર નવા ફાયર સ્ટેશનની જરૂર
જૂનાગઢના ઝાંઝરડા રોડનો વિકાસ થયો છે. ઝાંઝરડા અન્ડરબ્રીજના કારણે ફાયરના વાહનોને મધુર બાયપાસ ચોકડી પરથી જવું પડે છે ત્યારે ઝાંઝરડા રોડ પર નવા ફાયર સ્ટેશનની જરૂર છે. બજેટમાં તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે પરંતુ વહેલી તકે ફાયર સ્ટેશન બને તે જરૂરી છે.