પનાહ પ્રોજેકટ ચેરમેન નિલેશભાઈ ભાલાણી દ્વારા જીવદયાનું ઉત્તમ ઉદાહરણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
જૈન સોશ્યલ ગ્રુપ્સ ઈન્ટરનેશનલ ફેડરેશન અનેકવિધ સામાજિક કાર્યક્રમો કરવામાં મોખરાનું સ્થાન ધરાવે છે. મેગા બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, ગરીબોને રાશન કિટ વિતરણ, થેલેસેમિયા પીડિત બાળકો માટે સાઈકલ તેમજ મેડિસીનની વ્યવસ્થા ઉપરાંત જીવદયાના કામોમાં આગવું કામ કરી રહ્યું છે.
- Advertisement -
જૈન સોશ્યલ ગ્રુપ્સ ઈન્ટરનેશનલ ફેડરેશનના પનાહ પ્રોજેકટ અંતર્ગત રાજકોટના મોરબી રોડ પર આવેલા રતનપર ગામે શ્રીરામ મંદિર સામે કચ્છમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાતા ત્યાંથી ગૌપાલકો તેમની આશરે 300 જેટલી ગાયો નિભાવવા રાજકોટ તરફ હિજરત કરીને અહીં આવેલા છે. આ ગૌમાતાને જરૂરી ઘાસચારો તેમજ મેડિકલ સહાય પુરી પાડવાની સંપૂર્ણ જવાબદારી પ્રોજેકટ પનાહના ચેરમેન અને જીવદયા કાર્યમાં સદાય અગ્રેસર એવા અંબાઆશ્રીત સારીઝવારા નીલેશભાઈ ભાલાણી (ભીમભાઈ)એ ઉપાડેલી છે.
ગત તા. 27-5-2025 ને મંગળવારના રોજ સવારે 7-20 કલાકે રાજકોટથી 17 કિલોમીટર દૂર આ કેમ્પમાં બીરેનભાઈ શાહ અને અમિષભાઈ દોશી તેમજ મનીષભાઈ શાહ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી પ્રારંભ કરાવેલો હતો. જયારે કેમ્પનું ઉદ્ઘાટન સેજલભાઈ કોઠારી અને મનીષભાઈ દોશીના વરદહસ્તે કરવામાં આવેલું હતું. આ ઉપરાંત આ કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે મેહુલભાઈ દામાણી, જયેશભાઈ વસા, રાજેશભાઈ મોદી, જીજ્ઞેશભાઈ મહેતા અને રાજકોટ ઝોન પરિવારના નિલેશભાઈ શાહ, મેહુલભાઈ શાહ, જિજ્ઞેશભાઈ બોરડીયા, અશોકભાઈ વોરા, ભાવિનભાઈ ઉદાણી, ડો. કોમીલ વોરા, હરેશભાઈ શાહ, તુષારભાઈ કોઠારી અને હીતેશભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પમાં રહેલી આશરે 300થી વધારે ગૌમાતાઓને ઉદારહૃદયી દાતાઓ દ્વારા જ્યાં સુધી ગૌમાતાના ઘાસચારાને અનુરૂપ વાતાવરણ ન ઉદ્ભવે ત્યાં સુધી ઘાસચારો તેમજ મેડિકલ સહાય પૂરી પાડવામાં આવનાર છે. આ જીવદયાના ઉત્તમ કાર્યમાં પ્રારંભમાં સૌ પ્રથમ હિજરત કરીને આવેલી ગૌમાતાને મેડિકલ ટ્રીટમેન્ટની તાતી જરૂર હોવાથી તેમની તબીબી ટીમ દ્વારા સારવાર આપવામાં આવેલી છે.



