જૂનાગઢ જિલ્લામાં ગરીબોનું અનાજ ખાઈ જનારા સામે તંત્રની તવાઈ
જિલ્લામાં રૂ. 5.44 લાખનો અનાજનો જથ્થો સીઝ કરતુ તંત્ર: આગામી સમયમાં ઘરે ઘરે જઈને તવાઈ બોલવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
જૂનાગઢ કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલકુમાર રાણાવસિયાને બાતમી મળેલ કે, કેટલાક તત્વો જિલ્લામાં સરકારી અનાજની કાળાબજારી કરે છે અને સસ્તા અનાજની દુકાને મળતું અનાજ દુકાનેથી વિતરણ થઈ ગયા પછી ઘરે-ઘરે જઈ અને એકત્રિત કરી ગેરકાયદેસર અનાજના વેપારીઓ તથા આટા મિલ અને માર્કેટિંગ યાર્ડમાં વેચી નાખે છે અને તેના આધારે સૂચના મળેલ હતી કે, આવા વધુમાં વધુ કેસો શોધી કાઢવામાં આવે અને આ સમગ્ર સિસ્ટમ તોડી પાડવામાં આવે તે માટે નિવાસી અધિક કલેક્ટર એન.એફ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી ચરણસિહં ગોહિલ અને તેમની ટીમ દ્વારા સવારથી જ વોચ ગોઠવવામાં આવી હતી અને આ વોચના આધારે ઘરે-ઘરે ફરી અને સરકારી અનાજ વેચાતું મેળવી અને ગોડાઉન ધારકોને વેચી અને બારોબાર વેચી નાખવાનો ધંધો કરતા એક ઈસમને પકડી પાડેલ હતો.જેની સઘન તપાસ કરી અને આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા કલેકટરને બાતમી મળેલી હતી કે, કેટલાક ગેરકાયદેસર તત્વો સરકારી અનાજની દુકાને મળતું અનાજ વિતરણ થયા પછી ઘરે-ઘરે જઈ અને આ અનાજ વેચાતું લઈ અને તે અનાજની કાળા બજારી કરે છે. આ બાબતે સવારથી જ પ્રાંત અધિકારીના માંર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને આવા એક શખ્સને પકડી લેવામાં આવ્યો હતો. આ ઈસમ પાસેથી છકડોમાં રીક્ષામાથી રૂ. 2374ની કિંમતની બે બોરી ઘઉં ( 91.320 કિલો) તથા રૂ. 4753 કિંમતના ચોખાની 3 બોરી (121.8 કિલો) સીઝ કરવામાં આવેલ છે. તેઓ કઈ રીતે આ તમામ રેકેટ ચલાવે છે તેની તમામ માહિતી મળી ગયેલ હતી. આ માહિતીના આધારે તેઓ જે ગોડાઉન ધારકોને અનાજ વેચે છે, તેમના સ્થળે જઈ અને રેડ કરવામાં આવી હતી અને આવા બે ગોડાઉન પાદરીયા ગામે પકડી પાડવામાં આવ્યાં હતા. જેમાં મોટા પાયે સરકારી અનાજનો જથ્થો મળી આવેલ હતો.
- Advertisement -
પાદરીયા ગામમા 2 અનાજના ગોડાઉનમા રેડ કરતા એક ગોડાઉનના માલીક સોહીલ રફીકભાઇ મહીડા નામના ઇસમ આ ગડાઉન ભાડે રાખી ફેરીથી અનાજ ખરીદી કરતા છકડા રીક્ષા વાળા પાસેથી માલ મેળવતા હોવાનુ અને સંગ્રહ કરી યાર્ડ અને આટા મીલોમા વેચાણ કરતા હોવાની કબુલાત આપી હતી. તેમજ ત્રણ છકડો રીક્ષાઓ પડેલી જોવા મળી હતી. આ ગોડાઉનમાંથી અંદાજે રૂ.88663 કિંમતના ઘઉંની 58 બોરી (3410 કિલો), તથા રૂ.191663 કિંમતના ચોખાની 89 બોરી (4914 કિલો) સીઝ કરવામાં આવ્યો હતો. તેમજ બીજા ગોડાઉન માલિક વસીમ રજાક ચૌહાણ પાસેથી રૂ.97500 કિંમતના ઘઉંની 75 બોરી(3750 કિલો) તથા રૂ.159900 કિંમતના ચોખાની 82 બોરી (4100 કિલો) સીઝ કરવામાં આવેલ છે. આ ઉપરાંત કુલ ચાર જેટલી છકડો રીક્ષા પણ પકડી અને મુદ્દા માલ સ્વરૂપે ડીટેઇન કરવામાં આવેલ હતી. ઘરે ઘરે જઈને જે લોકો ફેરીયાને માલ વેચે છે. આવા લોકોના ઘરે આ ફેરીયાઓને સાથે રાખીને આગામી સમયમાં તપાસ કરવામાં આવશે અને જે લોકો આવા ફેરિયાઓને માલ વેચી દેતા માલૂમ પડશે તેમને આ અનાજની જરૂરિયાત નથી, તેમ સમજી અને તેમના રેશનકાર્ડ રદ કરવાની કાર્યવાહી ઝુંબેશના ધોરણે કરવામાં આવશે.
આ કામગીરીમાં નાયબ મામલતદાર સર્વ નીતિન ઝાલા, યોગેશભાઇ ચાવડા, પારૂલબેન સાંગાણી, દીપેનભાઇ જેઠવા, ધર્મેશભાઇ સોનારા, પરેશભાઇ હડીયા, લાલાભાઇ ચાંડેરા સર્કલ ઓફિસર જે. બી. હુંણ, કારકૂન અજયભાઇ પરમાર, કારકૂન સાગરભાઇ પોપટ રેવન્યુ તલાટી સર્વ આનંદભાઇ કાબા, ધવલભાઇ વ્યાસ, જસ્મીનભાઇ ચાવડા અને દીપભાઇ ભટ્ટ ફરજ બજાવી હતી.
કઈ રીતે બરોબર અનાજ વેચવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે
જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સરકારી અનાજ વ્યાજબી ભાવની દુકાને વિતરણ કરવામાં આવતું હોય છે આવું અનાજ રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવે છે. ત્યારબાદ છકડો રીક્ષા લઈને ફરતા ફેરી આવો આવું અનાજ જેમણે મેળવી લીધું છે અને જેમને જરૂર નથી તેવા લોકોના ઘરે ઘરે જઈ અને આ અનાજ એકત્રિત કરી ઓછી કિંમતે ખરીદ કરે છે અને તેમાં કેટલીક કિંમત વધારી અને અને ગેરકાયદે ગોડાઉન ધારકો, આટા મિલો કે માર્કેટિંગ યાર્ડમાં વેચી નાખે છે.