દાગીનાનો ઘાટ જોવા માટે દુનિયાભરના જ્વેલર્સ રાજકોટ પહોંચશે
ખીલ્લીના ઉત્પાદનથી શરૂ થયેલી ઔદ્યોગિક સફર ડિફેન્સ ઇક્વિપમેન્ટ સુધી પહોંચી
- Advertisement -
વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સથી વૈશ્વિક ઓળખ મળશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત સરકાર દ્વારા મહેસાણા બાદ હવે રાજકોટમાં ’વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે સૌરાષ્ટ્ર અને કચ્છના ખજખઊ ઉદ્યોગો તેમજ પ્રવાસન ક્ષેત્રને વૈશ્વિક મંચ પૂરો પાડશે. આ કોન્ફરન્સમાં 30 દેશોના જ્વેલર્સ અને 350થી વધુ વિદેશી ડેલિગેટ્સ ભાગ લેવાના છે, જે અંતર્ગત પ્રથમ વખત વિદેશી સેલર્સ અને બાયર્સ રાજકોટની અલગ અલગ 18 ફેક્ટરીની મુલાકાત લઈ જ્વેલરીનું કાસ્ટિંગ ડિઝાઈન-હેન્ડ જ્વેલરી નિહાળશે. જેનાથી રાજકોટના ઘરેણાંને વૈશ્વિક ઓળખ પણ મળશે. આઝાદી પૂર્વે લેથ મશીન અને ખીલીના ઉત્પાદનથી શરૂ થયેલી રાજકોટની ઔદ્યોગિક સફર આજે લક્ઝુરિયસ કારના પાર્ટ્સથી લઈને ફાઇટર પ્લેન અને ડિફેન્સ ઇક્વિપમેન્ટ સુધી પહોંચી છે, ત્યારે આ સમિટ દ્વારા આગામી સમયમાં એરો સ્પેસ, ઓટોમોબાઈલ અને કાસ્ટિંગ ક્ષેત્રે કરોડોના રોકાણ અને લાખો નવી રોજગારીની તકો સર્જાશે તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે.
- Advertisement -
રાજકોટની બેરિંગ ઇન્ડસ્ટ્રી દુનિયા આખીને હંફાવી રહી છે
રાજકોટ એ ઓટોમોબાઇલ ક્ષેત્રમાં, ઇલેક્ટ્રિકલ વાહન પાર્ટ્સ બનાવવામાં, મોટર ઇલેક્ટ્રિક પાર્ટ્સમાં, તમામ પ્રકારના પમ્પ બનાવવામાં આગળ વધી રહ્યું છે. આપણી બેરિંગ ઇન્ડસ્ટ્રી દુનિયા આખીને હંફાવી રહી છે, એ જ રીતે એન્જિન વાલ્વ, એન્જિનના મોટા ભાગના પાર્ટ્સ તેમજ ફોર્જિંગ ફાઉન્ડરી આખી દુનિયામાં વિખ્યાત બની ચૂકી છે. આખા ભારતમાં ઓટોમોટિવ એક્સેલ માટે એક કંપની કાર્યરત છે અને હવે બીજી કંપની રાજકોટમાં બનવા જઈ રહી છે.
રાજકોટમાં લક્ઝુરિયસ કારથી લઈને ફાઇટર પ્લેનના પાર્ટ્સનું ઉત્પાદન
એક સમયે રાજકોટ ખીલીના મશીનનું ઉત્પાદન અને નિકાસ કરતું હતું. આજે એ જ રાજકોટમાં મોંઘીદાટ લક્ઝુરિયસ કારથી લઈને ફાઇટર પ્લેનના પાર્ટ્સનું પણ ઉત્પાદન કરી રહ્યું છે. 1941-42માં રાજકોટમાં પ્રથમ ‘લંડન લેથ મશીન’ હંસરાજભાઈ વાલંભિયાએ વસાવ્યું હતું. આ પહેલા એક ફૂટ ઓપરેટેડ નાનો લેથ સાંગણવા ચોકમાં હતો, જેમાં સોઈંગ મશીનના પાર્ટનું રિપેરિંગ થતું હતું. ત્યારબાદ 1946માં વાયર પ્રોડક્ટ કંપની રવિભાઈ વાંકાણી દ્વારા સ્થાપવામાં આવી અને આ કંપનીએ ખીલી બનાવવાના મશીનો જાતે બનાવ્યા અને તેની વિદેશમાં નિકાસ પણ શરૂ કરી હતી.



