સુરતના યુવાન સામે જૂનાગઢ બી-ડીવીઝનમાં છેતરપીંડીની ફરિયાદ થઇ હતી
ઠગાઇના કેસમાં સંડોવાયેલ આરોપીને ઢોર માર માર્યો હતો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સુરતમાં રહેતા યુવાન સામે જૂનાગઢ બી-ડીવીઝનમાં છેતરપીંડીની ફરિયાદ થઇ હતી. આ કેસમાં પોલીસે હર્ષીલ લખમણ જાદવ નામના યુવાની ધરપકડ કરી હતી. બાદમાં માર ન મારવા અને કેસ સરળ કરવા તપાસનીશ પીએસઆઇ મુકેશ મકવાણાએ પાંચ લાખ રૂપિયા માંગ્યા હતા. પરંતુ યુવાન પાસે પૈસા ન હોવાથી પીએસઆઇએ તેને ઢોરમાર માર્યો હતો. જયારે ગંભીર રીતે ઇજા થતાં યુવાન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જયા તેનું સારવાર દમિયાન મૃત્યુ નિપજ્યુ હતુ. આ યુવાનને માર મારવાના કારણે પગના લીગામેન્ટ ફાટી ગયા હતા તેમજ ફ્રેકચર થઇ ગયુ હતુ. પોલીસના મારથી યુવાનને લોહીના ગઠ્ઠા જામી જઇને હૃદય, ફેફસા અને ધમની વચ્ચે ફસાઇ જતા હાલ આ યુવાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો હતો અને અંતે તેનું મોત નિપજતા પરિવારમાં શોક ફેલાયો છે. જો કે, હર્ષીલ લખમણ જાદવના ભાઇએ બી-ડીવીઝન પોલીસમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવ્યો હતો. જો કે હવે યુવાનનું મૃત્યુ નિપજતા પોલીસ હત્યાનો ગુનો નોંધી પીએસઆઇ મુકેશ મકવાણા વિરૂઘ્ધ વધુ કાર્યવાહી કરશે. આ અંગેની વધુ વિગત મુજબ, સુરતમાં રહેતા અને તનીષ્કા ટુર પેકેજનો ધંધો કરતા હર્ષીલ લખમણ જાદવ સામે જૂનાગઢ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીનો ગુનો દાખલ થયો હતો. ગત તા.9-1-24ના હર્ષીલ સામે કોઇએ અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હોવાથી તે ત્યાં ગયો હતો. ત્યાંથી બી-ડીવીઝન પોલીસે હર્ષીલનો કબ્જો મેળવ્યો હતો. બી-ડીવીઝન પીએસઆઇ મુકેશ મકવાણાએ હર્ષીલને જૂનાગઢ કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવ્યા હતા. હર્ષીલનો ભાઇ બ્રીજેશભાઇ, તેના માસા અને મામા જૂનાગઢ આવ્યા હતા. તેઓ કોર્ટથી બી-ડીવીજન પોલીસ સ્ટેશને ગયા ત્યા પીએસઆઇ મુકેશ મકવાણાએ રૂમમાં બોલાવી હર્ષીલ વિરૂઘ્ધ કેસ દાખલ થયો છે તેને સરળ કરવા અને માર નહી મારવા પાંચ લાખ રૂપીયા માંગ્યા હતા.
હર્ષીલના ભાઇ, મામા તથા માસાએ આજીજી કરતા ચાર લાખ અને છેલ્લા ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી. હર્ષીલના ભાઇએ આટલા પૈસા આપવાની અમારી પહોંચ નથી તેમ કહી ત્યાંથી નીકળી ગયા હતા તે દિવસે તેઓ જૂનાગઢમાં જ રોકાયા હતા બીજા દિવસે પોલીસ સ્ટેશન જતા હર્ષીલને મળવાની ના પાડી દીધી હતી. તે જ દિવસે હર્ષીલના ભાઇ તથા માસાને એક નંબર પરથી ત્રણ ફોન આવ્યા હતા. જેમાં હર્ષીલે પોલીસને પૈસા આપી દો નહીતર મને તકલીફ પડશે એવી વાત કરી હતી. તા.12/1/24 ના સાંજે 4/30 પાંચ વાગ્યે પીએસઆઇ મુકેશ મકવાણા તથા પોલીસ સ્ટાફ હર્ષીલને કોર્ટમાં લઇને આવ્યો હતો. તેમજ રીક્ષામાંથી ઉતરી શકતો ન હતો ત્યાં હાજર હર્ષીલના માથા પર પાટો બાંધેલ હતો. હાજર હર્ષીલના ભાઇ તથા મામાએ સહારો આપી કોર્ટમાં લઇ ગયા હતા. જજે હર્ષીલને જોઇ કહ્યુ હતુ કે શું થયુ છે ? તે ગભરાયા વગર વાત કરજે આથી, હર્ષીલે પીએસઆઇ મુકેશ મવકાણાએ દંડા અને પટ્ટા વડે માર માર્યાનું જણાવ્યુ હતુ જજે ફરિયાદ કરવાનું પુછતા હર્ષીલે હા પાડી હતી અને તેના કહ્યા મુજબ ફરિયાદ લીધી હતી. જયારે આ બનાવ સંદર્ભે જૂનાગઢ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ મુકેશ મકવાણા સામે આઇપીસી 307 અને 331 મુજબ ગુનો દાખલ કર્યો હતો. જયારે હવે હત્યાના પ્રયાસના ગુના સામે હવે પોલીસ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરશે.