ઓરેવા સુપ્રીમો જયસુખ પટેલ પર કાયદાની લટકતી તલવાર!
ભૂગર્ભમાં ઉતરી ગયેલા જયસુખની પોલીસ ગમે ત્યારે ધરપકડ કરી શકે છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં મહિનાઓ બાદ અચાનક જ ઝૂલતા પુલનું સંચાલન કરનાર ઓરેવાના સુપ્રીમો જયસુખ પટેલે આગોતરા જામીનની અરજી કરતા તરેહ તરેહની ચર્ચાઓ ઉઠી હતી જોકે ભૂગર્ભમાં ઉતરી ગયેલા જયસુખ પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરંટ અને લુક આઉટ નોટિસ ઈશ્યુ થઈ છે જેથી આ વોરંટ બાદ જયસુખ પટેલ પર ધરપકડની લટકતી તલવાર છે અને પોલીસ ગમે ત્યારે તેની ધરપકડ કરી શકે છે.
મોરબીના ઝૂલતા પૂલને યોગ્ય રીતે મરામત કર્યા વગર ખુલ્લો મૂકવાથી ગત તા. 30 ઓકટોબરના રોજ આ ઝૂલતો પુલ તૂટી પડતા 135 માસુમોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ ઘટનામાં પહેલેથી જ પ્રથમ નજરે જ જવાબદાર ગણાતા ઓરેવાના સુપ્રીમો જયસુખ પટેલને આજ સુધી પોલીસે પકડેલ નથી ત્યારે હવે તેની ધરપકડ કરવા નામદાર કોર્ટ દ્વારા થોડા દિવસો પહેલા લૂક આઉટ નોટિસ ઈશ્યુ કરી ધરપકડ વોરંટ જારી કર્યું છે જોકે આ બાબતે તપાસ એજન્સી દ્વારા કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓરેવા ગ્રુપને આ ઝૂલતો પૂલ સોંપવા મોરબી નગરપાલીકા દ્વારા શંકાસ્પદ શરતો સાથેના કરાર કરાયા હતા અને જયસુખ પટેલે પોતે જ પરિવાર સાથે આ પૂલને નૂતન વર્ષના દિવસે ખુલ્લો મુકી દીધો હતો. પૂલની બરાબર મરામત કરવાની જવાબદારીમાં ઘોર બેદરકારી દાખવાતા અને ઘટનાના દિવસે પૂલની ક્ષમતા જોયા જાણ્યા વગર તેના ઉપર લોકોને જવા દેવાતા આ પુલ તૂટી પડયો હતો જેથી પોલીસે આ ઘટનામાં મોડી રાત્રીના ફરિયાદ નોંધી હતી ત્યારે આ દુર્ઘટના પછી ભૂગર્ભમાં ઉતરી ગયેલો જયસુખ પટેલ ક્યારેય સામે આવ્યો નથી અને અચાનક જ તેમના વકીલે શુક્રવારે મોરબી કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી જેની શનિવારે સુનાવણી થઈ હતી પરંતુ વકીલોની ગેરહાજરી વચ્ચે પોલીસે મુદત માંગવાની સાથે દુર્ઘટનામાં પીડિત પરિવારોએ વાંધા અરજી કરી પક્ષકાર તરીકે જોડાવા માંગ કરતા હવે આગળની સુનાવણી માટે તા. 1 ફેબ્રુઆરીના રોજ સુનાવણીની મુદત પડી છે.