રાજકોટથી આખા સ્ટાફને દરોડામાં સામેલ કરાયો
બંકીમ જોશી, નિલય દેસાઇ, વિક્રાંત પુરોહિત સહિતના સંચાલકો-ભાગીદારોના નિવાસ સહિત 30 સ્થળોએ તપાસ : જંગી કરચોરી ખુલવાની આશંકા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
નાણાકીય વર્ષની સમાપ્તિ પૂર્વે કર વસુલાતનો ટાર્ગેટ સિધ્ધ કરવા માટે દરોડા ઓપરેશનનો દોર ચાલુ રહ્યો હોય તેમ આજે અમદાવાદ-ગાંધીનગરમાં છે. જાણીતા બિલ્ડર ગ્રુપને નિશાન બનાવવામાં આવ્યા છે. કરોડો રૂપિયાની કરચોરીની પર્દાફાશ થવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે.
આવકવેરા વિભાગના આધારભુત સુત્રોએ જણાવ્યું છે કે અમદાવાદ-ગાંધીનગરમાં આજે સવારથી પીએસવાય તથા વિનાયક રીયલ એસ્ટેટ ગ્રુપને નિશાન બનાવવામાં આવ્યા છે. ગાંધીનગરમાં સેકટર 8 તથા સેકટર ર1ના તેઅના સ્થળે પર વ્હેલી સવારથી અધિકારીઓની ટીમે ત્રાટકીને દરોડા કાર્યવાહી હાથ ધરી હતી.
રીયલ એસ્ટેટ ગ્રુપના સંચાલકો, ભાગીદાર એવા બંકીમ જોશી, નિલય દેસાઇ, વિક્રાંત પુરોહિત વગેરેના નિવાસસ્થાન, ઓફિસ તથા બાંધકામ સાઇટોને પણ નિશાન બનાવવામાં આવી હતી અને એકસાથે 30 જેટલા સ્થળોએ તપાસનો દોર હાથ ધરવામાં આવ્યો હતો.
રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં જાણીતુ નામ ધરાવતા આ બંને બિલ્ડર ગ્રુપના વિવિધ સ્થળોએથી પ્રાથમિક તપાસમાં જ કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો દર્શાવતા દસ્તાવેજો મળી આવ્યા હતા ઉપરાંત કોમ્પ્યુટર હાર્ડડીસ્ક, મોબાઇલ, બેંક ખાતા વગેરેની પણ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. રોકડ તથા સોનાના દાગીના મળી આવતા તેની ચકાસણી, ગણતરી હાથ ધરવામાં આવી હતી.
સુત્રોના કહેવા પ્રમાણે બિલ્ડર ગ્રુપને ત્યાંથી મોટા પ્રમાણમાં કરચોરીનો પર્દાફાશ થવાની આશંકા છે. 100થી વધુ અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો હતો. અમદાવાદ ઉપરાંત રાજકોટ-સુરતના અધિકારીઓેને સામેલ કરવામાં આવ્યા હતા. મહત્વની બાબત એ છે કે રાજકોટથી સીનીયર અધિકારીઓને બાદ કરતા ઇન્વેસ્ટીગેશન વિભાગના આખા સ્ટાફને તેડાવવામાં આવ્યો હતો.
ગુજરાતમાં આવકવેરા વિભાગનું એક જ સપ્તાહમાં આ બીજુ ઓપરેશન છે. આ પૂર્વે બજેટના દિવસ જ કચ્છમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સુત્રોએ કહ્યું છે સામાન્ય રીતે ચૂંટણી ટાણે દરોડા કાર્યવાહીને બ્રેક મારવામાં આવતી હોય છે. પરંતુ ચૂંટણી જાહેર થવાને હજુ વાર છે અને નાણા વર્ષ સમાપ્તિને આરે છે તે પૂર્વે કરવસુલાતનો ટાર્ગેટ હાંસલ કરવા ઓપરેશન હાથ ધરાયું છે.