જુની સિવિલ હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત મૂકવા કહ્યું હતું
ગેઇટ પર પોલીસ મૂકાઈ નથી, અસામાજીક પ્રવૃત્તિની ઉઠી હતી ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં જુની સિવીલ હોસ્પિટલનાં બિલ્ડીંગમાં અસામાજીક પ્રવૃતિઓ થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. જેના પગલે મુખ્ય જિલ્લા ન્યાયધીશે બી ડિવીઝનને અહીં બન્ને ગેઇટ ઉપર પોલીસ સુરક્ષા આપવા કહ્યું હતું. પરંતુ હજુ સુધી અહીં પોલીસ સુરક્ષા મુકવામાં આવી નથી. જૂનાગઢ પોલીસ કોર્ટનાં આદેશનો ઉલાળ્યો કર્યો છે. જૂનાગઢનાં મજેવડી દરવાજા પાસે નવી સિવીલ હોસ્પિટલ કાર્યરત થઇ છે. જેના કારણે આઝાદ ચોક પાસેની હોસ્પિટલનું ભવન ખાલી થયું હતું. અહીં કોઇ જાળવણી કે સુરક્ષાનાં અભાવે જુની સિવીલ હોસ્પિટલ ભવન ખંઢેર બની રહ્યું છે.જુની સિવીલ હોસ્પિટલનું ભવન કોર્ટ બિલ્ડીગ બનાવવા માટે આપી દેવામાં આવી છે.તેમજ અનેક અસામાજીક પ્રવૃતિઓ થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. થોડા દિવસ પહેલા જૂનાગઢનાં અમૃત દેસાઇએ આ અંગે રજુઆત કરી હતી. તેમજ ભાજપનાં પદાધિકારીઓ મંત્રીને મળી આ અંગે રજુઆત કરી હતી.
મંત્રીએ હકારાત્મક વલણ દાખવ્યું હતું. બાદ મુખ્ય જિલ્લા ન્યાયધીશ રીઝવાન બુખારી સાહેબે આ અંગે બી ડિવીઝન પોલીસને પત્ર પાઠવ્યો હતો,જેમાં કહ્યું હતું કે, જુની સિવીલ હોસ્પિટલની જગ્યા ડીસ્ટ્રીકટ કોર્ટને નવી કોર્ટ બિલ્ડીંગ બનાવવા માટે ફાળવવામાં આવી છે. હાલ ત્યાં અસામાજીક તત્વોની અવરજવર થતી હોય તેવું માલુમ પડે છે. જુની સિવીલ હોસ્પિટલમાં કોઇ ગેરકાનુની પ્રવૃતી ન થયા તેની તકેદારી માટે જૂની સિવીલ હોસ્પિટલનાં બન્ને ગેઇટ પર પોલીસ સુરક્ષા પુરી પાડશો. આ પત્ર બાદ હજુ કોઇ જ કાર્યવાહી થઇ નથી. આજે અહીં તપાસ કરતા જુની હોસ્પિટલનાં એક પણ ગેઇટ પર પોલીસ જોવા મળી ન હતી.ગેઇટ ઉપર કોઇ સુરક્ષા પુરી પાડવામાં આવી નથી.
- Advertisement -
પોલીસે પણ ચિંતિત બનવાની જરૂર છે
અમૃત દેસાઇએ કહ્યું હતુ કે, ગઇકાલે રાત્રે હું સિવિલ હોસ્પિટલ ગયો હતો. ત્યારે કોઇ પોલીસ ન હતી. જુની સિવીલ હોસ્પિટલને લઇ મુખ્ય જિલ્લા ન્યાયધીશ ચિંતીત હોય તો પોલીસે પણ ચિંતિત બનવાની જરૂર છે. અહીં પોલીસ મૂકવાનો આદેશ થયો છે, છતાં આજદિન સુધી પોલીસ મૂકવામાં આવી નથી. પોલીસ દ્વારા વહેલી તકે બંદોબસ્ત મૂકવામાં આવે તેવી માંગ છે.
અનેક વસ્તુઓની ચોરી થઇ ગઇ
જુની સિવીલમાં અસામાજીક પ્રવૃતીઓ ચાલે છે. ત્યારે અહીંનાં ભવનમાંથી અનેક વસ્તુઓની ચોરી થઇ હોવાની પણ ચર્ચા જાગી છે.ત્યારે સરકારી મિલ્કતને વધુ નુકશાન થયા તે પહેલા યોગ્ય કરવાની માંગ ઉઠી છે.
રોડની સામે જ પોલીસ સ્ટેશન
જૂનાગઢમાં આવેલી જુની સિવિલ હોસ્પિટલની બાજુમાં જ પોલીસ સ્ટેશન આવેલું છે. પરંતુ તે એ ડિવીઝન પોલીસ સ્ટેશન છે. જૂની સિવિલ બી ડિવીઝનમાં આવે છે અને આ જ કારણસર બાજુમાં પોલીસ સ્ટેશન હોવા છતાં કોઇપણ કાર્યવાહી થઇ શકતી નથી.