મહામારી સમયે પણ જૈન વિઝન સંસ્થાએ પીછેહઠ કરી નથી અને ગુજરાતમાં પ્રથમવાર એવું કાર્ય કરી બતાવ્યું છે જેની નોંધ દેશ-દુનિયામાં લેવાઈ રહી છે
કિન્નર આચાર્ય
કોરોનાએ ઘણાં લોકોનો અસલી ચહેરો આપણને દેખાડી દીધો. લોકોની મજબૂરીનો લાભ લેવાનું, નફાખોરી કરવાનું આવા કપરાં કાળમાં પણ કેટલાક લોકો ભૂલ્યા નથી. દવાથી લઈ ને સેનિટાઈઝર અને ઓક્સીમીટરથી માંડી ને માસ્ક સુધીની અગણિત વસ્તુના કાળા બજાર આપણે જોયા. મુખ્ય મુદ્દો વૃત્તિ છે. જેની નિયત-વૃત્તિ શુભ છે, એવા લોકોએ આવા સમયે પણ સેવા કરવાનું વ્રત લીધું છે. એ ભેખધારી છે, રાજકોટનાં મિલન કોઠારી અને તેમની ટીમ.
કોરોનાગ્રસ્ત દર્દીઓને સરકાર તરફથી સરકારી હોસ્પિટલમાં નિ:શુલ્ક સારવાર મળી રહે છે પરંતુ કોરોના વાયરસવાળા દર્દીના સંપર્કમાં આવેલા લોકો તેમજ કોરોના વાયરસની સારવારમાંથી સાજા થયેલા લોકોને અમુક દિવસો સુધી ક્વોરેન્ટાઈન થવું પડતું હોય છે. આ ક્વોરેન્ટાઈન પીરીયડ અંદાજીત એકથી બે અઠવાડિયાનો હોય છે. એમાં પણ ક્યારેક એક જ પરિવારના એક કરતા વધુ સભ્યોને ફરજીયાત ક્વોરેન્ટાઈન થવું પડતું હોય છે. તેના માટે સરકાર દ્વારા સમરસ હોસ્ટેલ સહિત સરકારી ક્વોરેન્ટાઈન સેન્ટર ચાલી રહ્યા છે આમ છતાં સરકાર અને સમાજને ઉપયોગી થવાના હેતુસર જૈન વિઝનના સંયોજક મિલનભાઈ કોઠારીએ છેલ્લા દોઢ મહિનાથી કોરોના મહામારીને અનુલક્ષીને હોમ ક્વોરેન્ટાઈન થવા માટે 200 બેડની વ્યવસ્થા રાજકોટના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલોમાં નોવા હોટલ્સના સહયોગથી ઉભી કરી છે જેને નામ આપ્યું છે – શ્રી મહાવીર હોમ ક્વોરેન્ટાઈન સેન્ટર.
- Advertisement -
રાજકોટની શિરમોર સેવાભાવી જૈન સંસ્થા જૈન વિઝન દ્વારા સામાજીક, ધાર્મિક સહિતની વિવિધ પ્રવૃતિઓ સમગ્ર વર્ષ દરમિયાન સતત ચાલતી જ રહેતી હોય છે. કોરોના વૈશ્વિક મહામારી સમયે પણ આ સંસ્થાએ પીછેહટ કરી નથી અને સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર એવું કાર્ય કરી બતાવ્યું છે જેની નોંધ દેશ-દુનિયામાં લેવાઈ રહી છે. જૈન વિઝન સંસ્થા રાજકોટ દ્વારા ક્વોરેન્ટાઈન થવા પડતા લોકોને મદદરૂપ બનવા અનોખી સેવાનો પ્રકલ્પ જૈન વિઝનના પ્રયોજક મિલનભાઈ કોઠારી અને સહ પ્રયોજક ભરતભાઈ દોશીએ શરૂ કર્યો છે. ખાનગી હોટલ ચેઈન નોવા સ્ટાર સાથે ટાઈઅપ કરી જૈન વિઝન દ્વારા શહેરના જાગનાથ પ્લોટ, મોટી ટાંકી ચોક, માલવીયા ચોક અને રાજેશ્રી હોટેલ સામે આવેલી નોવા સ્ટાર હોટેલમાં પેઈડ ફેસેલિટીમાં ક્વોરેન્ટાઈન થવા માગતા લોકોને નહીં નફો નહીં નુકસાનના દરે માત્ર રૂપિયા અગિયારસોમાં ક્વોરેન્ટાઈન ફેસેલિટી શરૂ કરી છે અને આ સેવા છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહી છે, વખણાય રહી છે અને એની બહુ બધી નોંધ પણ લેવાઈ રહી છે.
જૈન વિઝન રાજકોટ દ્વારા સંચાલિત શ્રી મહાવીર હોમ કવોરેન્ટાઈન સેન્ટરમાં જૈન તથા અન્ય જ્ઞાતિના લોકોને જેમના ઘરમાં યોગ્ય ક્વોરેન્ટાઈન વ્યવસ્થા ન હોય તેમના માટેની વ્યવસ્થા તદ્દન વાજબી ભાવે કરી આપવામાં આવે છે. જૈન વિઝન સંચાલિત શ્રી મહાવીર હોમ ક્વોરેન્ટાઈન સેન્ટરમાં પ્રતિ દિવસ પ્રતિ વ્યક્તિને માત્ર રૂા. 1100માં તમામ સુખસુવિધા ધરાવતો એ.સી. રૂમ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. હવાઉજાશવાળા આ રૂમમાં જ એટેચ બાથરૂમ છે. માત્ર 1100 રૂપિયા પ્રતિ દિવસ, પ્રતિ વ્યક્તિને રહેવા ઉપરાંત જમવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેમાં સવાર, બપોર, સાંજ અને રાત શુદ્ધ, સાત્વિક ગરમાગરમ જૈન ભોજન આપવામાં આવે છે. આ સિવાય દિવસમાં બે પ્રકારના ફળ ચા, કોફી, દૂધ, ઉકાળો, લીંબુ પાણી, ગરમ પાણી વગેરે આપવામાં આવે છે. બાન લેબ્સનું હળદર-કેસરયુક્ત દૂધ અને બાન લેબ્સની ગ્રીન ટી પણ દિવસમાં ગમે તેટલી વાર માંગો એટલે હાજર થાય. રૂમમાં ગરમ ચા, કોફી, પાણી, દૂધ ગમે ત્યારે પી શકાય એ માટે થરમોસથી લઈ નાશ લેવાના મશીન વગેરેની સુવિધા પણ રાખવામાં આવી છે. આ સાથે જ 24 કલાક ડોક્ટર અને નર્સની સુવિધા, સેનેટાઈઝર, માસ્કની પણ વ્યવસ્થા જૈન વિઝન રાજકોટ દ્વારા સંચાલિત શ્રી મહાવીર હોમ ક્વોરેન્ટાઈન સેન્ટરમાં ઉપલબ્ધ છે.
જેઓ ખાનગી રીતે પેઈડ ફેસેલિટીમાં ક્વોરેન્ટાઈન થવા માગતા હોય અને ઘણી વખત હોટલના ઉંચા ભાડા પરવડતા ન હોય તેવા લોકો માટે જૈન વિઝન રાજકોટ સંચાલિત શ્રી મહાવીર હોમ ક્વોરેન્ટાઈન સેન્ટર કોરોના મહામારીમાં સ્વસ્થ્ય, સુરક્ષિત અને સાવચેત રહેવા માટેનું શ્રેષ્ઠ સરનામું છે. માત્ર 1100 રૂપિયામાં આ પ્રકારનો સેવા પ્રકલ્પ સૌરાષ્ટ્ર નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્રથમ છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં કેટલાંય સ્થળે ચાર્જેબલ ક્વોરેન્ટાઈન સેન્ટર ચાલે છે જ્યાં બે પાંચ હજાર ભાડું હોય છે અને ફેસેલિટી ઓછી અને હિડન ચાર્જીસ વધુ હોય છે. જ્યારે અહી તો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં માત્ર સેવા ભાવ જ છે. ઘર જેવું જ વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે અને અહીં આવતા લોકોને ઘર જેવા વાતાવરણમાં ઘર જેવું જ ભોજન મળી રહે તે હેતુસર એક જૈન વિઝનના સભ્યના ઘરે જ ભોજન તૈયાર થયા બાદ અહીં પહોંચાડવામાં આવે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે પરંતુ આ જરા પણ અતિશયોક્તિ નથી કે, શ્રી મહાવીર હોમ ક્વોરેન્ટાઈન સેન્ટરમાં રહેવા માટે છેક અમદાવાદ, બરોડા અને સુરતથી ઈન્કવાયરી આવે છે. જેમના ઘરમાં વ્યક્તિ પોતાને આઈસોલેટ કરી શકે એવી સગવડ હોય તેમને કદાચ વાંધો નહીં આવતો હોય પરંતુ જેમને ઘરે પૂરતી વ્યવસ્થા ન હોય કે ભોજન બનાવી શકે એવું કઈ સભ્ય ન હોય તેમના માટે શ્રી મહાવીર હોમ ક્વોરેન્ટાઈન સેન્ટર સુખ, સુવિધા અને સ્વસ્થતાનું સરનામુ છે. અહીં આવીને ગમે તેવા બીમારી લોકો પણ સ્વસ્થ્ય અને મસ્ત થઈ ઘરે જાય છે.
શ્રી મહાવીર હોમ ક્વોરેન્ટાઈન સેન્ટરમાં વ્યક્તિની દિનચર્યા
સવારે
દિવસની શરૂઆતમાં વહેલી સવારે ગરમાગરમ ઉકાળો આપવામાં આવે છે. ત્યારબાદ ચા, કોફી, દૂધ સાથે હળવો નાસ્તો આપવામાં આવે છે. નાસ્તામાં લચકો મગ, ગાંઠિયા, પૌંઆ, ઈડલી-સાંભાર સાથે થેપલાં, ખાખરા, ભાખરી આપવામાં આવે છે. સવારનાં નાસ્તા બાદ દસ વાગ્યે આદુ શોટ અથવા તો આદુનો બુસ્ટર ડોઝ અપાઈ છે.
બપોરે
સવારે પૌષ્ટિક નાસ્તા અને ગરમ ઉકાળા ખાધા-પીધા બાદ બપોરે જમવામાં એક કઠોળનું શાક, એક લીલું શાક, રોટલી, દાળ, ભાત, સલાડ, છાસ, મિનરલ વોટરની બોટલ એમ શુદ્ધ સાત્વિક ગુજરાતી ગરમાગરમ જૈન ભોજન પીરસવામાં આવે છે.
સાંજે
સવારના નાસ્તા અને બપોરના ભોજન
બાદ સાંજે પાંચ વાગ્યે 2 અલગ-અલગ પ્રકારના તાજા ફળો અને સાથે ઉકાળો આપવામાં આવે છે. સાથે બાન લેબની આરોગ્યવર્ધક ગ્રીન ટી તો ખરી જ.
રાત્રે : રાતના ભોજનમાં પણ બપોરના ભોજનની જેમ જ શુદ્ધ સાત્વિક ગરમાગરમ પરોઠા, શાક, ખીચડી, કઢી, સલાડ વગેરે આપવામાં આવે છે.અને સૂતાં પહેલાં હળદર-કેસરયુક્ત નવસેકું દૂધ – બાન લેબનું ગોલ્ડન મિલ્ક આપવામાં આવે છે.
દિવસભર : આખા દિવસમાં ગમે ત્યારે બાન લેબ્સની રોગ પ્રતિકારક શક્તિ વધારનારી ગ્રીન ટી જે આયુર્વેદિક ઉકાળા કરતા પણ ચઢિયાતી છે એ જોઈએ એટલી વખત આપવામાં આવે છે. આ સિવાય દિવસભર લીંબુ પાણી, ગરમ પાણી આપવામાં આવે છે.
નોવા હોટેલના સૌમિલ દિલીપભાઇ પટેલનો સહયોગ
જૈન વિઝન અને મિલન કોઠારીની ટીમના આ ઉમદા પ્રયાસમાં રાજકોટની સુવિખ્યાત હોટેલ ‘નોવા’ના સૌમિલ પટેલનો પણ પૂરેપૂરો સહયોગ મળ્યો છે. 1100 રૂપિયા જેવી નજીવી રકમમાં ફાઇવસ્ટાર સુવિધાઓ આપ્યા પછી કોઇ નફો ન વધે તે સ્વાભાવિક છે. આજના સમયમાં આટલી રકમમાં એક ગેસ્ટહાઉસમાં પણ સારો રૂમ મળી શકતો નથી. કોરોનાકાળમાં જ્યારે બધા જ રોકડી કરી લેવા નીકળી પડ્યા છે ત્યારે હોટેલમાલિક સૌમિલ પટેલની આ સેવા અન્યોને પણ એક ઉદાહરણ પૂરું પાડે છે.





