ભાજપનાં મૌન વચ્ચે હવે આમ આદમી પાર્ટીએ ડૉ. વી.પી. ચોવટિયા સામે બાંયો ચડાવી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયા સામે અનેક રજુઆત થઇ છે. ત્યારે જૂનાગઢ આમ આદમી પાર્ટીએ રાજયપાલને રજુઆત કરી તાત્કાલીક ડૉ. વી.પી. ચોવટિયાને સસ્પેન્ડ કરવા માંગ કરાઇ છે. તેની સામે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચનો 2017નો કેસ હાલ હાઇકોર્ટમાં પેન્ડીંગ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાની નિમણુંકને લઇ ભાજપ સરકારે મૌન ધારણ કરી લીધું છે.ત્યારે આમ આદમી પાર્ટીએ ડૉ. વી.પી. ચોવટિયા સામે બાયો ચડાવતા ભારે ચર્ચા જાગી છે. જેમ પાકને જીવાતો નુકસાન કરી છે તેમ હાલ કૃષિ યુનિવર્સિટીને પણ મોટું નુકસાન થઇ રહ્યું છે.
- Advertisement -
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને હજારો વિઘા જમીન નાનજી કાલદાસ મહેતાએ શુભ આશયથી આપી હતી. આ જમીનમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા અનેક સંશોધન થયા અને ખેડૂતોની આર્થીક સમૃધ્ધિ વધી છે. પરંતુ હાલ તો ખેડૂતો સંશોધન કરતા ઉચ્ચપદ ઉપર ટકી રહેવા માટે કાવાદાવા થઇ રહ્યાં છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયા નિમણુંકને લઇ વિવાદ ઉભો થયો છે. ખુદ ભાજપ સરકારના મંત્રી રાઘવજી પટેલ આ મુદે ચર્ચા કરવાની ના પાડી દીધી છે. ભાજપ સરકારનાં મૌન વચ્ચે આમ આદમી પાર્ટીએ મેદાનમાં ઝંપલાવ્યું છે અને રાજયપાલને રજુઆત કરી દીધી છે. તેમજ કુલપતિ ચોવટિયાને તાત્કાલીક સસ્પેન્ડ કરવા માંગ કરી હતી. આમ આદમી પાર્ટીનાં જિલ્લા પ્રમુખ ભાવેશ કાતરીયાએ કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે,હાલમાં નિમણુંક પામેલા કુલપતિ સામે ખુબ જ ગંભીર પ્રકારનાં આરોપ લાગેલા છે. તેના પુત્રની ભરતી ગેરકાનુની જે.એ.યુ. રૂલ્સને નેવે મુકીને થયેલ જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢનો વર્ષ 2017નો કેસ હાલ હાઇકોર્ટમાં પેન્ડીંગ છે. તેમજ વેરાવળ ખાતે ફીશરીઝ કોલેજની યુનિવર્સિટી હસ્તકની જમીનમાંથી એક પ્રાઇવેટ કંપનીને રસ્તો કાઢી આપવા માટે પણ કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયા સામે આક્ષેપ થયા છે. આ બધી બાબતોથી કૃષિમંત્રી રાઘવજી પટેલ સુપેરે છે. જેમ પાકને જીવાતો નુકસાન કરી નાશ પમાડે છે. આ યુનિવર્સિટીએ ખેડૂતોની સમૃધ્ધિ માટે અનેક સંશોધનો કર્યા છે અને યુનિવર્સિટીએ મહત્વનું યોગદાન આપ્યું છે.તેવી આ યુનિવર્સિટીને મોટું નુકસાન થઇ રહ્યું છે. તેથી તાત્કાલીક અસરથી કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાને સસ્પેન્ડ કરવાની માંગ છે.
વિવાદાસ્પદ લોકોથી થતા સંશોધનમાં વિશ્ર્વસનિયતા કેટલી?
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાની નિમણુંકને લઇ સરકાર એક શબ્દ બોલતી નથી. આમ આદમી પાર્ટીએ રજુઆતનાં અંતે સવાલ ઉઠાવ્યાં હતાં કે, આવા મહાનુભવોથી થતી આગામી ભરતીઓ અને સંશોધનોની વિશ્ર્વસનીયતા કેટલી? તે પણ એક સવાલ છે. માટે આવા અધિકારીને તાત્કાલીક ધોરણે છુટા કરી દેવા જોઇએ.