ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
જૂનાગઢના સુપ્રસિદ્ધ ભવનાથ મહાદેવ મંદિરમાં મહંતની નિયુક્તિને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. વર્તમાન મહંત હરીગીરીની મુદત આગામી 31 જુલાઈએ પૂર્ણ થઈ રહી છે, ત્યારે ગુરુ-શિષ્ય પરંપરા મુજબ નવા મહંતની વરણી થાય તેવી માંગ સાથે બે સાધુઓએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે.
મુચકુંદ ગુફાના મુકેશ ગીરી ગુરુ કમલાનંદજી અને રાજુગીરી ગુરુ કમલાનંદજીએ એક વિડીયો બહાર પાડીને પોતાની વ્યથા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે, આગામી 31મી તારીખે અત્યારના મહંત હરીગીરીની મુદત પૂર્ણ થાય છે. હરીગીરી પાસે પૈસા અને પાવર બંને છે, જ્યારે અમે લોકો ગુરુ-શિષ્ય પરંપરા મુજબના છીએ. છેલ્લા દસ વર્ષથી અમે ખૂબ જ પરેશાન થઈ રહ્યા છીએ. જો આગામી સમયમાં અમારા પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિની મહંત તરીકે વરણી નહીં થાય તો અમે ભવનાથ મંદિરની સામે જ આત્મવિલોપન કરીશું. તેમણે આત્મવિલોપનની સંપૂર્ણ જવાબદારી જૂનાગઢ વહીવટી તંત્રની રહેશે તેમ પણ ભારપૂર્વક જણાવ્યું છે.
જૂનાગઢ ભવનાથ મંદિરમાંથી સંબંધિત પરિવારના આ બે સંતોએ તંત્ર ઉપર ભારે બળાપો કાઢ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે, હવે પછી નિયમ વિરુદ્ધ કોઈપણ સંતની નિમણૂક કરવામાં આવશે તો જોવા જેવી થશે. અગાઉ હરીગીરીએ પૈસા અને પાવરના જોરે ભવનાથ મંદિરનું મહંત પદ લઈ લીધું હતું. પરંતુ હવે ગુરુ-શિષ્ય પરંપરા મુજબ અમારા પરિવારમાંથી જ કોઈ પણ મહંતની નિમણૂક થવી જોઈએ તેવી અમારી માંગ છે. આ ગંભીર ચીમકીને પગલે જૂનાગઢ વહીવટી તંત્રમાં હડકંપ મચી ગયો છે. સંતોની માંગ અને આત્મવિલોપનની ચીમકીને કારણે ભવનાથ મંદિરના મહંત પદના મુદ્દે નવો વળાંક આવ્યો છે. આગામી 31 જુલાઈ સુધીમાં આ વિવાદનો શું ઉકેલ આવે છે, તે જોવું રહ્યું.
જૂનાગઢ ભવનાથ મંદિર વિવાદ વકર્યો: પરિવારના સંતોએ આત્મવિલોપન કરવાની ચીમકી આપી



