ભાજપે કોંગ્રેસને રામમંદિર વિરોધી ગણાવતાં હોબાળો થયો
કેકેવી ચોક પાસે નિર્માણ પામેલા ડબલડેકર બ્રિજને શ્રીરામ બ્રિજનું નામકરણ કરાયું: બોર્ડમાં મૂકાયેલી દરખાસ્તને મંજૂર આપતાં સ્ટે. ચેરમેન જયમીન ઠાકર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આજરોજ રાજકોટ મનપાની જનરલ બોર્ડની બેઠક મળી હતી. આજની જનરલ બોર્ડમાં 20 દરખાસ્તોને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા મંજૂર કરવામાં આવી હતી. લોકોના પ્રશ્ર્ને નહીં પરંતુ રામમંદિર મુદ્દે હોબાળો થયો હતો. જો કે આજની બોર્ડમાં પહેલો પ્રશ્ર્ન વોર્ડ નં. 10ના કોર્પોરેટર નરેન્દ્રસિંહ વાઘેલાનો હતો પરંતુ અહીં તો થોડા સમય માટે જનરલ બોર્ડ તોફાની બની ગયું હતું.
આજના જનરલ બોર્ડમાં પ્રજાના પ્રશ્ર્નોની ચર્ચા નહીં પરંતુ ટાઈમ પાસ થતો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. જનરલ બોર્ડમાં જયશ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા. વિપક્ષો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. ભાનુબેન સોરાણીએ જનરલ બોર્ડમાં પ્રજાના મુદ્દાની ચર્ચા બદલે ટાઈમ પાસ કરવામાં આવે છે તેવો આક્ષેપ કર્યો હતો, તો વળતા જવાબમાં ભાજપે કોંગ્રેસને રામમંદિર વિરોધી ગણાવ્યો હતો.

આજની જનરલ બોર્ડમાં રાજકોટના કાલાવડ રોડ પર કેકેવી ચોક પાસે નિર્માણ પામેલા ડબલડેકર બ્રિજને શ્રીરામ બ્રિજનું નામકરણ કરવામાં આવ્યું છે. મનપાની જનરલ બોર્ડમાં સ્ટે. કમિટીના ચેરમેન જયમીન ઠાકર દ્વારા મૂકાયેલી દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી અને આ દરખાસ્તને અનુમોદન આપી તમામ સભ્યોએ વધાવી લેતાં જયશ્રી રામના નારાથી આજના જનરલ બોર્ડમાં સર્વાનુમતે ઠરાવને પસાર કરવામાં આવ્યો હતો.
તા. 22ના રોજ સોમવારે સવારે 10 વાગ્યે ભાગવત કથાકાર પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે નામકરણ અનાવરણ વિધિ યોજવામાં આવશે. આ તકે મેયર નયનાબેન પેઢડીયા, કેબિનેટ મંત્રી ગુજરાત રાજ્ય ભાનુબેન બાબરીયા, મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ધારાસભ્ય ઉદય કાનગડ, રમેશ ટીલાળા સહિતના શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો હાજરી આપશે.



