મહેકી ઊઠે છે ભીની માટી સરીખું તન-મન,
એને મળ્યાની ક્ષણનો ઉન્માદ ભીંજવે છે
વ્હાલી જિંદગી,
- Advertisement -
તું મારાં શ્રાવણની શ્રદ્ધા છે. તું ભગવાન શિવ પર થતાં જળાભિષેકની એવી ધીમી અને સ્થિર ધારા છે જે મને હંમેશા સ્થિર અને શ્રદ્ધાવાન રાખે છે. તારી આંખોમાં ઘેરાયેલા કાજળના કસમ- તું ખૂબ જ સુંદર લાગે છે. તારી છાતીમાં ટહૂકો કરતી કોયલના સમ- તારા વાળની લટોમાં અટવાઈને પડેલું લાવણ્ય મને પાગલ કરી મૂકે છે. તારી લચકી લચકીને મને સંમોહિત કરતી પાતળી કમર મારી આંખમાં તોફાન લાવી દે છે. તું કામદેવનું એ તીર છે જે મને વારંવાર, ક્ષણે ક્ષણે વાગ્યા કરે છે અને હું પ્રેમઘાયલ થઈ તારી તરફ ઢળી પડું છું. તારામાં ઓગળી જાઉં છું. નાજુક હોઠમાં રહેલી લાલિમા, તારી અણીયાળી આંખોની અદા – મને મારવા માટે આટલી પ્રચુર સામગ્રી તારી પાસે હંમેશા હાજર હોય છે. હું સાનભાન ભૂલી જાઉં છું. મને સ્થળ સમયનું પણ ભાન રહેતું નથી. આખી દુનિયા સાવ વામણી લાગવા માંડે છે. જિંદગી! તું મને મળેલું એ અમૂલ્ય ફળ છે જેનું મૂલ્ય આંકવું અતિ મુશ્કેલીભર્યું કામ છે. અત્તરનાં છાંટણા જેમ, અબીલ ગુલાલની છોળ જેમ અને ખળખળતાં ઝરણાં જેમ તું સતત મારામાં રમ્યાં કરે છે અને વસ્યાં કરે છે. હું આંખો બંધ કરી પૂર્ણપણે તારું આ રીતે મારી ભીતર હોવાનું માંગલ્યટાણું ઉજવતો રહું છું. મારા હૈયામાં સળગતા ફાનસની શગ છે. તારા પ્રેમનું તેલ મારી શગને સતત પ્રજવળતી રાખે છે. તારા પ્રેમઝરૂખામાં બેઠાં બેઠાં હું પવનના મીઠા હિંડોળા અનુભવું છું.
તારા સ્નેહના સરવડા મને શ્રાવણ બનીને ભીંજવી રહ્યાં છે. તારું હોવું એ મારી હયાતી ને સાતમા આસમાને લઈ જવાનું કામ કરે છે. તારું વ્યક્તિત્વ મારા અસ્તિત્વના બ્લેકબોર્ડ પર રંગીન ચોક જેમ ઊતરી આવે છે ત્યારે હું સંપૂર્ણ અને સર્વાંગસુંદર બની જાઉં છું. હું સંખેડાઉતાર થઈ તારામાં પૂર્ણત: રીતે ઓગળી જાઉં છું. તું પૃથ્વી પર પથરાયેલી સંધ્યાની લાલીમા છે અને મારા જીવતરનો ઉજળો ઉજાસ છે. તું મારા આત્માની હવા છે. તું મારા શરીરને માફક આવેલ સૂર્યપ્રકાશના કોમળ કિરણો છે. તું મારા આયુષ્યના બધા જ અવશેષોને અજવાળે છે. તારું સામીપ્ય મારામાં કોળાતું જાય છે અને હું ફાલ જેમ ઉતરતો જાઉં છું. તું મારે રોમે રોમ ફૂટી નીકળે છે અને હું તુજથી સુગંધિત થતો જાઉં છું. જિંદગી! મને ફક્ત અનહદ પ્રેમ કરતા જ આવડે છે. આ પ્રેમમાં મનોવિજ્ઞાન, વિજ્ઞાન કે સમાજશાસ્ત્ર જેવા કોઈ મોટાં મોટાં વિષયો ના હોય, પ્રેમમાં તો લાગણીની લથબથતી ભીનાશ હોય, સંપૂર્ણ સમર્પણ હોય, ફના થઈ જવાની તીવ્ર ઝંખના હોય,એકબીજામાં સંપૂર્ણ પરોવાઈ જવાની તાલાવેલી હોય. જ્યારથી મારો જન્મ થયો ત્યારથી હું તને ચાહું છું કારણ કે તેં જ મને આંગળી પકડીને આ દુનિયા બતાવી છે. ટેરવામાં તારા સ્પર્શની આછી ઝણઝણાટી વછૂટે છે ત્યારે મારામાં નવજીવનનું પ્રભાત ફૂટે છે. રોમે રોમમાં ટહૂકાઓ થવા લાગે છે. મારા હૈયામાં વાગતી વાંસળીના દરેક સૂરમાં તારું નામ ઘૂંટાઈને બહાર આવે છે. જિંદગી! હું તને ખૂબ જ પ્રેમ કરું છું કારણ કે મને એ સત્ય સમજાયું છે કે પ્રેમથી વિશેષ આ દુનિયામાં બીજું કશું જ નથી. પ્રેમરસાયણ જ ઉત્તમ ઔષધિ છે. મને તારી પાસેથી પ્રત્યેક ક્ષણે આ ઔષધિ મળ્યા જ કરે છે અને હું અભય બનતો જાઉં છું. તારામાં મને ભગવાનના દર્શન થાય છે. તું મારું પવિત્ર મંદિર છે. તારો પ્રેમ એ મને ભગવાન તરફથી મળેલી પ્રસાદી છે. આ પ્રસાદીને તો કૃતાર્થ થઈ મસ્તક પર જ ચડાવવાની હોય. કોઈપણ સંદેહ વગર, સંપૂર્ણપણે સમર્પિત થઈ હું જીવું છું કારણ કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું. તને પ્રેમ કરવો એ મારો જીવનધર્મ છે. મારા આત્માને અવતારનાર તત્ત્વ છે. તું મારી આંખોમાં જામેલું હરખનું આંસુ છે અને તું જ મારી આંખોમાં ઉગતા કૌતુકનું લાવણ્ય છે. તું વહેલી સવારની ખુશ્બુમાં હવા છે…
જિંદગી ! તું મારા આત્માની દવા છે…
સતત તને શ્વસતો…
જીવ.
- Advertisement -
(શીર્ષકપંક્તિ:- રીનલ પટેલ)