ટુંક સમયમાં સમાજની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા અંતિમ સમય સુધી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી ન હતી કોઇ ભડકો ન થાય એ માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે વહેલી સવારે સાડા પાંચ વાગ્યે યાદી જાહેર કરી હતી અને તમામ ઉમેદવારો અને તેના ડમી ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા હતા. જેમાં ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના એક પણ ઉમેદવારને ભાજપે ટિકીટ આપી નથી.
આ અંગે જૂનાગઢ ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના આગેવાનોએ વડાપ્રધાન, મુખ્યમંત્રી, ભાજપના રાષ્ટ્રીય અને પ્રદેશ અઘ્યક્ષ, પ્રભારી સહિતનાઓને પત્ર દ્વારા નારાજગી વ્યકત કરવામાં આવી છે.
જેમાં કડિયા સમાજના એક પણ વ્યક્તિને ટિકીટ ન આપી ભાજપે સમાજને અન્યાય કર્યો છે. 2019ની ચૂંટણીમાં ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના પ્રમુખ ધીરૂભાઇ ગોહેલને અગાઉથી મેયર જાહેર કર્યા હતા અને તેઓને અમેરિકાથી બોલાવી ટિકીટ આપવામાં આવી હતી ત્યારે ભાજપને 54 બેઠક મળી હતી.
- Advertisement -
વોર્ડ નં.9,10,13 અને 14માં બહોળી સંખ્યામાં કડિયા સમાજના મતદારો છે જે મતદાર નિર્ણાયક છે. કડિયા સમાજના લોકો ભાજપ સાથે વફાદારીપૂર્વક રહે છે ત્યારે જૂનાગઢ મનપાની ચૂંટણીમાં એક પણ ટિકીટ ન આપી ભાજપે અન્યાય કરતા કડિયા સમાજમાં ભારે નારાજગી વ્યાપી છે. આ અંગે કડિયા સમાજના પ્રમુખ અને પૂર્વ મેયરના પુત્ર વિવેકભાઇ ગોહેલ જણાવ્યુ હતુ કે, વોર્ડ નં.9માં અમારા સમાજના મતદારોની સંખ્યા નિર્ણાયક છે. આ વોર્ડમાંથી મારા પિતા વિજેતા થઇ મેયર બન્યા હતા. કડીયા સમાજના પ્રમુખ તરીકે મે તેમજ અમારા સમાજના આગેવાનોએ ટિકિટ માંગી હતી. વોર્ડ નં.9માં પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર પાર્થ કોટેચાને ટિકીટ આપી છે. આ ઉપરાંત વોર્ડ નં.10,13 અને 14માં કડિયા સમાજના ઉમેદવારની ટિકીટ કાપવામાં આવી છે.