નિતાંતરીત: નીતા દવે
ચાલતી આ જીવનની કેડી પર દરરોજ અગણિત મુસાફરો એકબીજાને મળતા જ રહે છે. કોઈક ફક્ત થોડા સમય માટે મળીને જતાં રહે છે તો કોઈ જીવનના અંત સુધી તમે પાડેલા સાદ ને હોંકારો આપતાં રહે છે..! ખરા અર્થમાં જોઈએ તો મળી જેવું ખૂબ સહેલું છે ,પરંતુ મળતા રહેવું ખરેખર બહુ મુશ્કેલ છે.
- Advertisement -
બાળકના જન્મની સાથે જ તેના સંબંધોની સફર પણ શરૂ થતી હોય છે .સ્પર્શ માત્રથી લાગણીઓને સમજનાર એ નવજાત શિશુ સમયાંતરે સંવેદનોનાં હાથથી તૂટતું,ઘસાતું ,ધડાતું, એક માટીનું રમકડું માત્ર થઈને રહી જતું હોય છે. કોઈ પણ બે વ્યક્તિ નું મળવું એ એક ઘટના છે.આ ઘટના કોઈને કોઈ અગમ્ય કારણથી અથવા કોઈને કોઈ સંવેદના કે વેદના થી જોડાઈને બનતી હોય છે. પરંતુ આ ઘટનાનાં સમય દરમિયાન થયેલી મુલાકાત એ ખરા અર્થમાં બે પરસ્પર વ્યક્તિના મિલનને યથાર્થ સ્વરૂપ આપતી હોય છે. ક્યારેક વ્યક્તિ પરસ્પર મળીને પણ મળી શકતા નથી અને કોઈક વણાંક પર સાવ અજાણી વ્યક્તિ મળ્યા વગર પણ આજીવન મળતી રહેતી હોય છે.
કેટલીક વિરોધાભાસી ઘટનાઓ આપણા રોજબરોજના સંબંધો વચ્ચે પણ બનતી રહેતી હોય છે. પતિ પત્ની બંને અગ્નિની સાક્ષીએ વચનો આપી સામાજિક રીતે રિવાજોના ગુલામ થઈ દાંપત્યજીવન નિભાવતા હોય છે. જ્યારે બંને પક્ષે કોઈ વિજાતીય મિત્ર સ્ત્રી અને પુરુષ બંનેની સંવેદનાત્મક બાબતોને સમજવા,વાચા આપવા અને શક્ય બને એટલું સહકાર આપવા માટે સક્ષમ હોય છે.પરંતુ આપણે સમાજના દાયરામાં બંધાયેલા સંબંધો સિવાયના નૈસર્ગિક સંબંધોને સ્વીકારી શકતા નથી. પરિણામે આવા અનેક મળીને પણ ન મેળવેલા નિસ્વાર્થ લાગણીથી નીતરતા સંબંધો જીવનના અંત સુધી સાથ આપી અને મિલન વગર જ મૃત્યુને પામી જતા હોય છે.
સંવેદનાત્મક વિશ્વની દ્રષ્ટિ થી મુલવણી કરીએ તો અંતર ફક્ત બે વ્યક્તિ નાં વસવાટ નાં સ્થળ પર નાં રસ્તાઓ વચ્ચેનું હોય છે. લાગણીની દુનિયાને સળ ના પાટિયાની જરૂર હોતી નથી. જેવી રીતે આપણું સદ્ કર્મ સદભાગ્યના દ્વાર ખોલવા માટે પૂર્ણ હોય છે એવી જ રીતે કોઈ નિસ્વાર્થ લાગણીઓ પરસ્પરના મિલન માટે મળવાની રાહ જોતી નથી. એ સતત પોતાની પ્રાણ ઉર્જા દ્વારા ગમતી વ્યક્તિને સહાયરૂપ થતી જ હોય છે .
- Advertisement -
જોકે આજના આ ગતિવાન સમયમાં આ સમીકરણને સમજવું અને પચાવવું થોડું અઘરું બની શકે.કારણ કે આપણું વિશ્વ એ ઋફભય બજ્ઞજ્ઞસ પર ચાલતું વિશ્વ બની ગયું છે ચહેરાઓની ઓળખ અગત્યની છે. આંતર મનના અરીસા સુધી કોઈ દ્રષ્ટિ કરતું નથી.કોઈ વ્યક્તિ આજીવન એકબીજાને મળ્યા વગર એક સંવેદનાત્મક અને સહિષ્ણુ સબંધ પૂરી વફાદારી, પ્રમાણિકતા અને નિસ્વાર્થ ભાવે નિભાવી શકે..? ઉદાહરણ માટે ક્યાં કઈ દૂર જવાની જરૂર છે મીરાંને મેવાડ નાં રાણા એ મોકલેલ વિષ નાં પ્યાલાને અમૃત કરવા કૃષ્ણ એ ક્યાં સદેહે આવી અને મોરલી વગાડી હતી..? એવી જ રીતે ગમતા વ્યક્તિને મળવા માટે કયા સાપેક્ષ મુલાકાત ની જરૂર હોય છે..? ગમતું પાત્ર પ્રત્યક્ષ નથી છતાં પણ પ્રત્યેક ક્ષણ પ્રિય પાત્રની હાજરીનો અનુભવ થતો રહે બસ એ જ મિલનની ઉત્તમ કક્ષા કહી શકાય.