ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢ શહેરમાં અનેક આસામીઓ દ્વારા લાંબા સમયથી હાઉસ ટેક્ષની રકમ ભરવામાં આવી ન હતી. ત્યારે આવા આસામીઓની મિલકતોને સીલ મારવા, ટાંચમાં લેવાની કમિશનર ડો. ઓમ પ્રકાશે સૂચના અપાતા જેને પગલે ડીએમસી ડી.જે. જાડેજાના માર્ગદર્શનમાં આસિસ્ટન્ટ કમિશનર ટેક્ષ કલ્પેશ ટોલીયા, હાઉસ ટેક્ષ સુપ્રિટેન્ડેન્ટ વિરલ જોષીની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. આમ લાંબા સમયથી હાઉસ ટેક્ષ ન ભરનાર 6 મિલકત ધારકની કુલ 3,84,798 ની જગ્યા પર ઢોલ વગાડી કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ બસસ્ટેન્ડ સામે 3, જેલ રોડ પર 1 અને સુખનાથ ચોકમાં 3 મિલકતોના આસામીઓએ કુલ 1,93,103 હાઉસ ટેક્ષ ભરપાઈ કર્યો ન હતો. આથી આ 7 મિલકતોને સીલ મારી દેવાયું છે. સાથે 21 લાખની વસુલાત કરાઈ છે અને એક જ દિવસમાં શહેરની 152 મિલકતોને ટાંચમાં લેવાઇ છે. આ કામગીરી દોલતપરા ઝોનલ ઓફિસર કેયુર બાથાણી, જોષીપુરા ઝોનલ ઓફિસર નિતુબેન વ્યાસ અને ટીંબાવાડી ઝોનલ ઓફિસર ત્રિપાલસિંહ રાયજાદા દ્વારા કરવામાં આવી હતી.
જૂનાગઢ મનપાએ મિલકત વેરા મુદ્દે ઢોલ વગાડયા: 7 મિલ્કત સીલ કરી, 21 લાખની વસુલાત સાથે એકજ દિવસમાં 152 મિલકત ટાંચમાં લેવાઈ
