‘ખાસ-ખબર’ સાથે પોતાના જીવનની યાદગાર ક્ષણોને તાજી કરતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન
હું કર્મોના સિદ્ધાંતોમાં માનું છું
- Advertisement -
કોરોના કાળમાં મૃતકોના અગ્નિદાહ સમયે કોઈ સ્વજન સાથે ન હોવાનું દુ:ખ – જયેશ બોઘરા
કર્મના સિદ્ધાંતોમાં વિશ્ર્વાસ ધરાવતા અને એક સામાન્ય પરિવારમાંથી આવતા અને સૌરાષ્ટ્રના સૌથી મોટા વ્યાપારી પીઠા એવા રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેનનો તાજ જેના શિરે છે તેવા જયેશ બોઘરાએ ‘ખાસ-ખબર’ સાથે તેમના જીવન વિશે થોડી ઘણી ગૂફતગુ કરી હતી. જેટલું કહીએ તેટલું ઓછું છે જયેશ બોઘરા વિશે. એક સામાન્ય પરિવારમાંથી આવતા અને ખેડૂતપુત્ર જયેશ બોઘરાએ આજે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.
માર્કેટિંગ યાર્ડમાં જયેશ બોઘરાનો દબદબો છે. જેની ચર્ચા અનેકના મોંઢે થતી હોય છે. ચેરમેન જયેશ બોઘરાએ તા. 2-12-2021થી ચાર્જ સંભાળ્યો છે. વર્તમાન ચેરમેન જયેશ બોઘરાના શાસન દરમિયાન માર્કેટ યાર્ડની આવક 25 કરોડથી વધારીને 37 કરોડ સુધી લઈ જવામાં આવી છે જેથી અંદાજિત 11 કરોડ જેટલી આવકનો વધારો કરવામાં આવ્યો છે.
હવે તમને જણાવીશું જયેશ બોઘરાના જીવન વિશેની થોડી ઘણી રસપ્રદ વાતો. યુવા ચેરમેન જયેશ બોઘરા પોતાના વ્યવસાય ઉપરાંત ઘર-પરિવાર તેમજ ગાયો સાથે પોતાની પળો માણતા હોય છે. જયેશ બોઘરાનો જન્મ રાજકોટના રામનગર ખાતે તા. 9-7-1981ના રોજ એક સામાન્ય પરિવારમાં થયો હતો. પરિવારમાં માતા-પિતા બે ભાઈ અને એક બહેન છે. જયેશ બોઘરાએ પ્રાઈવેટ નહીં પરંતુ સરકારી શાળામાં શિક્ષણ મેળવ્યું છે.
- Advertisement -
તેમનું કહેવું છે કે સરકારી શાળામાં પણ અભ્યાસ કરીને આગળ વધી શકાય છે. પ્રાઈવેટ જેટલું જ અથવા એથી પણ ઘણું સારું સરકારી શાળાનું શિક્ષણ હોય છે. તેમના માતા હજુ પણ ખેતી કરે છે. જયેશ બોઘરા અનેક સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. અનેક જવાબદારીઓ નાની વયે ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યા છે. જયેશ બોઘરાએ રામનગરની પ્રા. શાળામાં, ત્યારબાદ આલ્ફ્રેડ રાજકોટ અને કોલેજ પી.ડી. માલવિયા કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે. કક.ઇ., અખઙ લો કોલેજમાં કર્યું છે. હાલમાં તેઓ રામનગર- ન્યારી ડેમના સરપંચ, એડવોકેટ સાથે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે તેમજ 2006થી તેઓ વકીલાત કરે છે. જયેશ બોઘરા રાજકોટ બાર એસો.ના ખજાનચી, 2014માં ટ્રેઝરર અને 2016માં ઉપપ્રમુખની જવાબદારી સંભાળી હતી. આ ઉપરાંત તેઓ લોધીકા તાલુકા ભાજપ પ્રભારી અને બજાર નિયંત્રણ સંઘના સહમંત્રી તેમજ એગ્રીકલ્ચર કૃષિ બોર્ડના ડિરેકટર છે.
તમારું ફેમીલી બેકગ્રાઉન્ડ શું છે?
જવાબ: હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું. ખેડૂત પરિવારનો દીકરો છું. મારા માતા હજુ પણ ખેતી કરે છે અને મને પણ ખેતીનો ખૂબ જ શોખ છે.
તમને ગમતું ભોજન ક્યું છે?
જવાબ: મને દેશી ભાણું ખૂબ જ ભાવે છે. સૌથી વધુ પ્રિય બાજરીનો રોટલો અને રીંગણાનો ઓળો. જે મારું મનપસંદ ભોજન છે.
યાદગાર ક્ષણોમાં ગમતી પ્રવૃત્તિ કઈ છે?
જવાબ: ગાયોની દેખરેખ રાખવી, ગૌશાળામાં સમય વીતાવવો ખૂબ જ ગમે છે તેમજ 38 વર્ષ કે ગામડામાં રહીને સાદુ જીવન વિતાવ્યું એ હજુ પણ યાદ આવે છે.
રાજકારણમાં આદર્શ કોણ છે?
જવાબ: મારા માટે લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા આદર્શ છે. નરેન્દ્ર મોદીની લોકો માટે કામ કરવાની પ્રવૃત્તિ મારા માટે પ્રેરણારૂપ છે.
તમારો અંગત શોખ શું છે?
જવાબ: મને બાય રોડ મુસાફરી કરવી ખૂબ જ ગમે છે. ખાસ કરીને હું ફરવા મારા પરિવાર અને મિત્રો સાથે જાઉં છું.
આસ્થા કોના પર છે?
જવાબ: મને કર્મ પર આસ્થા છે. પ્રામાણિકતાથી કામ કરો તો તમને તેનું ફળ ચોક્કસથી મળશે. મેં ખેડૂતો માટે જે નીતિથી કામ કર્યું છે તેનું ફળ મને મળ્યું છે.
યાદગાર પ્રસંગ ક્યો છે?
જવાબ: એક વૃદ્ધ દંપતિનો કેસ આવ્યો હતો. મેં એ કેસ લડી એ વૃદ્ધ દંપતિને તેમના દીકરીઓ પાસેથી ભરણપોષણ ઓર્ડર કરાવ્યો અને દીકરાઓએ પચાવી પાડેલી જમીન પાછી અપાવી હજુ યાદ છે એ ક્ષણ તેમજ રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતે વડાપ્રધાન સાથેની પહેલી મુલાકાત ખૂબ જ યાદગાર પ્રસંગ રહ્યો અને કેદારનાથ દર્શન કરવા ગયા એ ક્ષણ પણ મારા માટે ખૂબ જ યાદગાર છે.
જીવનનો ખરાબ પ્રસંગ ક્યો?
જવાબ: કોરોના સમયે સ્મશાનમાં રહીને 200 બોડીને અગ્નિદાહ આપ્યો, પરંતુ આવા સમયે કોઈ સ્વજન અહીં હાજર રહેતું નહીં, દુ:ખ એ વાતનું થયું કે કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિ પાસે તેના કોઈ સ્વજનો આવતા નહીં. કોઈ કોઈનું નથી તેવો ખરાબ અનુભવ મને કોરોના સમયમાં થયો હતો. તેમજ બીજી વાત એ પણ યાદ આવે છે કે કેદારનાથ દર્શન કરવા ગયો હતો, દર્શન કરીને પરત થયો એના બીજા જ દિવસે હોનારત થઈ હતી.
હવે આ હતી જયેશ બોઘરાની જીવન વિશેની ખાટી-મીઠી ચર્ચાઓ. હંમેશા કર્મના સિદ્ધાંતો પર ચાલનારા અને કર્મ પર વિશ્ર્વાસ કરનાર જયેશ બોઘરાએ નાની વયે ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે.