શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ અને દેશના જવાનો માટે પ્રાર્થના કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ લોહાણા મહાજન દ્વારા સમાજની એક પવિત્ર તેમજ પ્રાચીન પરંપરા અનુસાર 42મો ભવ્ય સમૂહ યજ્ઞોપવીત સંસ્કાર કાર્યક્રમ ઉત્સાહ અને શ્રદ્ધાભાવથી યોજાયો હતો. આ સમૂહ યજ્ઞોપવીત પ્રસંગે લોહાણા મહાજન વાડી ખાતે સમાજના 15 બટુકોએ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે આધ્યાત્મિક અને ધાર્મિક માહોલ વચ્ચે યજ્ઞોપવીત ધારણ કરી સનાતન ધર્મ તરફની પહેલનો સંસ્કાર પ્રાપ્ત કર્યો હતો ત્યારે આ પ્રસંગે બટુકોને મહાજન અને દાતાઓ દ્વારા ખાસ ભેટ સોગાત પણ આપવામાં આવી હતી.
- Advertisement -
કાર્યક્રમની શરૂઆત ગ્રહશાંતિ પૂજા અને યજ્ઞ સાથે કરવામાં આવી હતી, જેમાં સમાજના અગ્રણીઓ અને વડીલોએ હાજરી આપી. લોહાણા સમાજના પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂની અધ્યક્ષસ્થાને અને મહામંત્રી નંદલાલભાઈ ચોલેરાની માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન થયું હતું આ પ્રસંગે શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, શાસક પક્ષના નેતા મનનભાઈ અંભાણી તેમજ પૂર્વ ડે. મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ જલારામ ભક્તિધામના પ્રો. પી. બી. ઉનડકટ્ટ તેમજ પ્રદીપભાઈ ખીમાણી ઉપસ્થિત રહ્યા હતા જેનું લોહાણા મહાજન દ્વારા સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે લોહાણા મહાજનની 42 વર્ષથી યોજાતા આ સમૂહકાર્યની સૌ કોઈ ઉપસ્થિત મહેમાનોએ પ્રશંસા કરી હતી તેમજ દેશની વર્તમાન પરિસ્થિતિમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારે સમગ્ર પ્રસંગે એક ક્ષણ માટે શાંત વાતાવરણમાં દીપ પ્રજ્વલિત કરીને પ્રાર્થના કરવામાં આવી કે ભારત માતાની રક્ષા માટે હંમેશા સંઘર્ષ કરી રહેલા સૈનિકોને શાંતિ, શક્તિ અને સુરક્ષા પ્રાપ્ત થાય. આ ભાવસભર ક્ષણમાં રાષ્ટ્રગીતના ગાન સાથે દેશભક્તિનું સમર્પણ વ્યક્ત થયું. આ કાર્યક્રમને સફળ બનાવવા હિમાંશુભાઈ કારીયા, પૂજાબહેન કારીયા, પંકજભાઈ ભટેચા તેમજ લોહાણા સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી હતી.