રેતીનું ગેરકાયદે ખનન કરી વૉશ પ્લાન્ટ ચલાવતા હોવાની રાવ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
ધ્રાંગધ્રા પંથકમાં ગેરકાયદેસર રેતીનું ખનન તંત્ર દ્વારા બંધ થાય તેવા પ્રયત્ન હાથ નહિ ધરતા હવે દર વર્ષે વધુ ખનન પ્રક્રિયા શરૂ થતી હોવાનું નજરે પડે છે. જેમાં આ વર્ષે ધ્રાંગધ્રા તાલુકામાં જ વધુ ત્રણથી ચાર નવા ગેરકાયદેસર વોશ પ્લાન્ટ શરૂ થયા છે. તેમના એક ધ્રાંગધ્રાના જેગડવા ગામે પણ ગેરકાયદેસર રેતીનું ખનન શરૂ થયું છે. જેગડવા ગામે રેતીનું ગેરકાયદેસર ખનન કરી બાદમાં વોશ પ્લાન્ટ મારફતે રેતી વોશ કરી વાહનો મારફતે હેરફેર કરવામાં આવે છે. ગામના સીમ વિસ્તારમાંથી જે.સી.બી મારફતે ગેરકાયદેસર રેતી લઇ આવી વોશ પ્લાન્ટમાં રેતી અને માટીનો ભાગ અલગ કરી બાદમાં વાહનો મારફતે બાંધકામના કામ અર્થે ઓર્ડર મુજબ વેચાણ થાય છે. મફતમાં ગેરકાયદેસર ખનન કરી રેતી કાઢી તેને વોશ કરવાની પ્રક્રિયા કરી એક રૂપિયા 14થી 15 હજાર પ્રતિ ડમ્ફર વેચાણ થાય છે ત્યારે ખનિજ માફીયાઓ દ્વારા જેગડવા ગામે ગેરકાયદેસર રેતી ખનન કરતા અહીંના પર્યાવરણને ખૂબ જ નુકશાન થઈ રહ્યું છે ને સાથે જ જમીનમાં રહેલા પાણીના તર પણ ઊંડા ચાલ્યા જાય છે જેના લીધે ખેડૂતોને પોતાના વાવેતરમાં પાણી માટે પારાવાર મુશ્કેલી પડે છે. આ તરફ સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગના અધિકારી ઇન્ચાર્જ હોવાથી નીચેના કર્મચારીઓ પણ લીલાલહેર કરતા હોવાનો આક્ષેપ થયો છે ગેરકાયદેસર ખનનની રજૂઆત બાદ પણ ખનિજ વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી જેને લઇ ખનિજ વ્હભગ સમયે પણ રોષ નજરે પડે છે ત્યારે જેગડવા ગામે ચાલતા રેતીના વોશ પ્લાંતને તાત્કાલિક બંધ કરવા માંગ ઉઠવા પામી છે.