કિન્નર આચાર્યની તડાફડી
કાર કે બાઈકની પાછળ ‘જય માતાજી’ લખ્યું હોય એટલે ચાલક દરબાર છે, ક્ષત્રિય છે, ‘જય સરદાર’ કે ‘જય પાટીદાર’ લખ્યું હોય તો પટેલ, ‘જય મુરલીધર’નું સ્ટિકર હોય તો આહીર, ‘જય પરશુરામ’ એટલે બ્રાહ્મણ. ‘જય વેલનાથ’ લખેલું હોય તો કોળી જાણવા, ‘તોફાની કાનુડો’ હોય તો ભરવાડ અને ઊંૠગ (ખ્વાજા ગરીબ નવાઝ)નું સ્ટિકર હોય તો મુસ્લિમ. સૌરાષ્ટ્રની આ પ્રથા છે. આમાં પોતાનાં આરાધ્ય પ્રત્યેનો પ્રેમ ઓછો અને લોકોને આડકતરી ચેતવણી આપવાનો ઈરાદો વધુ છે. આ એક સામાજીક બદી છે. જ્ઞાતિ પ્રત્યે બહુ ગૌરવ હોય તો મનમાં જ રાખવું જોઈએ. પરંતુ તેનું જાહેર પ્રદર્શન જાણી-જોઈને કરવામાં આવે છે.
- Advertisement -
આપણે સૌ જાણીએ છીએ કે, દરેક જ્ઞાતિમાં ગામનાં ઉતાર જેવાં દસ-વીસ ટકા લોકો હોય છે, કેટલીક જ્ઞાતિમાં સિત્તેર-એંસી ટકા પણ હોય. વાહન પર સ્ટિકર્સ લગાવનારા આ જ ઉતાર-એંઠવાડ હોય છે. કોઈ સારા-સંસ્કારી લોકો આવું કરતાં નથી. કરવું પણ ન જોઈએ. તમે કઈ જ્ઞાતિનાં છો, એ બાબત સાથે તમારી સાથે કે પાછળ ચલાવતાં ચાલકને શી લેવાદેવા?
બીજાં રાજ્યની સરકારોને જે વાત વર્ષો પછી પણ સમજાતી નથી- તે ઉત્તરપ્રદેશની યોગી સરકારને બહુ વ્હેલાં જ સમજાઈ જાય છે. યોગી આદિત્યનાથ માત્ર બુલડોઝર જ ચલાવતાં હોય અને એન્કાઉન્ટર્સ જ કરાવતાં હોય તેવું નથી. એમણે સામાજીક સુધારણામાં અનેક પગલાં લીધાં છે. ગઈ તારીખ 21 સપ્ટેમ્બરે યોગી સરકારે એક નવો કાનૂન બનાવ્યો- જે અંતર્ગત કોઈપણ વાહન પર જ્ઞાતિસૂચક શબ્દો કે વાક્યો લખવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત પોલીસની એફ.આઈ.આર.માં (એટ્રોસિટીનાં કેઈસ બાદ કરતાં) ફરિયાદી અને આરોપીની જ્ઞાતિ દર્શાવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. એક અત્યંત અગત્યની જોગવાઈ એ પણ ઉમેરવામાં આવી છે કે, કોઈપણ પ્રકારનાં જ્ઞાતિ સંમેલનો કાયદા વિરુદ્ધ ગણાશે. ગુજરાતમાં પણ આવું જરૂરી છે. પણ, કોણ કરશે? કોઈ નહીં.
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જ્ઞાતિઓનાં નામે ચરી ખાતા લુખ્ખેશોનો ભયાનક ત્રાસ છે. આ લોકો માને છે કે, તેમની જ્ઞાતિ જાણતાં જ સામેવાળાની ફેં ફાટી જશે. સૌરાષ્ટ્રમાં અગાઉ પોતાની જ્ઞાતિનાં હત્યારાને બચાવવા માટે પણ જ્ઞાતિનાં સંમેલનો યોજાઈ ચૂક્યાં છે. આજે પણ આજીવન કેદની સજા પામેલાં લોકોને બચાવવા જ્ઞાતિનાં મસમોટાં સંમેલનો થાય છે. પોતાની જ્ઞાતિનાં એક હત્યારા- ગુજસીટોકમાં સજા કાપી રહેલાં ગૂંડાને બચાવવા એક ધાર્મિક સ્થળનાં અધ્યક્ષે પોતાના જ્ઞાતિવાદી આગેવાનોની મીટિંગ બોલાવી હતી. આવા એકલદોકલ નહીં, સેંકડો અને હજારો ઉદાહરણો છે.
- Advertisement -
જ્ઞાતિ પ્રત્યેનું અભિમાન અને જ્ઞાતિનું નામ આગળ ધરીને દાદાગીરી, લુખ્ખાગીરી કરવી એ એક પ્રકારની માનસિક બીમારી છે. જે ક્ષણે તમે જ્ઞાતિ આધારીત સ્ટિકર કે સૂત્ર કાર કે ટુ વ્હીલર પર લખાવો છો- એ જ ક્ષણે તમારી માનસિક વિકલાંગતા સાબિત થઈ જાય છે. તમને ખ્યાલ ન હોય તો કહી દઉં: તમારા આવા લખાણ જોઈને તમારી પાછળવાળો વાહનચાલક તમને અને તમારી જ્ઞાતિને મણ-મણની ભાંડતો હોય છે. જે દિવસે એ નહીં બોલાયેલી ગાળો તમારા કાને અથડાશે તે દિવસે તમારા કાનમાં કિલો-કિલોનાં કીડાં પડશે અને કાનનાં પરદા ફાટી જશે.